પ્રેરણાદાયી કિસ્સો : ખેતમજૂર માબાપનો દીકરો સરકારી શાળામાં અભ્યાસ કરી ISRO માં વૈજ્ઞાનિક બન્યો
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : અસ્થિર મનના માનવી ને રસ્તો કદી જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.કહેવાય છે કે જેનું મન મક્કમ હોય એ ગમે એવી મુશ્કેલીઓ આવે તો પણ ડર્યા વિના સામનો કરી પોતાની મંજિલ સુધી પહોંચતા હોય છે.તાજેતરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે એક સામાન્ય સરકારી શાળામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી ઈસરો સુધી પહોંચ્યો છે.
વાત છે ઈસરોમાં પસંદગી પામેલ સોમનાથ નંદુ માળીની કે જે મહારાષ્ટ્રના પંઢરપુર તાલુકાના સરકોલીનો રહેવાસી છે અને તે ગ્રામીણ વિસ્તારની એક સરકારી શાળામાં શિક્ષણ પૂર્ણ કરી ઇસરો સુધી પહોંચ્યો. પુત્ર સોમનાથને ભણાવવા માટે તેના માતાપિતા ખેતરમાં મજૂરી કરતા હતા. સોમનાથ તાજેતરમાં કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં સિનિયર સાયન્ટિસ્ટ તરીકે પસંદગી પામ્યો છે. આ અવકાશ કેન્દ્ર માટે પસંદગી પામનારા મહારાષ્ટ્રનો તે એકમાત્ર ઉમેદવાર છે.
સોમનાથ નંદુ માળીએ પ્રાથમિક શાળામાંથી 7મા અને સેકન્ડરી સ્કૂલથી 10માં સુધીનો અભ્યાસ કર્યો હતો અને બાદમાં 11માં વર્ગમાં પંઢરપુર સ્થિત કેબીપી કોલેજમાં પ્રવેશ લીધો હતો. 2011માં 81 ટકા માર્ક સાથે બારમું ધોરણ પાસ કર્યા પછી, સોમનાથ બી.ટેક માટે મુંબઈ ગયો.બાદમાં તેમણે IIT દિલ્હી માટે મિકેનિકલ ડિઝાઇનર તરીકે પસંદ કરવામાં આવ્યા અને સમગ્ર ભારતમાં GATE ની પરીક્ષામાં 916 મો ક્રમ મેળવ્યો. અહીંયા જ તેને વિમાન એન્જિન ડિઝાઇન પર કામ કરવાની તક મળી. છેલ્લે બીજી જૂને સોમનાથની ઇસરોમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક તરીકે પસંદગી કરવામાં આવી.