AAPને ભાજપ આ રીતે મજબૂત બનાવી રહ્યું છે ? AAPના 27 નગર સેવકોએ ભાજપની 22 વર્ષની કથિત વિકાસની રાજનીતિની પોલ ખોલી નાખી !

AAPને ભાજપ આ રીતે મજબૂત બનાવી રહ્યું છે ? AAPના 27 નગર સેવકોએ ભાજપની 22 વર્ષની કથિત વિકાસની રાજનીતિની પોલ ખોલી નાખી !

આમ આદમી પાર્ટીના 27 નગરસેવકોએ સુરતમાં ભાજપના વિકાસની રાજનીતિ ની દિશા અને દશા બદલી નાખી

પ્રજાના ટેક્સના નાણાં ઓ મન ફાવે તેમ ઉપયોગ કરનાર ભાજપ ઉપર આપના 27 નગરસેવકોની લગામ

આપના 27 નગરસેવકોને દબાવવા ભાજપના મરણિયા પ્રયાસો

આપના 27 નગરસેવકોની કામગીરીની સુવાસ સમગ્ર ગુજરાતમાં પ્રસરી અને આપની લોકપ્રિયતા ગુજરાતમાં વધી

શિક્ષિત લોકો પણ આમ આદમી પાર્ટીની રાજનીતિની પરિભાષાથી થયા પ્રભાવિત

કોરોના કાળમાં ભાજપની વિકાસ ની કામગીરી નો પરપોટો ફૂટી ગયો.

આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દાઓ ને લઇ આમ આદમી પાર્ટી 2022 ની વિધાનસભા ની ચુંટણીમાં મેદાનમાં ઉતરવા તૈયાર

હલકી કક્ષાની રાજનીતિ થી કંટાળેલા લોકો હવે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરવા ઉત્સુક

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે કોંગ્રેસ દ્વારા સતત નરેન્દ્ર મોદીનો અપપ્રચાર કરવામાં આવતો હતો. નાની-મોટી ઘટનાઓને લઈને દરેક વાતમાં કોંગ્રેસ નરેન્દ્ર મોદીને નિશાના પર લેતી હતી. કોંગ્રેસ એવું માનતી હતી કે નરેન્દ્ર મોદી વિશે અપ-પ્રચાર કરવાથી કોંગ્રેસને સત્તા મળશે અને ભાજપ પ્રત્યે નકારાત્મક માનસિકતા સર્જાશે. પરંતુ પરિણામ બિલકુલ ઊલટું જોવા મળ્યું જેમાં કોંગ્રેસના અપપ્રચાર થી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માં સતત વધારો થયો અને પ્રધાનમંત્રી પદ સુધી પહોંચ્યા.

જોકે આ ઘટના એટલા માટે યાદ કરવી પડે છે કે સમય અગાઉ જે કામ કોંગ્રેસે કર્યું હતું તે જ કામ હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના નેતૃત્વ વાળી ભાજપ કરી રહી છે. હાલમાં ગુજરાતમાં ભાજપના શાસનની કેટલીક નિષ્ફળતાઓને કારણે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસે દિવસે મજબૂત બની રહી છે અને અનેક શિક્ષિત અને આંદોલનકારીઓ આમ આદમી પાર્ટીમાં દિનપ્રતિદિન જોડાઈ રહ્યા છે.

જોકે આમ આદમી પાર્ટીની દિનપ્રતિદિન વધતી જતી લોકપ્રિયતાથી ખોખલાઇ ગયેલા ભાજપના નેતાઓએ હવે સુરતમાં યેનકેન પ્રકારે આમ આદમી પાર્ટીના 27 નગરસેવકોને કોઈને કોઈ રીતે સાણસામાં લેવાનું શરૂ કર્યું છે. જેમાં ભાજપ દ્વારા અયોગ્ય રીતે સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના 27 નગરસેવકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. કારણ કે સુરત મહાનગરપાલિકા માં ભાજપ આમ આદમી પાર્ટીના નગરસેવકોની હાજરીમાં પોતાનું એક હથ્થુ શાસન ચલાવવામાં બેચેની અનુભવી રહ્યું છે.

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં સદંતર નિષ્ફળ ગયેલી ભાજપ સરકારના શાસકો દ્વારા તાજેતરમાં સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના 27 નગરસેવકોની પોલીસની સત્તા નો ખોટો ઉપયોગ કરી તેમની અટકાયત કરાવવામાં આવી અને મહાનગર પાલિકાની સભા વિપક્ષ વિના જ પૂર્ણ કરી 'કુલડીમાં ગોળ ભાગવામાં આવ્યો.' જોકે સામાન્ય સભા પૂરી થતાં જ આ 27 નગરસેવકોની અટકાયત કરી હતી તેમને મુક્ત કરી દેવામાં આવ્યા ત્યારે આ ઘટના સમગ્ર સુરતમાં જ નહીં પરંતુ ગુજરાત થી દિલ્હી સુધી ચર્ચાસ્પદ બની અને ભાજપની છાપ લોકોમાં ક્યાંકને ક્યાંક ભાજપ પ્રત્યે નકારાત્મક માનસિકતા પ્રગટ કરી રહી હોય તેવું લાગે છે.

આમ તો જ્યારથી ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી કાયદો અને વ્યવસ્થા માત્ર અને માત્ર આમ જનતા માટે જ છે. ભાજપના લોકોને કાયદો અને વ્યવસ્થા કોઈપણ પ્રકારે નડતી નથી એવા અનેક કિસ્સાઓ મીડિયામાં અવાર-નવાર જોવા ને સાંભળવા મળતાં હોય છે. ભાજપની આ શાસન કરવાની પદ્ધતિ એ લોકોને સરમુખત્યારશાહી નો અહેસાસ કરાવી દીધો છે. ત્યારે પોતાની સત્તા બચાવવા માટે અને પોતાની રાજકીય લીટી લાંબી કરવા માટે આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાને અટકાવવા અખત્યાર કરવામાં આવતી ખોટી નીતિઓને કારણે લોકોમાં ભાજપ પ્રત્યે નકારાત્મક માનસિકતા પેદા થઈ રહી છે. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની જેમ ભાજપ પણ હવે ગુજરાતમાં જાણે-અજાણે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવામાં પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ ભૂમિકા ભજવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.