Kutch: કચ્છના ધોરડો સફેદ રણમાં હવે પ્રવાસીઓ માટે નવું આકર્ષણ, જાણો
Mnf network: દેશ વિદેશમાં એક પ્રતિષ્ઠિત પર્યટન સ્થળ તરીકે વિખ્યાત થઇ ચૂકેલા કચ્છના ધોરડો સફેદ રણમાં હવે પ્રવાસીઓ માટે નવું આકર્ષણ શરૂ કરવામાં આવશે. 26 ડિસેમ્બરે સફેદ રણના વૉચ ટાવર ઉપર કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શૉનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવશે. સફેદ રણના બેકગ્રાઉન્ડમાં આ લાઇટ એન્ડ સાઉન્ડ શૉથી એક નયનરમ્ય નજારો જોવા મળશે.
આ સાથે કચ્છડો ખેલે ખલકમેં થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ, દૈનિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે થીમ પેવેલિયન, ક્રાફ્ટ સ્ટોલ, ખાણી-પીણી બજાર, ક્રિએટિવ ફુડ ઝોન અને સાહસિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના પ્રવાસનને વેગ આપવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, આકર્ષણો અને અન્ય સુવિધાઓ વિકસિત કરવામાં આવી રહી છે. કચ્છના ધોરડોમાં, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી શરૂ થયેલા રણોત્સવને હવે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઇ છે અને કચ્છના અર્થતંત્રને નવી ઊર્જા મળી છે. વર્ષ 2022-23માં 3.5 લાખ જેટલા પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત લીધી હતી. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં પોણા બે લાખ જેટલા પ્રવાસીઓ આવી ચૂક્યા છે.
અત્યારે, કચ્છમાં ધોળાવીરા, સ્મૃતિવન, રીજનલ સાયન્સ સેન્ટર અને ભુજના ઐતિહાસિક સ્થળોની મુલાકાત પ્રવાસીઓ લઇ શકશે. સફેદ રણમાં પ્રવાસન વિકાસથી, સ્થાનિકોને વિવિધ ક્ષેત્રે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બની છે. કચ્છી ભરતકામ અને હસ્તકલાના નમૂનાઓ પણ દેશ-વિદેશના લોકોમાં પ્રખ્યાત છે. રણોત્સવ થકી કચ્છી હેન્ડિક્રાફ્ટ્સના કલાકારોને પોતાની કલાકૃતિઓને વેચવા માટે એક વૈશ્વિક બજાર મળે છે.