કોરોના કાળમાં રૂપાણી સરકારની મુશ્કેલી વધી : ......તો 25 હજાર જેટલા હેલ્થ મિશનના કર્મચારીઓ આપશે સામુહિક રાજીનામુ, જાણો કારણ
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : આરોગ્ય વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આરોગ્ય કેન્દ્રથી લઇને આરોગ્ય કમિશ્નરની કચેરીમાં ટેકનીકલ તથા નોનટેકનીકલ એમ કુલ ૪૮ કેડરના કર્મચારીઓની પગાર વધારા અંગે માંગણી છેલ્લા ઘણા સમયથી ફાઇલોમાં અટવાઇ ગઈ છે. ત્યારે આ અંગે નેશનલ હેલ્થ મિશન કરાર આધારીત કર્મચારી મંડળ ગુજરાત દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ, કમિશ્નર તથા નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટરને પડતર માંગણીઓ અંગે સત્વરે નિર્ણય કરવા માટે લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
જો કે આવેદન પત્રમાં એવી ચીમકી ઉચ્ચારાઈ છે કે આગામી તા.૧૨ મે સુધીમાં કર્મચારીઓના પગાર અંગે હકારાત્મક નિર્ણય સરકાર દ્વારા કરવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં ફરજ બજાવતાં રપ હજાર જેટલા એનએચએમ કર્મીઓ સામુહિક રાજીનામું આપશે અગાઉ ઓકટોબર – ૨૦૨૦માં પગાર સહિતના વિવિધ પ્રાણપ્રશ્નોના નિરાકરણ માટે મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યાં હતાં.
જેને પગલે પગાર વધારા તથા અન્ય માંગણીઓ સંતોષવાની સંબંધિત અધિકારીઓએ જે તે વખતે બાંહેધરી આપી હતી. જેને પગલે ઓકટોબર – ૨૦૨૦થી અત્યાર સુધી એમ કુલ છ મહિના આ કર્મચારીઓએ કોઇપણ અરજી કર્યા વગર માંગણીઓનો હકારાત્મક નિર્ણય આવશે તે નીતિથી નિષ્ઠાપુર્વક કામગીરી કરી હતી. હવે જ્યારે સરકાર અન્ય કર્મચારીઓની પગાર વધારાની માંગણી સંતોષી રહી છે ત્યારે રાત-દિવસ જોયા વગર કે પરિવારની પરવાહ કર્યા વગર એનએચએમના કર્મચારીઓ કામગીરી કરી રહ્યાં છે જેમની માંગણીઓનો ઉકેલ લાવવામાં આવતો નથી અને આ માંગણીઓ ફક્ત ફાઇલ બનીને મંત્રીના ટેબલે પડી રહે છે.
હાલમાં રાજ્યમાં કુલ રપ હજારથી પણ વધુ કર્મચારીઓ ગામના પેટા આરોગ્ય કેન્દ્રથી લઇને મુખ્ય આરોગ્યની કચેરીમાં નિષ્ઠાપુર્વક કામગીરી કરે છે તેમ છતાં પગારમાં ૧૫ ટકાનો વધારો સરકાર દ્વારા કરવામાં આવતો નથી. અગાઉ જે કર્મચારીઓ હડતાલ ઉપર જાય છે તેમના પગાર સરકારે વધારી દીધા છે ત્યારે આ મંડળ દ્વારા પણ આશ્ચર્યજનક કાર્યક્રમની ચિમકી ઉચ્ચારી છે. આગામી તા.૧૨ મે સુધીમાં સરકાર દ્વારા કરાર આધારિત કર્મચારીઓના પ્રશ્ન બાબતે સુખદ નિરાકરણ લાવવામાં નહીં આવે તો મંડળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને ગુજરાતમાં એનએચએમ કર્મચારી સામુહિક રાજીનામું આપશે તેમ પણ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે.