નેશનલ ટેક્સટાઇલ્સ ડે (National Textiles Day) : ગુજરાતમાં સુરત ટેક્સટાઇલનું સૌથી મોટું હબ, PM મિત્ર પાર્કથી મળશે વેગ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (મહેશ પટેલ ) : નેશનલ ટેક્સટાઇલ્સ ડે (National Textiles Day) દર વર્ષે 3 મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ટેક્સટાઇલ ઉદ્યોગ, તેની ઐતિહાસિક મહત્વતા, અને આજના સમયમાં તેનો વિકાસ થાય તે માટે મનાવવામાં આવે છે.
આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ :
ટેક્સટાઇલ ઉદ્યોગના કાર્યકર્તાઓ, ડિઝાઇનરો, ઉત્પાદકો અને ક્રાફ્ટકારોની મહેનતને માન્યતા આપવી.
કપડા અને ફેબ્રિકની વિવિધ શૈલીઓ, રંગો અને ટેક્નીકની ઉજવણી કરવી.
નવા ટેક્સટાઇલ ઇનોવેશન અને ટેક્નોલોજીના વિકાસને માન આપવો.
ટેક્સટાઇલ ઉદ્યોગ દુનિયાભરનાં કરોડો લોકોને રોજગાર આપે છે.ભારતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ એ આર્થિક વિકાસનું મહત્વપૂર્ણ આધારસ્તંભ છે અને દેશના સૌથી જૂના અને વિશાળ ઉદ્યોગોમાંનો એક છે.
ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગનો ઇતિહાસ:
ભારતમાં ટેક્સટાઇલનું ઇતિહાસ હજારો વર્ષ જૂનું છે. મોહેજો દડો અને હડપ્પા સંસ્કૃતિમાં કાપડ બનાવવાના પુરાવા મળેલા છે. મુસ્લિન, ચંદેરી, કાંજીવરમ, પટોળું જેવી જુદી-જુદી શૈલીઓ પ્રાચીન સમયમાં પણ જાણીતી હતી.
ટેક્સટાઇલ ઉદ્યોગ એ કૃષિ ક્ષેત્ર પછીનું ભારતનું દ્વિતીય સૌથી મોટું નોકરી આપતું ક્ષેત્ર છે.તે ભારતના કુલ નિકાસમાં લગભગ 10% યોગદાન આપે છે. મળતી માહિતીના આંકડાઓ મુજબ, દેશના GDP માં 2% થી વધુ યોગદાન આપે છે.
હેન્ડલૂમ એ ગ્રામીણ ભારતમાં અનેક લોકો માટે રોજગારનું સાધન છે. આ ઉપરાંત આધુનિક ટેકનોલોજી વિકાસતા પાવરલૂમ અને મિલ ઉદ્યોગ નો વિકાસ થયો જેમાં મશીન દ્વારા વિશાળ માત્રામાં ફેબ્રિક બનાવવામાં આવે છે. આ ઉપરાંત રેડીમેડ ગારમેન્ટ્સ એ આંતરરાષ્ટ્રીય નિકાસ માટે એક મોટું સેક્ટર છે.
ભારતના પ્રખ્યાત ટેકસટાઇલ શહેરો :
સુરત : પૉલિસ્ટર અને સાડી ઉદ્યોગ માટે પ્રસિદ્ધ.
ભીવંડી ( મહારાષ્ટ્ર ) : પાવરલૂમ ઉદ્યોગ.
તિરુપ્પુર (તમિલનાડુ): નિકાસ માટે રેડીમેડ ગારમેન્ટ હબ.
કાનપુર લખનઉ : કોટેન અને ચિકનકારી.
બનારસ : રિચ સાડીઓ અને જરી કામ
જો કે, પ્રધાનમંત્રી મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપેરલ (PM MITRA) યોજના ભારત સરકાર દ્વારા ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે શરૂ કરવામાં આવેલી મહત્વાકાંક્ષી પહેલ છે. આ યોજના હેઠળ દેશભરમાં 7 મેગા ટેક્સટાઇલ પાર્કની સ્થાપના કરવામાં આવી રહી છે, જેમાંથી એક ગુજરાતના નવસારી જિલ્લામાં સ્થાપિત થઈ રહ્યો છે.
ઉદ્દેશ : ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સંપૂર્ણ મૂલ્ય શ્રેણી (ફાર્મથી ફાઇબર, ફાઇબરથી ફેબ્રિક, ફેબ્રિકથી ફેશન અને ફેશનથી ફોરેન) એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવી.
મહત્તમ રોકાણ : દર એક પાર્કમાં અંદાજે ₹10,000 કરોડનું રોકાણ અપેક્ષિત છે.
રોજગાર : દર પાર્કમાં આશરે 1 લાખ સીધા અને 2 લાખ પરોક્ષ રોજગાર સર્જન થવાની અપેક્ષા છે.
આર્થિક સહાય કેન્દ્ર : કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીનફિલ્ડ પાર્ક માટે મહત્તમ ₹500 કરોડ અને બ્રાઉનફિલ્ડ પાર્ક માટે ₹200 કરોડ સુધીની સહાય આપવામાં આવશે.
ગુજરાતમાં નવસારી જિલ્લાના વાંસી ગામમાં 462 હેક્ટર (અંદાજે 1142 એકર) જમીન પર PM MITRA પાર્ક ની સ્થાપના થઈ રહી છે. જે સુરત ટેક્સટાઇલ ક્લસ્ટરના નજીક, સુરત એરપોર્ટથી 55 કિમી, હજીરા પોર્ટથી 66 કિમી અને નવસારી રેલવે સ્ટેશનથી 19 કિમી દૂર છે.
રોકાણ અને રોજગાર: આ પાર્કમાં ₹3,000 કરોડનું પ્રારંભિક રોકાણ અપેક્ષિત છે, જેનાથી 2-3 લાખ રોજગાર સર્જન થશે.
સુવિધાઓ: પાર્કમાં વર્કર્સ માટે રહેઠાણ, લોજિસ્ટિક્સ પાર્ક, વેરહાઉસિંગ, આરોગ્ય સુવિધાઓ અને તાલીમ કેન્દ્રો જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
PM MITRA યોજના માટે પસંદ થયેલ અન્ય રાજ્ય
1. વિરુધુનગર, તમિલનાડુ
2. કલબુરગી, કર્ણાટક
3. ધાર, મધ્ય પ્રદેશ
4. લખનૌ, ઉત્તર પ્રદેશ
5. વારંગલ, તેલંગાણા
6. અમરાવતી, મહારાષ્ટ્ર
નોંધ : આ લેખની માહિતી વિવિધ સ્ત્રોત ના આધાર પરથી રજૂ કરાયેલી છે.