મુંબઈ : મોલમાં ત્રીજા માળે આવેલી હોસ્પિટલમાં આગ લાગતાં અફરા તફરી મચી, 2 નાં મોત
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ઉનાળામાં આગજનીની ઘટના ઓ વધુ પ્રમાણમાં બનતી હોય છે . જોકે ગુજરાતમાં પણ અનેક આગજનીની ઘટનાઓ તાજેતરમાં બની છે ત્યારે મુંબઈ ની સનરાઇઝ હૉસ્પિટલમાં ગત રાત્રે આગ લાગી હતી. જેના કારણે બે લોકોનાં મોત થયા છે. ભાંડુપ વિસ્તારમાં સ્થિત ડ્રીમ મોલમાં ત્રીજા માળે આવેલી સનરાઇઝ હૉસ્પિટલમાં આગ લાગી હતી. જે સમયે હૉસ્પિટલમાં આગ લાગી, તે સમયે ત્યાં 70થી વધુ દર્દી સારવાર લઈ રહ્યા હતા. નોંધનીય છે કે અહીં દાખલ મોટાભાગના દર્દી કોરોનાથી સંક્રમિત છે. બીએમસીએ તપાસના આદેશ આપ્યા છે કે મોલની ઉપર હૉસ્પિટલ કેવી રીતે બનાવવામાં આવી અને આ ઘટના પાછળ કોણ જવાબદાર છે.
મળતી જાણકારી મુજબ, મુંબઈના ભાંડુપ વિસ્તારમાં સ્થિત ડ્રીમ મોલમાં ગુરુવાર મોડી રાત્રે આગ લાગવાની સૂચના મળી. ત્યારબાદ આગ પર કાબૂ મેળવવા માટે 20થી વધારે ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી. ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ જાણવા મળ્યું કે મોલના ત્રીજા માળે એક હૉસ્પિટલમાં આગ લાગી છે. ફાયરબ્રિગેડના કર્મચારીઓએ ઘણી મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો. આ દરમિયાન હૉસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે. જો કે મોલમાં હોસ્પિટલ કેવી રીતે બનાવવામાં આવી તે પણ એક મોટો પ્રશ્ન છે ત્યારે બીએમસીએ તપાસના આદેશો આપી દીધા છે.