વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ ઉર્જા મંત્રીને પત્ર લખી કરી મહત્વની માંગ : મેયરે શું કહ્યું ?
સુરત માં વારંવાર પાવર કટ અને કસ્ટમરકેરના બંધ નંબર બાબતે સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલબેન સાકરીયાની ઉર્જા મંત્રીને રજુઆત
સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલબેન સાકરીયા એ ઉર્જા મંત્રીને પત્ર લખી રજુઆત કરી છે.
DGVCL દ્વારા પાવર કટ ને કારણે લિફ્ટ બંધ થાય છે અને ના છૂટકે જનરેટર ચલાવી આર્થિક બોજો વેઠવો પડે છે.
મેયર સહિત ન.પા. ટીમે ઉર્જા મંત્રીની લીધી હતી મુલાકાત પણ પાવર કટ મુદ્દે મેયર અજાણ હોઇ કોઈ ચર્ચા થઈ નથી.
પાયલ સાકરીયાના પત્ર બાદ તંત્ર હવે એક્શન મોડમાં
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ ) : સુરતમાં ઉર્જા વિભાગની લાલીયાવાડી સામે મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલ સાકરીયા એ તીર તાકતો પત્ર ઊર્જા મંત્રીને લખ્યો છે
પાયલ સાકરીયાએ જણાવ્યું કે, શહેરના પુણા અને વરાછા વિસ્તારમાં સમગ્ર વર્ષ દરમ્યાન વારંવાર પાવરકટની સમસ્યાઓ સર્જાય છે તેમજ ત્યારબાદ તે કયારે આવશે તેની માહીતી મેળવવા જાહેર કરેલ નંબરો પર કોઇ પ્રતિભાવ મળતો નથી, ઘણાં નંબરો લાગતા નથી અને વારંવાર કરવા છતાં ઉપાડવામાં આવતા નથી તેમજ જો ભુલથી ઉપાડી લીધેલ હોય તો તેમાં કોઇ યોગ્ય પ્રતિભાવ આપવામાં આવી રહેલ નથી
24×7 કસ્ટમર કેર સેવા ચાલુ કરાવો.
સરકારી હસ્તકની દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મુખ્ય હેડકવાર્ટર એવા સુરતમાં વારંવાર પાવરકટ તેમજ તે અંગેની પુછપરછ કરવા જાહેર કરેલ કસ્ટમર કેરના બંધ નંબરો સહિત સદંતર રેઢીયાળ કામગીરીના કારણે લોકોને ભારે તકલીફો વેઠવી પડી રહી હતી જેના પરિણામે જે તે સમયે તેઓ ઘ્વારા ફરજનિષ્ઠ નગરસેવકોને ફરિયાદો કરવી પડી હતી. નવરાત્રી પર્વમાં પણ વારંવાર લાઈટ કાપને કારણે ખેલૈયાઓ નો ઉત્સાહમાં ભંગ પડતો હતો.તેથી આ બાબતે જરૂરી સુવ્યવસ્થા ગોઠવી કસ્ટમરકેર નંબરો ર૪ × ૭ ચાલુ કરાવવા તેમજ લોકોને યોગ્ય પ્રતિભાવ આપવા સહિત વારંવાર પાવરકટ થતો બંધ કરવા તાકીદે જરૂરી ઘટીત કાર્યવાહી હાથ ધરવાની માંગ સાથે ઉર્જા મંત્રીને પાયલ સાકરીયા એ પત્ર લખ્યો છે.
વારંવાર પાવર કટ મુદ્દે મેયર શું કહે છે ?
મનપાના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયા એ ઉર્જા મંત્રી ને લખેલા પત્ર મુદ્દે જ્યારે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા મેયરને પૂછવામાં આવ્યું કે તમે ઉર્જા મંત્રીની મુલાકાત લીધી ત્યારે વિપક્ષ નેતાએ લખેલ પત્રને લઇ સુરતમાં પાવર કટ અંગે કોઈ ચર્ચા થઈ હતી કે કેમ ? તો તેમણે જણાવ્યું હતું કે પત્ર વિશે મને કોઈ જાણ ન હોવાથી મુદ્દો ચર્ચાયો ન હતો પરંતુ આ બાબતે માહિતી મેળવીને જવાબદાર અધિકારીઓને સૂચના આપવામાં આવશે તેમ જ ઊર્જા મંત્રી જ્યારે સુરતમાં આવનાર સમયમાં આવવાના છે ત્યારે તેમની સાથે આ બાબતે ચોક્કસ ચર્ચા કરવાનો પ્રયાસ કરાશે.