રામમંદિર થીમ આધારિત બનારસી સાડીઓની દેશ વિદેશમાં વધી માંગ
Mnf network: ભગવાન રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અયોધ્યા ખાતે વેપારીઓના વેપાર ઘંઘામાં વધારો થયો છે. બનારસની બજારમાં ભગવાન રામના અંકિત થયેલા ધ્વજ અને કપડાની માંગ એટલી વધી ગઇ છે કે હવે વેપારીઓએ ઓર્ડર લેવાનું બંધ કરી દીધું છે. ત્યારે રામ મંદિર થીમ આધારિત બનારસી સાડીઓનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
રામમંદિરની થીમ આધારિત બનારસી પ્રકારની ખાસ સાડી વેપારીઓ તૈયાર કરી રહ્યા છે. આ ખાસ પ્રકારની સાડીઓની ઇટાલી, સિંગાપોર ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, બેંગ્લોર અને ચેન્નાઇમાં પણ માંગ છે.
કાશીના વણકર સર્વેશ શ્રીવાસ્તવના નેતૃત્વમાં રામમંદિરની થીમ આધારિત ખાસ બનારસી સાડી તૈયાર થઇ રહી છે. આ માટે 18 કારીગરો કામ કરી રહ્યા છે. સાડી પરનું આખું કામ હાથથી કરવામાં આવે છે. આ પ્રકારની સાડીની માંગ દેશના વિવિધ રાજયોમાં છે. એટલું જ નહીં વિદેશોમાં પણ આ પ્રકારની ખાસ સાડીની માંગ છે. ખાસ ઉચંત વણાટની કળાથી રામમંદિરની થીમ આધારિત સાડી તૈયાર કરવામાં આવે છે. આ ખાસ સાડીઓ ઈટાલી અને સિંગાપોર મોકલવામાં આવી રહી છે. હવે જ્યારે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાનો અભિષેક થવા જઈ રહ્યો છે, ત્યારે આ સાડીઓની માંગમાં હજુ પણ વધારો થાય તેવી આશા છે.