સિદ્ધપુર : ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતના મતવિસ્તારની કેવી છે ઔદ્યોગિક સ્થિતિ? શુ છે મોટા પડકારો?

સિદ્ધપુર : ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતના મતવિસ્તારની કેવી છે ઔદ્યોગિક સ્થિતિ? શુ છે મોટા પડકારો?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : સમગ્ર ભારત ભરના માતૃભક્તોનું માતૃતીર્થ એવી ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુર છેલ્લા કેટલાક વર્ષોથી ઔદ્યોગિક દ્રષ્ટિએ ડચકા ખાઈ રહી છે ત્યારે તાજેતરમાં થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સિદ્ધપુર બેઠક પરથી જીત પ્રાપ્ત કરનાર ભારતીય જનતા પાર્ટીના બળવંતસિંહ રાજપૂતને ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કેબિનેટ કક્ષાના ઉદ્યોગ પ્રધાન બનાવવામાં આવ્યા છે. ત્યારે સિદ્ધપુરના ઔદ્યોગિક વિકાસને લઈને એકવાર ફરીથી સિદ્ધપુર વાસીઓની આશાઓ જીવંત બની છે.

ઇસબગોલ ઉદ્યોગ થી કેવી છે સ્થિતિ ?

સિધ્ધપુર ઇસબગોલ ના ઉદ્યોગ માટે ખૂબ જ જાણીતું છે. પરંતુ આ ઉદ્યોગ વિદેશ સાથે સીધો સંકળાયેલો હોવાથી અહીંયા આ ઉદ્યોગને લઈને લોકોને એટલી બધી સ્થાનિક રોજગારી પ્રાપ્ત થતી નથી.
વર્ષો પહેલા એક મિલ બંધ પડતાં કારીગરો બેકાર પડ્યા.
અત્રે નોંધનીય છે કે સિદ્ધપુરમાં વર્ષો પહેલા જીઇબી ની સામે દેવતી ફેબ્રિક્સ નામની એક મીલ ચાલુ હતી. જેમાં સિદ્ધપુર શહેર તેમજ આસપાસના અનેક લોકોને સ્થાનિક રોજગારી પ્રાપ્ત થતી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ દેવતી ફેબ્રિક્સ મીલ બંધ પડી જતાં સ્થાનિક તેમજ આસપાસના લોકો બેકાર બન્યા હતા. હાલમાં આ મીલ ની જગ્યાએ રહેણાંક સોસાયટી જોવા મળે છે. સિધ્ધપુરમાં હાલમાં એક અને એક માત્ર ગોકુલ ઓઇલ મિલજ કાર્યરત રહી છે.

બસ સ્ટેન્ડ સુવિધા કે દુવિધા?

સિધ્ધપુર શહેર રેલવે થી પૂર્વ દિશા તરફ આવેલું છે. જોકે સિદ્ધપુરમાં જૂનું બસ સ્ટેન્ડ હાલમાં કાર્યરત નથી. પરંતુ તેને બદલે નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. જુનુ બસ સ્ટેન્ડ શહેરથી નજદીક હતું અને સીધુ અન્ડરબ્રીજ થી શહેરને જોડતું હતું. પરંતુ નવુ બસ સ્ટેન્ડ સિધ્ધપુર રેલવે થી ઘણું બધું દૂર છે. જેને લઇ જોઈએ તેવું ટ્રાફિક મળતું નથી. જો ખરેખર સિદ્ધપુરની નેતાગીરી સતર્ક હોત તો સિધ્ધપુર એસટી બસ સ્ટેન્ડને ખસેડાયું ન હોત. બલકે જુના બસ સ્ટેન્ડ ની જગ્યાએ જ નવું બસ સ્ટેન્ડ બની શક્યું હોત. પરંતુ સિદ્ધપુરની નબળી નેતાગીરીને કારણે શહેરીજનોએ વધુ એક સુવિધા ને દુવિધા તરીકે અનુભવવી પડી રહી છે.

શહેરનું આધુનિક રીતે શહેરીકરણ થયું નથી.

અત્રે નોંધનીય છે કે સિદ્ધપુર શહેર ની સ્થિતિ વર્ષોથી જેમ છે તેમ જ છે. હાલના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અનેક શહેરોમાં ઘણો મોટો બદલાવ આવ્યો છે. પરંતુ છેલ્લા અનેક વર્ષોથી સિધ્ધપુર શહેરની સ્થિતિમાં નોંધપાત્ર બદલાવ આવ્યો નથી. શહેરનું આધુનિક રીતે શહેરીકરણ થયું નથી જેને લઈને સિદ્ધપુરમાં જોઈએ એવી રોજગારીની તકો અને ધંધા-વ્યાપાર વિકસી શક્યા નથી.

બેકારીને લીધે સામાજિક સમસ્યાઓમાં વધારો

 છેલ્લા કેટલાય વર્ષોથી સિદ્ધપુર ઔદ્યોગિક દ્રષ્ટિએ પછાત છે અહીંના યુવાનો અને જોઈએ એવી રોજગારી પ્રાપ્ત ન થતા છેવટે તેઓ સિદ્ધપુર છોડીને અન્ય વિકસિત શહેરો તરફ ડોટ મૂકી રહ્યા છે. એટલું જ નહીં ઔદ્યોગિક દ્રષ્ટિએ પછાત રહેવાને કારણે આ શહેરના યુવાનો સામાજિક સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે. સિધ્ધપુર દિન પ્રતિ દિન ઔદ્યોગિક દ્રષ્ટિએ પાછળ ધકેલાઈ રહ્યું છે જેને લઈને યુવાનો વિવાહિત ઉંમર થતા જ શહેર છોડીને અન્ય શહેરોમાં સ્થાયી થવા તરફ પ્રયાણ કરી રહ્યા છે. અર્થાત સિદ્ધપુર નું યુવાધન હવે અન્ય વિકસિત શહેરો તરફ પ્રયાણ કરી રહ્યું છે એ એક સૌથી મોટો ગંભીર સવાલ છે.