.....અને સરદાર પટેલે હારેલ ઉમેદવારની મૂછ મૂંડાવડાવી, સરદારની મદદથી શિક્ષક જીત્યા ચૂંટણી

વિદ્યાર્થી અવસ્થામાં વલ્લભભાઈને તોફાનીઓના સરદાર કહેવામાં આવતા હતા

.....અને સરદાર પટેલે હારેલ ઉમેદવારની મૂછ મૂંડાવડાવી, સરદારની મદદથી શિક્ષક જીત્યા ચૂંટણી

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર 19-20 વર્ષની ઉંમરમાં જ એક જવાબદાર, સ્પષ્ટ વક્તા, તોછડા, હિંમતબાજ અને મક્કમ મનના વ્યક્તિ હતા. સાથે સાથે ન્યાય નિષ્ઠા ની સાથે તેમનામાં દલીલબાજી અને વિરોધીઓની નબળી કડી પારખી લેવાની ઉત્તમ આવડત હતી. જોકે અભ્યાસ કરતા હતા ત્યારથી જ નેતૃત્વનો ગુણ તેમના લોહીમાં જોવા મળ્યો હતો જેનો એક પ્રસંગ ખૂબ જ રોમાંચક છે.

વલ્લભભાઈ પટેલ જ્યારે નડિયાદની સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે એક વખત વર્ગખંડમાં અગ્રવાલ નામના શિક્ષક સમયસર આવ્યા નહીં તો વલ્લભભાઈ અને બીજા વિદ્યાર્થીઓ સાથે મળીને ગીત ગાવા લાગ્યા. ત્યારે શિક્ષકના કાને અવાજ પડતાની સાથે જ અગ્રવાલ શિક્ષક દોડતા વર્ગખંડમાં આવ્યા અને છોકરાઓને ધમકાવ્યા. ત્યારે વલ્લભભાઈએ કહ્યું કે, " સાહેબ તમે સમયસર ન આવ્યા તો અમે ગીત ગાવા લાગ્યા એમાં ખોટું શું કર્યું છે ? " શિક્ષક સામે દલીલબાજી કરતાં શિક્ષક અગરવાલ ગુસ્સે થયા અને સરદારને વર્ગખંડ માંથી કાઢી મૂક્યા. વલ્લભભાઈ પોતાની ચોપડીઓ લઈ અને ક્લાસની બહાર નીકળી ગયા. આટલાથી જ વાત પૂર્ણ થઈ નહિ, પરંતુ શિક્ષક અગરવાલે હેડ માસ્તરને ફરિયાદ કરી અને વલ્લભભાઈ પાસે માફી માગવા કહ્યું પરંતુ જીદે ચડેલા વલ્લભભાઈએ માફી ન માગી તે ન જ માગી. છેવટે શિક્ષકે વર્ગખંડમાં વલ્લભભાઈને ભણાવવા પડ્યા.

તો બીજા એક શિક્ષક કે જેઓએ નડિયાદ મ્યુનિસિપલ ચુંટણી માં ઝંપલાવ્યું હતું. ત્યારે વલ્લભભાઈએ અને તેમના સાથી મિત્રોએ આ શિક્ષકને મદદ કરી અને તેમને જીતાડ્યા હતા. અત્રે નોંધનીય છે કે શિક્ષક નડિયાદ મ્યુનિસિપલ ચુંટણીમાં જેમની સામે ચૂંટણી લડતા હતા એ સામેના ઉમેદવાર પણ ખૂબ પૈસાવાળા હતા અને તેમણે લોકોની સામે એવી બડાસ મારી હતી કે જો ચૂંટણીમાં હારી જઈશ તો મૂછ મૂંડાવી નાખીશ. થયું એવું કે આ બડા મારનાર ઉમેદવાર હારી ગયા અને વલ્લભભાઈના શિક્ષક વલ્લભભાઈ અને તેમના સાથી મિત્રોની મદદથી નડિયાદ મ્યુનિસિપલ ની ચૂંટણીમાં જીતી ગયા. તો હવે હરીફ ઉમેદવારે જે બડાસ મારી હતી તે પ્રમાણે વલ્લભભાઈ તેમના મિત્રો સાથે એક હજામને લઈને હારી ગયેલા બડાશ મારનાર હરીફ ઉમેદવારના ઘરે ગયા અને પેલા પૈસાદાર હારેલા હરીફ ઉમેદવાર ની મૂછ મુંડાવી નાખી. આવા હતા આપણા સરદાર કે જેઓ નાનપણથી જ હતા ખૂબ અસરદાર.