ઊંઝા : ધારાસભ્યની CM ને ધારદાર રજૂઆત બાદ નગરપાલિકાનો ' અ ' વર્ગમાં સમાવેશ કરાયો

ઊંઝા : ધારાસભ્યની CM ને ધારદાર રજૂઆત બાદ નગરપાલિકાનો ' અ ' વર્ગમાં સમાવેશ કરાયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (જશવંત પટેલ ) : તાજેતરમાં રાજ્ય સરકારે રાજ્યની એવી નગરપાલિકાઓ કે જે ધાર્મિક સ્થળોની નગરપાલિકા છે ત્યાં રોજબરોજ આવતાં યાત્રાળુઓની સંખ્યાને ધ્યાનમાં રાખી ચાર નગરપાલિકા દ્વારકા, પાલીતાણા, ચોટીલા અને ડાકોરને અપગ્રેડ કરી હતી. તો વળી વડનગરના ૨૫૦૦ વર્ષ જેટલા પૌરાણિક અને ઐતિહાસિક સાંસ્કૃતિક વારસા તેમજ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ફલક પર સ્થાનને ધ્યાને લઇ વડનગર નગરપાલિકાને ખાસ કિસ્સામાં “અ” વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી હતી. 

પરંતુ મહેસાણા જિલ્લાની ધાર્મિક અને ઔદ્યોગિક રીતે મહત્વની ગણાતી ઊંઝા નગરપાલિકા તેમજ પાટણ જિલ્લાનું સિધ્ધપુર કે જ્યાં સમગ્ર ભારતભરના હિન્દુઓનું આસ્થા કેન્દ્ર એવું બિંદુ સરોવર અને ઐતિહાસિક વિરાસત રુદ્રમાલય તેમજ 360 બારી બારણા વાળું ઐતિહાસિક મકાન ઉપરાંત દાઉદી વ્હોરા કોમના મકાનો પર કરેલું કોતરણી કામ જેની શોભા વધારે છે એવી સિદ્ધપુર નગરપાલિકાની સરકારે અપગ્રેડ કરવાનું ટાળ્યું હતું.

જેને લઈને સ્થાનિક નગરજનોમાં સરકારની આ ભેદભાવ ભરી નીતિ સામે ભારે રોષ પ્રગટ થયો હતો. આ મુદ્દે ઊંઝા અને સિદ્ધપુર નગરપાલિકા નો ' અ ' વર્ગમાં સમાવેશ નહીં થવા બાબતનો મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો હતો. જેને લઈને સ્થાનિક નેતાઓ સતર્ક બન્યા હતા.

 મોર્નિંગ ન્યુઝ ફોકસ ના અહેવાલ બાદ ઊંઝા નગરપાલિકા નો ' અ ' વર્ગ માં સમાવેશ કરવા ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને ધારદાર રજૂઆત કરાઈ હતી. અને ઊંઝા નગરપાલિકાનો આ વર્ગમાં સમાવેશ થાય તેવી માગણી કરી હતી. જોકે ધારાસભ્યની ધારદાર રજૂઆત બાદ આખરે ઊંઝા નગરપાલિકાનો ' અ ' વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય આ બાબતે મુખ્યમંત્રી નો આભાર વ્યક્ત કર્યો છે.