અહંકાર સાથે આળસ, પાપ અને અવિદ્યા નજદીકીથી સંકળાયેલાં છે

અહંકાર સાથે આળસ, પાપ અને અવિદ્યા નજદીકીથી સંકળાયેલાં છે

 નવજીવનને અમૂલ્ય અને દેવોને પણ દુર્લભ ગણવામાં આવ્યું છે, પરંતુ આપણે સૌ આપણા અહંકારને કારણે દુ:ખી છીએ. જો ઉત્તરોત્તર આધ્યાત્મિક પ્રગતિ કરતા રહીએ તો તણાવ, દુ:ખ, દર્દ અને વિપત્તિ-આપત્તિઓમાંથી અવશ્ય બહાર આવતા જઈએ અને આનંદ, સુખ-શાંતિ અને પ્રેમથી ભરેલા વાતાવરણમાં ઠરીઠામ થઈ શકીએ. અહંકાર સાથે આળસ, પાપ અને અવિદ્યા નજદીકીથી સંકળાયેલાં છે.

આ ત્રણેય બાબતો તમસ સાથે સંકળાયેલી છે. પાષાણયુગમાંથી પ્રગતિ કરી માનવી ચંદ્ર પર વસવાટ કરવાની દિશામાં હરણફાળ ભરી રહ્યો છે, પરંતુ કમનસીબે આધ્યાત્મિક્તાની બાબતે દિવસે દિવસે ઉલટી દિશામાં જઈ રહ્યો છે. ખરેખર આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ દિન દો ગુના રાત ચોગુનાની ઝડપે પ્રગતિ થવી જોઈતી હતી. જો તેમ થઈ શક્યું હોત તો વૃદ્ધ વડીલોની સ્થિતિ બાબતે આપણે જે ચિંતા કરી રહ્યા છીએ તે જોવાનો સમય આવ્યો જ ન હોત અને ભારત જેવા આપણા દેશમાં એક જમાનામાં વડીલો માટે માનપાન અને મરતબો ઘણો ઊંચો હતો. તેનો ગ્રાફ અવશ્ય ઉપર જઈ રહ્યો હોત.`જે યોગસાધના દ્વારા ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળનું અવિનાશી જ્ઞાન પ્રાપ્ત કરે છે, જેનાથી જીવનયજ્ઞનાં બધાં જ કાર્યો વિધિસર પૂરાં થાય છે, તે આપણું મન શુભ અને કલ્યાણકારી વિચારોથી શુભ બનો.'

યોગસાધના એટલે ધ્યાન અને સમાધિ. ધ્યાન અને સમાધિથી આપણા આધ્યાત્મિક જ્ઞાનનો સંતુલિત વિકાસ થાય છે. કામ, ક્રોધ, મદ, લોભ અને મત્સરનું શમન થઈ જાય છે. પરિણામે સૌમ્યતા, સુશીલતા, સરળતા, ધીરજ, આનંદ, પ્રેમ અને શાંતિનો વિકાસ થાય છે. ભૂતકાળમાંથી મેળવેલા બોધપાઠના આધારે ભવિષ્યનું યોજનાબદ્ધ રીતે આયોજન થતાં વર્તમાન સમયમાં સંતુલિત રીતે વાણી, વર્તન અને વ્યવહાર આકાર અને વિસ્તાર પામે છે. જીવનયજ્ઞ એટલે કે બાલ્યાવસ્થા, જવાની, યુવાની, ગૃહસ્થાવસ્થા અને વૃદ્ધાવસ્થા એમ બધી જ અવસ્થાનાં બધાં જ કાર્યો સંતોષકારક રીતે પૂર્ણ થાય છે. 

કિશોરાવસ્થા, યુવાવસ્થા અને ગૃહસ્થાવસ્થા દરમ્યાન કરવાનાં રહેતાં બધાં જ કામો કે જેમાં શાળા, કૉલેજનો અભ્યાસ, લગ્ન, વિવાહિત જીવન, પિતૃવસ્થા સાથે સંકળાયેલાં બધાં જ કામો સફળતાપૂર્વક અને સંતોષકારક રીતે પૂર્ણ થાય છે. યોગસાધનાને કારણે વ્યક્તિત્વનો પૂર્ણ રીતે વિકાસ થાય છે. આત્મશ્રદ્ધા, આત્મવિશ્વાસ, આત્મજ્ઞાન, આત્મબળ, સ્વવિવેક, સ્વયંશિસ્ત, આત્મસૂઝ સોળે કળાએ વિકાસ પામે છે. જીવનની સફળતા માટે આ બાબતો ખૂબ જ મહત્ત્વની અને પાયાની છે. આ બધા જ દિવ્ય ગુણોનો વિકાસ થતાં વ્યક્તિની બધી જ પ્રવૃત્તિઓમાં નવી આભા અને પ્રતિભાની આગવી ઝલક જોવા મળે છે. બધાં જ ક્ષેત્રે સફળતા આવી વ્યક્તિનાં ચરણ ચૂમે છે. પરિણામે તેની ખ્યાતિ ઝડપભેર વધતી જાય છે. આવી વ્યક્તિની સૂઝ અને સમજ આગવી રીતે વિકસિત થયેલાં હોઈ તેના સર્વાંગી વિકાસની સર્વત્ર નોંધ લેવાય છે.