સુરત : સ્મીમેર માં સિટી સ્કેન મશીનને લઈ શાસકોની ખુલી પોલ, વિપક્ષ નેતા નો ગંભીર આક્ષેપ

સુરત : સ્મીમેર માં સિટી સ્કેન મશીનને લઈ શાસકોની ખુલી પોલ, વિપક્ષ નેતા નો ગંભીર આક્ષેપ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : થોડાક દિવસ અગાઉ સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના વિપક્ષનેતા પાયલબેન સાકરીયાએ તેમના સાથી મિત્રો સાથે  સ્મીમેર હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યારે હોસ્પિટલમાં અનેક ત્રુટીઓ બહાર આવી હતી.એટલું જ નહીં પરંતુ હોસ્પિટલના પ્રાંગણમાંથી દારૂની ખાલી બોટલો પણ જોવા મળી હતી. ત્યારે હવે સ્મિમેરમાં સીટી સ્કેન મશીન પણ બંધ હાલતમાં હોવાની લાલિયા વાડી બહાર આવી છે.

આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા પાયલબેન સાકરીયા ની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે,  તેમના વિસ્તારની એક સોસાયટીના અગેવાનના ઇમરજન્સી કેસ બાબતે કોલ આવતા સાથી કોર્પોરેટર જીતેન્દ્રભાઈ કાછડીયા અને શોભનાબેન કેવડિયા સાથે સ્મીમેર જવાનું થયું ત્યારે સ્મીમેર માં સીટી સ્કેન મશીન બંધ હાલત માં હતું.

વધુમાં તેમણે જણાવ્યું છે કે, "અમે પહોંચ્યા એની ઓછા માં ઓછી એક કલાક પહેલેથી બગડેલ મશીન અમે 2 કલાક થી વધારે સમય ત્યાં રહ્યા છતાં પણ સીટી સ્કેન મશીન ચાલુ કરી શકાયુ ન હતું. હાલ પૂરતી આ દર્દીની ટ્રીટમેન્ટ સીટી સ્કેન કર્યા વગર શરૂ કરવી શક્ય હતી તો ડોકટર દ્વારા એ ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી હતી. પરંતુ ઇમરજન્સી કેસ માં જ્યારે સીટી સ્કેન વગર આગળ ની ટ્રીટમેન્ટ શક્ય ન હોય ત્યારે આ રીતે મશીન બગડે ત્યારે શું?? આ સીટી સ્કેન મશીન ખૂબ જ જૂની ટેકનોલોજીનું છે અને ખુબજ જૂનું છે.

ત્યારે આ બાબતે અગાઉ પણ રજુઆત કરી ને અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીનું સીટી સ્કેન મશીન વાપરવા માટે કહ્યું હતું પરંતુ શાસકો દ્વારા એ રજુઆત ધ્યાને લેવાઈ ન હતી અને આ ખુબજ જૂનું અને જૂની ટેકનોલોજીનું મશીન જે ભાગ્યે જ કોઈ હોસ્પિટલમાં આટલું જૂની ટેકનોલોજીનું મશીન વપરાતું હશે એ આપણી સ્મીમેરમાં શાસકો વાપરી રહ્યા છે."

પાયલબેન સાકરીયા એ વધુમાં જણાવ્યું છે કે, "નવનિયુક્ત મેયર ને મારી રજુઆત છે કે, પાલિકા આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની ખર્ચમાં બાંધછોડ કર્યા વગર કોન્ટ્રાકટમાં ફેરફાર કરી લેટેસ્ટ ટેકનોલોજીનું સીટી સ્કેન મશીન સ્મીમેર હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવે."