દિવાળી વેકેશનના પગલે માઉન્ટ આબુમાં પ્રવાસીઓના ધામા
આબુના આકર્ષણની જકડમાં ગુજરાતીઓ
ટુરિસ્ટો માટે પહેલી પસંદગી બની ગયું છે આબુ
સ્થાનિક બજારમાંથી કરી રહ્યા છે ધૂમ ખરીદી
Mnf network: ગુજરાતમાં પાંચ દિવસના દિવાળીના વેકેશનને લઈ રાજસ્થાનના માઉન્ટ આબુમાં ગુજરાતીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે હાલના દિવસોમાં રજાનો માહોલ હોવાથી અને શિયાળાની ઋતુ હોવાથી ઘણાં ટુરિસ્ટો માઉન્ટ આબુ પહોંચ્યા છે.
હાલ લાભ પાંચમ સુધી દિવાળી તહેવારના દિવસો ગણવામાં આવે છે. મોટા ભાગના વેપારીઓ, દુકાનદારો તેમજ સામાન્ય જનતા આ દિવસોમાં પરિવારની સાથે એક નાના વેકેશન પર રજા માણવા ઉપડી જતા હોય છે. ગુજરાતના ઘણાં ટુરિસ્ટો જે લાંબા વેકેશન નથી કરી શકતા અને વિદેશ અથવા તો ભારતના દૂરના પ્રદેશોમાં ફરવા માટે નથી જઈ શકતા તે ગુજરાતની અંદરના અથવા તો તેની નજીકના ફેમસ ટુરિસ્ટ પ્લેસ પર પોતાની પસંદગી ઉતારતા હોય છે
હાલ શિયાળાની શરૂઆતના દિવસો છે. વાતાવરણમાં ઠંડી ઠંડી ગુલાબી હવાનો અહેસાસ થવા લાગ્યો છે. સાંજે ખુશનુમા વાતાવરણ થઈ જાય છે, ત્યારે આવી હલકી ઠંડી આબોહવા અને દિવાળીના તહેવારોનું મીની વેકેશન હોય તો આવો બેસ્ટ ફરવાનો મોકો કોઈ ગુજરાતી પરિવાર કેવી રીતે જવા દે. એટલે જ ગુજરાતની નજીકના ટુરિસ્ટ ડેસ્ટિનેશન અને રાજસ્થાનના ખુશનુમા આબોહવાના સ્થળ એવા આબુ પ્રત્યે પ્રવાસીઓનું આકર્ષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. હાલ ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યું છે. લોકો પહાડી આબોહવાના મોસમનો આનંદ માણી રહ્યા છે. જેના પગલે આબુની હોટલો અને ગેસ્ટ હાઉસ પર હાઉસફૂલના પાટિયા જોવા મળી રહ્યા છે. અહીંની બજારો પણ પ્રવાસીઓથી ફુલ જોવા મળી રહી છે અને લોકો સ્થાનિક માર્કેટમાંથી ધૂમ ખરીદી પણ કરી રહ્યા છે. ગુજરાતના પ્રવાસીઓ વધુ આવતા હોવાના લીધે અહીં હવે ઘણી જગ્યાએ ગુજરાતી ફૂડની દુકાનો પણ અવેલેબલ છે જેથી પ્રવાસીઓનું કમ્ફર્ટ પણ સચવાઈ રહે છે.