સુરત : SMC કમીશ્નર આકરા પાણીએ : ભ્રષ્ટાચાર ની ગંધ આવતાં જ બે અધિકારીઓને ફટકારી શો કોઝ નોટિસ
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક,સુરત : સુરત મહાનગરપાલિકા ના કમિશનર શાલીની અગ્રવાલ ના નેતૃત્વમાં ભ્રષ્ટ અધિકારીઓની પોલ દિવસે દિવસે ખુલી રહી છે. જો કે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ પાલિકાના વિવાદિત ડેપ્યુટી કમિશનર આર.જે.માંકડિયાનું વિવાદિત જમીન પ્રકરણ હજી શાંત પડ્યું નથી ત્યાં વર્કશોપના વડા કે . એચ.ખતવાણી અને વર્કશોપ કાર્યપાલક ઇજનેર રોહિત પટેલ નો નવો ભાંડો ફૂટયો છે. પાલિકાની કામગીરી માટે કરોડો રૂપિયાના ખર્ચે અર્થમૂવિંગ મશીન ( JCB ) ખરીદવાના કામમાં મ્યુ . કમિશનર શાલિની અગ્રવાલ સમક્ષ ગૂંચવાડાભર્યો રિપોર્ટ રજૂ કરી સરકારી કાગળો સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાનો ભાંડો ફૂટ્યો છે . આ ગંભીર મુદ્દે કમિશનરે તંત્રના બંને ઉચ્ચ અધિકારીઓને શો - કોઝ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે .
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના નવા અને જૂના વિસ્તારોમાં વિકાસલક્ષી કામગીરી માટે નવી મશીનરી ખરીદવા માટે પાલિકામાં એક કમિટીની રચના કરવામાં આવી હતી . તત્કાલીન મ્યુ . કમિશનર બંછાનિધિ પાનીએ વ્હીકલ ડિમાન્ડ રિવ્યૂ કમિટી બનાવી હતી . કમિટીમાં ડેપ્યુટી કમિશનર ( હેએન્ડહો ) ડો . આશિષ નાયક તત્કાલીન ડે . કમિ . એન.વી.ઉપાધ્યાય વર્કશોપના વડા કે.એચ.ખતવાણી અને સોલિડ વેસ્ટનો હવાલો સંભાળતા ઇ.એચ.પઠાણને સ્થાન અપાયું હતું કમિટીએ શહેરની વર્તમાન કામગીરી અને ભાવિ જરૂરિયાતને ધ્યાને લઇ સર્વાનુમતે ૪૮ જેટલા અર્થમૂવિંગ મશીન ખરીદવા નિર્ણય લીધો હતો અંદાજિત ૫૦ કરોડ રૂપિયાના ખર્ચે ૪૮ જેટલા અર્થમૂવિંગ મશીન કરવા તત્કાલીન મ્યુ . કમિશનર બંછાનિધિ પાનીની સૌદ્ધાંતિક મંજૂરી પણ મેળવી લેવાઇ હતી.
મંજૂરી મેળવ્યા બાદ તત્કાલીક કમિશનરની બદલી થઇ હતી . મ્યુ કમિશનર પદે શાલિની અગ્રવાલની વરણી થઇ હતી . બદલી પામી સુરત આવેલા વર્તમાન કમિશનર સમક્ષ સમગ્ર હકીકત ઉજાગર કરવાને બદલે વર્કશોપના વડા કે.એચ.ખતવાણી અને વર્કશોપ કાર્યપાલક ઇજનેર રોહિત પટેલે હોદ્દાની રૂએ મનસ્વી ધોરણે જ કારભાર ચાલુ રાખ્યો હતો . ગુજરાત સરકારના જેમ પોર્ટલ ઉપર ટેન્ડર પ્રક્રિયા અપલોડ કરી દીધી હતી દરમિયાન અર્થમૂવિંગ મશીનનું નિર્માણ કરતી બે કંપનીઓ તરફથી સૂચનો રજૂ થયા હતા . અર્થમૂવિંગ મશીનને બદલે ચોક્કસ કંપનીના અર્થમૂવિંગ મશીન ખરીદવા ટેન્ડર અપલોડ કર્યા હોવાનું ફલિત થયું હતું ઓનલાઇન સૂચન કરનારી બંને કંપનીઓનો મત કહો કે સૂચન દફતરે કરવા કમિશનર સમક્ષ ફાઇલ રજૂ કરવામાં આવી હતી.
વર્કશોપના વડા અને કાર્યપાલક ઇજનેર તરફથી રજૂ કરવામાં આવેલી ફાઇલમાં અનેક વિસંગતતા જણાય આવી હતી . મ્યુ . કમિશનરને કરવામાં આવેલા રિપોર્ટિંગ પણ ગૂંચવાડો ઊભો કરવામાં આવ્યો હતો . અર્થમૂવિંગ મશીનની ખરીદી કરવાને મુદ્દે કશુંક રંધાયું હોવાની શંકા જતાં મિશનરે તપાસનો હુકમ કર્યો હતો . તપાસ રિપોર્ટમાં અનેક શંકાસ્પદ બાબતો ઉજાગર થઇ હતી . મ્યુ . કમિશનરને થયેલા રિપોર્ટિંગમાં પણ સરકારી પુરાવા સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાનો ભાંડો ફૂટ્યો હતો . આ સાથે જ કમિશનર શાલિની અગ્રવાલે બંને ઉચ્ચ અધિકારીઓને શો - કોઝ નોટિસ ફટકારી હતી . વર્કશોપના વડા અને કાર્યપાલક ઇજનેર બંનેને એકસાથે એક જ કેસમાં નોટિસ ફટકારવામાં આવતા વહીવટી તંત્રમાં સોપો પડી ગયો હતો .