ગુજરાતમાં પ્રથમવાર યોજાશે ફિલ્મફેર એવોર્ડ : જાણો સમય અને સ્થળ
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : દેશમાં ફિલ્મ ડેસ્ટિનેશન સ્ટેટ તરીકે ઉભરી આવવા માટે ગુજરાત તૈયાર છે. Filmfare Awards 2024 સમારોહ માટે રાજ્ય સરકારની ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (TCGL)એ કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ગત 19 જુલાઈએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ફિલ્મ અભિનેતા ટાઇગર શ્રોફની હાજરીમાં આ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
પ્રવાસન મંત્રી મુલુ બેરાની હાજરીમાં મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડ સમારોહનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંથી એક છે. રાજ્યમાં આવા પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અનેક હસ્તીઓ, ફિલ્મ નિર્માતાઓ અને ઉદ્યોગ વ્યાવસાયિકો મોટી સંખ્યામાં ગુજરાતમાં આવશે. આનાથી રાજ્યમાં પર્યટન અને હોટેલ બુકિંગ સહિતની અન્ય પ્રવૃત્તિઓને વેગ મળશે. આનાથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે અને રોજગારીનું સર્જન પણ થશે.
મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ફિલ્મફેર એવોર્ડ સમારોહનું આયોજન કરીને રાજ્યને ફિલ્મ ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરવામાં આવશે. આનાથી ગુજરાતને સંભવિત ફિલ્મ લોકેશન તરીકે નોંધપાત્ર એક્સપોઝર અને પ્રમોશન મળશે. આનાથી રાજ્યમાં ફિલ્મ નિર્માણ અને રોકાણમાં વધારો થશે.ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડના આયોજનથી ઇવેન્ટ મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી, ટ્રાન્સપોર્ટેશન અને સુરક્ષા જેવા વિવિધ ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન પણ થશે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોને ગુજરાતના વિવિધ પ્રવાસન આકર્ષણોને પ્રદર્શિત કરવાના પ્લેટફોર્મ તરીકે કામ કરશે.ગુજરાત સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓ ફિલ્મફેર એવોર્ડ્સ જેવી પ્રતિષ્ઠિત ઈવેન્ટ્સનું આયોજન કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પરિવહન અને હોસ્પિટાલિટી સુવિધાઓના વિકાસમાં રોકાણ કરશે.