ઊંઝા નગર પાલિકાના ધ્વજા રોહણ કાર્યક્રમને લઈ સોશ્યલ મીડિયામાં સર્જાયો વિવાદ : ધારાસભ્ય અને ટીપી ચેરમેન વિવાદમાં
ઊંઝા નગરપાલિકાના ધ્વજા રોહણ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખની બાદબાકી કરી ધારાસભ્ય દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતા સમગ્ર કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો.
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : પાતળી બહુમતી ધરાવતી ભાજપ શાસિત ઊંઝા નગરપાલિકા છેલ્લા કેટલાય સમયથી વિવાદોમાં ઘેરાયેલી રહી છે. નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું ત્યારથી પોસ્ટર કૌભાંડ થી લઈને દૂધ કૌભાંડ જેવા અનેક વિવાદો ને કારણે ઊંઝા નગરપાલિકા સતત વિવાદોમાં સપડાયેલી રહી છે. ત્યારે 15 ઓગસ્ટની ઉજવણીમાં ધારાસભ્ય આશા પટેલ દ્વારા કરાયેલા ધ્વજ વંદન ને લઈને એક નવો વિવાદ છેડાયો છે.
ઊંઝા નગરપાલિકાના અપક્ષ કોર્પોરેટર ભાવેશ પટેલે નગરપાલિકાના ધ્વજવંદન કાર્યક્રમમાં ધારાસભ્ય દ્વારા કરાયેલ ધ્વજ વંદન ને લઈને સોશિયલ મીડિયામાં એક નવો વિવાદ છેડયો છે. જેમાં નગરપાલિકાના પ્રમુખની બાદબાકી કરીને ધારાસભ્યએ ધ્વજવંદન કરી જૂની પરંપરાનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં પરંતુ નગરપાલિકાના ટીપી કમિટીના ચેરમેન દ્વારા રંગોળી પુરી બનાવાયેલા તિરંગા પર પગ મૂકી ધારાસભ્યની હાજરીમાં ફોટોસેશન કરાયું હોવાની તસવીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ત્યારે અપક્ષ કોર્પોરેટર એ આ ઘટનાથી તિરંગાનું અપમાન થયું હોવાનો આક્ષેપ કર્યો છે.
જોકે ચર્ચાતી વિગતો મુજબ નગરપાલિકા પ્રમુખ ને સાઇડલાઇન કરાઈ ધારાસભ્ય દ્વારા થયેલા આ ધ્વજ વંદન થી ક્યાંકને ક્યાંક કેટલાક નગર સેવકો પણ અંદર ખાને નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો બીજી બાજુ આગામી 26મી જાન્યુઆરી ના ધ્વજારોહણ કાર્યક્રમમાં કોણ રાષ્ટ્ર ધ્વજ ફરકાવશે એને લઈને પણ ચર્ચાઓ જાગી છે. એટલું જ નહિ ખુદ નગરપાલિકા પ્રમુખ પણ ક્યાંક અંદરખાને ના રાજી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ મુદ્દાને લઈને જો છૂપો રોષ સપાટી પર આવે તો ઊંઝા નગરપાલિકા માં સત્તા પરિવર્તનની શક્યતાઓને પણ નકારી શકાય એમ નથી.