નાતાલની રજાઓને લીધે પ્રવાસન સ્થળો પર ભીડ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ ઉમટી પડ્યાં

નાતાલની રજાઓને લીધે પ્રવાસન સ્થળો પર ભીડ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Mnf network : શનિ, રવિ અને નાતાલ પર્વની ત્રણ દિવસની સળંગ રજાઓને લીધે તમામ પર્યટક સ્થળોએ પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. ઘણા લોકો પરિવાર સાથે દીવ અને માઉન્ટ આબુ પહોંચી ગયા છે. સાપુતારામાં પણ પ્રવાસીએની શનિવારે ભારે ભીડ જોવા મળી હતી. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. અમદાવાદ, સુરત અને વડોદરાના પ્રવાસીઓ સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ માઉન્ટ આબુ પહોંચ્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ત્રણ દિવસ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડવાની શક્યતાઓના પગલે તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરાયું છે. અને સોમવારે જાહેર રજા હોવા છતાં તમામ સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. શનિવારે પહેલાં દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતાં. 

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની સુવિધાઓ વધારો કરાયો છે. રહેવા જમવાની તથા અન્ય સુવિધા સારી હોવા ઉપરાંત પાર્કિંગની અન્ય સુવિધાઓ વધારવામાં આવી છે. 25 ડિસેમ્બરના રોજ સોમવારે નાતાલ પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેને સંલગ્ન તમામ પર્યટન સ્થળોએ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય હાથ ધરાય છે, જેથી તે દિવસે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી.

આ વખતે લોકોને શનિ, રવિની સાથે સોમવારે પણ નાતાલ પર્વે 3 દિવસની લાંબી વિકેન્ડ રજા મળતી હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, તેને સંલગ્ન અન્ય પ્રોજેક્ટો, નર્મદા ડેમ સહિતના આકર્ષણો નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ તે દેશ-દુનિયામાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે.