મોદીએ સુરતમાં કેમ કર્યો હતો જળત્યાગ ? 'ગંધાતી પશુતા, મહેકતી માનવતા' : મીડિયામાં આવેલ મોદીની પ્રથમ તસ્વીરનું શુ છે રહસ્ય?
નરેન્દ્ર મોદી : વર્તમાનના વિવેકાનંદ (ભાગ-3)
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સ્વામી વિવેકાનંદે ' જનસેવા એ જ પ્રભુ સેવા ' નું સૂત્ર આપ્યું હતું અને તેમણે જન સેવાને જ સૌથી વધારે મહત્વ આપ્યું હતું. જોકે વિવેકાનંદ નું આ સૂત્ર નરેન્દ્ર ભાઈએ પણ સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું છે.ગુજરાતમાં સ્વયંસેવકથી લઈને મુખ્યમંત્રી કાળ દરમિયાન તેમણે જનસેવા ને લગતી અનેક પ્રવૃત્તિઓ કરી છે. જેમાં ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના રોજ આવેલ મોરબી પૂર થી લઇ 2001 ના કચ્છનો ભૂકંપ હોય કે પછી ઓગષ્ટ 2006 ના સુરતના પૂર જેવી કુદરતી આપત્તિ હોય, આ દરેક આપદાઓમાં નરેન્દ્ર મોદીએ મહત્વની ભૂમિકા અદા કરી હતી.
૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના રોજ મચ્છુ-૨ બંધ તૂટતા મોરબી શહેરમાં પાણી ફરી વળ્યું હતું. વિવિધ અંદાજો અનુસાર ૧,૮૦૦ થી ૨૫,૦૦૦ લોકોના મૃત્યુ આ દુર્ઘટનામાં થયા હતા.ત્યારે બાબુભાઈ પટેલ ગુજરાતના મુખ્ય મંત્રી હતા. તેમના મંત્રીમંડળમાં ભારતીય જનસંઘ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નેતા કેશુભાઈ પટેલ સિંચાઈ મંત્રી હતા.સમગ્ર સરકારી તંત્ર પંગુ બની ગયું હતું ત્યારે મોરબીને મદદ કરવાનું બીડું નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આરએસએસના કાર્યકરોએ ઉઠાવ્યું હતું. આરએસએસના તત્કાલીન પૂર્ણકાલીન પ્રચારક નરેન્દ્ર મોદી એ સમયે વરિષ્ઠ નેતા નાનાજી દેશમુખ સાથે ચેન્નઈમાં હતા. પૂરના સમાચાર સાંભળતાંની સાથે જ તેઓ ગુજરાત પાછા ફર્યા હતા અને મોરબી જઈને રાહત કાર્ય શરૂ કર્યું હતું.
નરેન્દ્ર મોદીએ પહોંચતાની સાથે જ સ્વચ્છતા કરવાની સાથે સાથે ત્યાં તંબુ તાણીને ડોક્ટર્સની મદદથી સારવાર શરૂ કરાવી હતી. આ ઉપરાંત રોગ વધારે ન પ્રસરે તે માટે સ્વચ્છતા ખુબ જ જરૂરી હતી તેથી કેમ્પની આસપાસ સ્વચ્છતા કરાવી હતી. આ ઉપરાંત પીવાના પાણીની સમસ્યા મોટી હતી જેથી પીવાના પાણી અને ભોજન સહિતની રાહત અને બચાવકામગીરી શરૂ કરી હતી. તેમની આ કામગીરીથી સ્થાનિકો ખુબ જ ખુશ થયા હતા. આ ઉપરાંત હાજર પત્રકારોએ પણ તેમની કામગીરીની સરાહના કરી હતી. નરેન્દ્ર મોદીની સૌ પ્રથમ તસ્વીર તે સમયે છાપામાં છપાઇ હતી.નરેન્દ્ર મોદી જાહેર મંચ પર આવ્યા તેની એ પહેલી ઘટના હતી. તે સમયે ચૌધરી ચરણ સિંહ વડાપ્રધાન હતા. ગુજરાતમાં બાબુભાઈ પટેલના નેતૃત્વમાં જનતા પાર્ટીની સરકાર હતી. આ દુર્ઘટનાના થોડા દિવસો પછી 16 ઓગસ્ટના રોજ ઈન્દિરા ગાંધીએ મોરબીની મુલાકાત લીધી. જ્યારે ઈન્દિરા ગાંધી ત્યાં પહોંચ્યા ત્યારે મૃતદેહોની દુર્ગંધ એટલી બધી હતી કે તેમણે નાક પર રૂમાલ બાંધવો પડ્યો.એ ગોઝારી ઘટનાનું કવરેજ ‘ચિત્રલેખા’એ 27 ઓગસ્ટ, 1979ના રોજના અંકમાં ‘મોરબીનું જળતાંડવ- ગંધાતી પશુતા મહેકતી માનવતા’ના ટાઈટલ સાથે કવર સ્ટોરી કરી હતી.
2001માં ભૂકંપે કચ્છમાં જે વિનાશ વેર્યો એ પછી નરેન્દ્રભાઇના મુખ્યમંત્રીકાળ ના નેતૃત્વમાં કચ્છનો રોકેટ ગતિએ વિકાસ થયો. નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી, કચ્છ જિલ્લો ખરેખર અન્ય જિલ્લાઓ કરતા ઘણા ઊંચા વિકાસ દર સાથે રોલ મોડલ તરીકે ઉભરી આવ્યો હતો.
તો વળી, બીજી બાજુ 2006 માં સુરતને પૂર માંથી બેઠું કરવામાં નરેન્દ્ર મોદી એ જે કોઠાસૂઝ નો ઉપયોગ કર્યો એ એમની આગવી વહીવટી કુશળતા દર્શાવે છે.સુરતમાં સુડા અને કલેકટર જેવા ઉચ્ચ પદો પર સેવાઓ આપનાર આઈએએસ મહેન્દ્રભાઈ પટેલ પૂરની પરિસ્થિતિ વિશે જણાવે છે કે, " 2006 માં પૂરના બીજા દિવસે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સુરતની મુલાકાતે આવ્યા હતા.પૂર વખતે એસ.આર.રાવ ને સ્પેશ્યલ ફાયનાનશિયલ અને એડમિનિસ્ટ્રેશન પાવર આપી તાત્કાલિક સુરત મોકલવામાં આવ્યા હતા.જો કે સુરતના કતારગામ, રાંદેર જેવા નીચાણવાળા વિસ્તારોમાં બે માળ સુધી પાણી હતું."
આ પૂર દરમ્યાન અનેક લોકોની ઘરવખરી અને જાનમાલ પાણીમાં તણાયો હતો.એટલું જ નહીં રાત્રે એકાએક પાણી ભરાઈ જતા કેટલાકે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.લોકોની હાલત ખૂબજ દયનીય હતી.એ વખતે નરોત્તમ પટેલ સિંચાઈ મંત્રી હતા.વીજળી પૂરવઠો ખોરવાયો હતો. તો વળી પીવાનું પાણી પણ ઉપલબ્ધ ન હતું.મોબાઈલ ના ટાવર ઠપ્પ હતા.માત્ર બી.એસ.એન. એલ.મોબાઈલ કાર્યરત હતા.પૂરમાં ફસાયેલ લોકો જાણે જીવન મરણ વચ્ચે જંગ લડતા હોય એવી સ્થિતિ મીડિયામાં દર્શાવવામાં આવી રહી હતી.રાંદેર સંપૂર્ણ ડૂબે તેવી સ્થિતિમાં હોઈ રાવ સાહેબે પાળો તોડવાનો તાત્કાલિક નિર્ણય લઈ મોટી ખુવારી બચાવી હતી.
આઈ.એ.એસ.મહેન્દ્રભાઈ પટેલ તે દ્રશ્ય ને જાણે નજરો સમક્ષ નિહાળી રહ્યા હોય એમ જણાવે છે કે, " પૂરના બીજા દિવસે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સુરતની મુલાકાતે આવેલા અને NDRF ની ટીમ સાથે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી.જો કે હેલિકોપ્ટર દ્વારા ફૂડ વિતરણ તો ચાલુ કરાયું હતું. પણ અનેક લોકો નરેન્દ્રભાઈ સામે વાસણ બતાવી પાણી માટે માગણી કરતા નજરે ચડ્યા હતા.અત્રે નોંધનીય છે કે પૂરનો પ્રકોપ એટલો વિનાશકારી હતો કે કન્ટ્રોલ રૂમ પણ સુરતની વિદ્યાભારતી સ્કૂલમાં ખસેડાયો હતો.નરેન્દ્રભાઈ પૂર ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા બાદ સીધા કન્ટ્રોલ રૂમ પહોંચ્યા હતા અને ત્યાં શિક્ષકોને બેસવાના સ્ટાફ રૂમમાં આઠ અધિકારીઓની મિટિંગ યોજી.ત્યારે પટાવાળો જ્યારે શિષ્ટાચાર ના ભાગ રૂપે પીવાનું પાણી લઈ આવ્યો ત્યારે પોતાની સામે પડેલ પાણીનો ગ્લાસ ઊંચકી નરેન્દ્રભાઈ એ અધિકારીઓ સામે કહ્યું, " જ્યા સુધી સુરતની જનતાને પીવાનું પાણી ન મળે ત્યાં સુધી હું પાણી કેવી રીતે પી શકું ? " ત્યારબાદ ત્યાંથી નરેન્દ્રભાઈ સીધા નવસારી સર્કિટ હાઉસ ગયા હતા. કારણ કે સુરતના સર્કિટ હાઉસમાં પાણી હતું. પણ આઠ અધિકારીઓ કે જેમની સામે નરેન્દ્રભાઈએ પાણી ન પીવાની પ્રતિજ્ઞા લીધી તેઓ એક મુખ્યમંત્રીની જનતા પ્રત્યેની લાગણી જોઈને એટલા બધા પ્રભાવિત થયા કે જે કામ બે દિવસ માં પૂર્ણ થાય એમ નહોતું એ માત્ર 24 કલાકમાં પૂર્ણ કરી બતાવ્યું અને સુરતની જનતાને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવ્યું.આ હતી વર્તમાનના વિવેકાનંદ એવા નરેન્દ્રભાઈની જનસેવા પ્રત્યેની કટિબદ્ધતા.