નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ યુવા પેઢીને કૌશલ્ય સાથે શિક્ષણ પૂરું પાડશેઃ રાજ્યપાલ
Mnf network: નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને આયોજિત વિકસિત ભારત @2047'- યુવાઓનો અવાજ' રાષ્ટ્રીય વર્કશોપના ભાગરૂપે ગુજરાતમાં રાજભવનના મહર્ષિ દયાનંદ સભામંડપ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના નેતૃત્વમાં એક રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
દૂરદર્શિતા સાથે વડાપ્રધાનના નેતૃત્વમાં ખૂબ જ અભ્યાસપૂર્વકની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 તૈયાર થઈ છે જે આવનારી યુવા પેઢીને કૌશલ્ય સાથે શિક્ષણ પૂરું પાડશે. શિક્ષકોને રાષ્ટ્રના નિર્માતા કહેવામાં આવે છે કેમ કે રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. વડાપ્રધાને જે રાહ ચીંધી.
દેશના વિકાસમાં માતૃશક્તિ, યુવા શક્તિ, કિસાન શક્તિ અને ગરીબો એમ ચાર વર્ગને જ મહત્વની ગણાવી છે. અત્યાર સુધી દેશના વિકાસમાં મહિલાઓ મુખ્યધારાથી દૂર હતી પરંતુ વડાપ્રધાને મહિલાઓ માટે ૩૩ ટકા અનામતનો કાયદો ઘડીને દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપવા સહભાગી બનાવવાની દિશામાં મહત્વનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત દેશમાં ગરીબ ખૂબ તેજ ગતિથી ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે. વિદેશી એજન્સીના અહેવાલ મુજબ 13.50 કરોડ ગરીબ ગરીબીમાંથી બહાર આવી ચૂક્યા છે. વર્તમાન સમયમાં સૌથી તેજ ગતિથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ ભારત છે. વૈશ્વિક સ્તરે આર્થિક સ્થિતિમાં પણ ભારત દેશ 11માં ક્રમેથી હવે પાંચમા ક્રમે આવી ચૂક્યો છે. આપણે વિશ્વની ત્રીજી મહાશક્તિ બનવા તરફ આગળ વધી રહ્યા છીએ.
મોદીએ આઝાદીના અમૃતકાળ- 75 વર્ષ નિમિત્તે 'વિકસિત ભારત'નો રોડ મેપ તૈયાર કરવાનું ભારતના યુવાઓને આહ્વાન કર્યું છે ત્યારે ભારતને વિકસિત કરવાનો 'યહી સમય હૈ સહી સમય હૈ'. વિકસિત ભારત એક જન આંદોલન બનશે તો જ આપણે વર્ષ 2047 સુધીમાં લક્ષ્ય સિદ્ધ કરશું.
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે દેશમાં સ્ટાર્ટઅપની એક ઇકો-સિસ્ટમ બની છે. જ્યાં વિદ્યાર્થીઓના વિચારોને આકાર આપવાનું કામ થઇ રહ્યું છે. ગુજરાત રાજ્ય સ્ટાર્ટઅપમાં શરૂઆતથી જ મોખરે રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે. હાલ ટેકનોલોજીમાં આપણે આયાતકાર છીએ પરંતુ સ્ટાર્ટઅપના પરિણામે સમગ્ર દેશમાં ઊભી થયેલી ઇકોસિસ્ટમથી આગામી દિવસોમાં આપણે નિકાસકાર બનીશું.