કેજરીવાલે સી.આર. પાટીલને નિશાને લેતા ગુજરાત ભાજપમાં ખળભળાટ : વજુભાઇ વાળા પણ આવ્યા ચર્ચામાં, જાણો કારણ

કેજરીવાલે સી.આર. પાટીલને નિશાને લેતા ગુજરાત ભાજપમાં  ખળભળાટ :  વજુભાઇ વાળા પણ આવ્યા ચર્ચામાં, જાણો કારણ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : દિલ્લીના મુખ્યમંત્રી અને આપના નેતા અરવિંદ કેજરીવાલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને લઈને એક મોટું ટ્વીટ કર્યું છે. જેને કારણે ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, "ગુજરાતમાં ભાજપ આમ આદમી પાર્ટીથી ખૂબ જ ડરી ગઈ છે. સૂત્રો પ્રમાણે, બહુ જલદી ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને હટાવાઈ શકે છે. શું ભાજપા આટલી બધી ડરી ગઈ છે?"

તો બીજી બાજુ રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ. સંતોષે વજુભાઈ વાળા સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરતા રાજકારણ ગરમાયું છે. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષના ગુજરાત પ્રવાસ બાદ પ્રભારી ભુપેન્દ્ર યાદવનો ગુજરાત પ્રવાસ એ કંઇક નવાજૂની થવાના સંકેતો આપી રહ્યો છે. ભુપેન્દ્ર યાદવ આજે સાંજે એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ ભાજપ સંગઠનાત્મક બેઠકોમાં પણ પ્રભારી ભુપેન્દ્ર યાદવ હાજર રહી શકે છે. ભાજપની અંદર બધુ સમૂતરું ચાલી રહ્યું નથી એ સ્પષ્ટ છે.

કોરોનામાં નિષ્ફળ જનાર ગુજરાતની રૂપાણી સરકારને બદલીને એક નવી સરકાર બનાવવાનો પ્રયોગ કરનાર મોદીને આ પ્રયોગ ભારે પડ્યો છે. ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષને અમાપ પાવર આપીને ભાજપનું કદ વધારવાના પ્રયાસમાં ક્યાંક કાચું કપાયો હોવાનો અહેસાસ હવે હાઈકમાન્ડને થયો છે. ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે ત્યાં ભૂપેન્દ્ર પટેલ સરકારની નબળી કામગીરીના રિપોર્ટ બાદ 2 મંત્રીઓના ખાતાઓ છીનવાયા છે. જેને આખી રૂપાણી સરકારને ઉથલાવી નાખી હતી એ બીએલ સંતોષ દિલ્હીથી દોડી આવીને સતત 2 દિવસો મીટિંગ કરીને ગયા છે. હવે ભૂપેન્દ્ર યાદવ આજે આવ્યા છે એ સાબિત કરે છે ભાજપમાં કાંઈક રંધાઈ રહ્યું છે.

ગુજરાતમાં પ્રથમવાર એવું બન્યું હતું કે સરકાર કરતાં સંગઠન પાસે પાવર વધારે હતો. ભૂપેન્દ્ર પટેલે પણ સીઆર પાટીલના બંગ્લે જઈને સરકારમાં કંઇ પણ ફેરફારો કરવા નિર્ણયો લેવા પડતા હતા. રૂપાણી સરકાર સુધી ક્યારેય કોઈ મંત્રી કમલમના આંટાફેરા કરતો ન હતો. હવે પાવર સ્ટેશન બદલાયું હતું અને સીએમ બંગ્લાને બદલે પ્રદેશ અધ્યક્ષ પાટીલના બંગલામાં મહત્વના વહીવટી નિર્ણયો લેવાતા હતા.

મોદીએ પાટીલને ભાજપમાં નવો પ્રાણ પૂરવા અને 150 બેઠકો જીતવા માટે પૂરતી આઝાદી આપી હતી પણ પાટીલ ભાજપને આગળ વધારવામાં અને સરકાર ચલાવવામાં સફળ રહ્યાં ન હોવાનો રિપોર્ટ છે. જે સરકાર ભૂપેન્દ્ર પટેલે નહીં પણ પાટીલે ચલાવી એ સરકારનો નબળો રિપોર્ટ એ ભૂપેન્દ્ર પટેલનો નહીં પણ પાટીલનો નબળો રિપોર્ટ છે. મંત્રીઓએ કમલમના આદેશો માનીને વહીવટી નિર્ણયો લેવા પડે તેવા સંજોગો છતાં 2 મંત્રીઓના ખાતા બદલી દેલા પડ્યાં છે. મોદીએ દિલ્હી બેઠા બેઠા પણ સચિવાલયથી લઈને સ્થાનિક લેવલે સરવે કરાવ્યો છે. ભલે મોદી ગુજરાત ના આવ્યા પણ રજે રજનો રિપોર્ટ દિલ્હી પહોંચતો હતો. ગુજરાતમાં જે પ્રકારે પાટીલ આપના પ્રભાવને રોકવામાં નિષ્ફળ રહ્યાં છે એ સૌથી મોટી પાટીલની નિષ્ફળતા છે. પીએમ મોદીને સૌથી વધુ ખૂચ્યું હોય તો ગુજરાતમાં આપની સક્રિયતા છે.