ઊંઝા : ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ કાર્યાલયને તાળા વાગતા તર્ક વિતર્ક શરૂ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના & દિખા સો લિખા) : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના ઉમેદવારો જાહેર થતા ની સાથે જ રાજ્યમાં ચૂંટણીનો માહોલ દિવસે દિવસે જામી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર ગણાતા ઊંઝામાં ભાજપ દ્વારા એક બહુ ચર્ચિત ન હોય તેવા ચહેરાને ટિકિટ આપવાની સાથે જ ઊંઝાના રાજકારણમાં 'કહી ખુશી કહી ગમ' જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
ઊંઝા સીટ પર ચૂંટણી લડવા માટે 50થી વધારે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. પરંતુ ઊંઝા વિધાનસભા સીટ પર સંઘના બહુ ચર્ચિત ન હોય એવા કાર્યકરને ટિકિટ આપતા કાર્યકરોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી હતી. આ બધાની વચ્ચે સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે ડો. આશાબેન પટેલના નેતૃત્વમાં જે ભાજપ કાર્યાલય કાર્યરત હતું તેને તાળા વાગી જતા કાર્યકરોમાં અનેક તર્ક શરૂ થયા છે
ઊંઝા ભાજપનું કાયમી કાર્યાલય હતું એ કાર્યાલયને તાળા મારી દેવામાં આવ્યા છે જેને લઈને ભાજપના કાર્યોમાં હવે ગણગણાટ શરૂ થયો છે. અત્રે નોંધનીય છે કે ડો. આશાબેન પટેલ ના નેતૃત્વમાં આ ઊંઝા ભાજપ શહેર કાર્યાલયની શરૂઆત કરવામાં આવી હતી. તેમના નિધન બાદ પણ આ કાર્યાલય કાર્યરત હતું. પરંતુ એકાએક કાર્યાલયને તળાવ વાગી જતા હવે કાર્યકરોમાં ગુસ્સફૂસ શરૂ થઈ છે.
અત્રે નોંધનીય છે કે સામાન્ય રીતે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ચૂંટણી પ્રચાર માટે ની કામગીરી સરળતાથી કરી શકાય તે માટે જે તે વિધાનસભા સીટ પર લોક સંપર્ક માટેના મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવામાં આવતા હોય છે. પરંતુ જે કાયમી કાર્યાલય હોય છે તેને તો કાર્યરત રાખવામાં આવતું હોય છે. પણ ઊંઝા ની અંદર કંઈક અલગ જ સ્થિતિ જોવા મળી હતી જેમાં કાયમી કાર્યરત કરાયેલા કાર્યાલયને તાળા મારી દેવામાં આવતા ક્યાંક ને ક્યાંક ઊંઝા ભાજપમાં અંદરો અંદર તિરાડ પડી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
આ અંગે ઊંઝા શહેર ભાજપ પ્રમુખ નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હવે આ જે મધ્યસ્થ કાર્યાલય છે એને જ કાયમી કાર્યાલય ગણવામાં આવશે. જોકે બીજી બાજુ આ કાર્યાલયના ખર્ચને ઉઠાવવા માટે સક્ષમ નહીં હોવા અંગેના તેમને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે આવી કોઈ જ વાત ન હોવાનું જણાવ્યું હતું અને પોતે એક કાર્યક્રમમાં વ્યસ્ત હોવાનું જણાવીને વાતને ટાળવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો.