ઊંઝા : ભાજપના શાસનમાં ખુલ્લેઆમ થતું દારૂનું વેચાણ : પવિત્ર નગરીને લાગ્યું લાંછન
ઊંઝા પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ
ધારાસભ્યની નિષ્ક્રિયતા ને કારણે નગરમાં કાયદો અને વ્યવસ્થા કથળી
ધારાસભ્ય નો સ્થાનિક તંત્ર પર અંકુશ નહીં હોવાની ચર્ચા
વિસ્તારના પ્રશ્નો ઉકેલવામાં ધારાસભ્ય રહ્યા છે સદંતર નિષ્ફળ
મત વિસ્તારના લોકોના કામ ઝડપી થાય, કાયદો વ્યવસ્થા સચવાઈ રહે તે જોવાની જવાબદારી ધારાસભ્યની પણ છે.
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના & દિખા સો લિખા) : પવિત્ર યાત્રાધામ ઉંઝામાં ભાજપના શાસનમાં દારૂની રેલમ છેલ ચાલી રહી હોવાના અહેવાલો સમાચાર પત્રમાં પ્રગટ થતાં પોલીસ અને ધારાસભ્યની કામગીરી સામે અનેક સવાલો ખડા થયા છે. ઊંઝામાં જ્યારથી ભાજપના ધારાસભ્ય કે કે પટેલ ચૂંટાઈને આવ્યા છે ત્યારથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોવાના અનેક કિસ્સાઓ અવારનવાર અખબારોમાં પ્રગટ થતા રહે છે.
ત્યારે ગુજરાતના સૌથી અગ્રણી અખબાર માં દારૂની હેરાફેરી અને પાર્લરો પર ખુલ્લેઆમ થતા વેચાણનો અહેવાલ પ્રગટ થતાં જ સમગ્ર મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ભાજપના શાસનમાં ગાંધી ના ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ ઊંઝામાં દેશી અને વિદેશી દારૂનો ખુલ્લેઆમ થતું વેચાણ એ ધારાસભ્યની નિષ્ક્રિયતા પુરવાર કરે છે. અસામાજિક તત્વો ને ભાજપના શાસનમાં કાયદાનો કોઈપણ પ્રકારનો ડર ન હોય તેવું ચર્ચાઇ રહ્યું છે.
ભાજપ સરકાર એક બાજુ સુશાસનના દાવા કરી રહી છે.ત્યારે ઊંઝા ના નિષ્ક્રિય ધારાસભ્ય કે કે પટેલ જાણે ઊંઝાની વર્તમાન પરિસ્થિતિ વિશે કાંઈ ન જાણતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સમગ્ર વિધાનસભા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેવી, લોકોની સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ આવે અને લોકોને ખરા અર્થમાં સુશાસનનો અહેસાસ થાય તે જોવાની કામગીરી ધારાસભ્યની છે. પરંતુ ચર્ચાતી વિગતો મુજબ ધારાસભ્ય તમામ પ્રકારની કામગીરીમાં ખૂબ જ ધીમા રહ્યા છે. શહેરમાં ખુલ્લેઆમ દારૂ અને જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા છે પરંતુ ધારાસભ્ય આ બાબતે જાણે કંઈ જ ન જાણતા હોય તેવું લાગી રહ્યું છે. અસામાજિક પ્રવૃત્તિઓના અખબારી અહેવાલથી સમગ્ર પંથકમાં ધારાસભ્યની કામગીરી સામે છુપો રોષ ભભૂકી રહ્યો છે.