ઊંઝા : મુખ્યમંત્રીના હસ્તે ટાઉન હોલના લોકાર્પણનો શ્રેય લેવા પ્રમુખ અને શાસકોના ધમ પછાડા !
અઢી વર્ષ થી ગોકળ ગાય ગતિએ ચાલતા ટાઉન હોલ માટે પ્રમુખ સહિતના પોસ્ટર નેતાઓને લોકાર્પણ માટે કેમ પ્રેમ ઉભરાયો ?
રાત દિવસ કામ કરાવી ટાઉન હોલ ના લોકાર્પણ માટે નો શ્રેય લેવા શાસકો બાવરા બન્યા.
ભાજપ શાસિત પાલિકા વર્તમાન બોડીના શાસનમાં વર્ષોથી વિવાદોમાં
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ઊંઝામાં 7.90 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા ટાઉનહોલ નું કામ છેલ્લા અઢી વર્ષથી ગોકળગાય ગતિએ ચાલતું હતું પરંતુ આવનાર ટૂંક સમયમાં નગરપાલિકાના પ્રમુખ રીન્કુબેન પટેલની ટર્મ પૂરી થાય છે ત્યારે આ ટાઉનહોલનું કામ બુલેટ ટ્રેન ગતિએ શરૂ કરાવી પોતાના નામની તકતીઓ લગાવવાની ઘેલછામાં લોકાર્પણ માટે પાલિકા પ્રમુખ સહિત કેટલાક તક સાધુ નગર સેવકો હરખ પદુડા બન્યા છે.
નગરમાં ચાલતી ચર્ચાઓ મુજબ આ ટાઉનહોલનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે થવા જઈ રહ્યું છે ત્યારે ટાઉનહોલનું કામ અધૂરું હોવાને કારણે હવે મુખ્યમંત્રી માત્ર રીબીન કાપીને સીધા બ્રાહ્મણવાડા મુકામે જવાના હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.જો કે લોકાર્પણમાં બધું સમસુતરૂ નહિ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે હાલમાં ઊંઝામાં નગરપાલિકામાં ભાજપનું શાસન છે. રીંકુબેન પટેલના પ્રમુખ પદ ના નેતૃત્વ હેઠળ જ્યારથી ઊંઝા નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી ઊંઝા નગરપાલિકા કોઈને કોઈ વિવાદોમાં સતત સપડાયેલી રહી છે. ટૂંકમાં કહીએ તો ભાજપ શાસિત ઊંઝા નગરપાલિકામાં રીંકુબેન પટેલના નેતૃત્વ હેઠળ ઊંઝા નગરપાલિકા સતત વિવાદોમાં રહીને શહેરની પ્રતિષ્ઠાને પણ ખરડવાનું કાર્ય કર્યું છે !