જિંદગીની આ હકીકત જાણ્યા પછી મનમાં ક્યારેય નિરાશા અને નકારાત્મકતા નહિ જન્મે, સુખની ચાવી મળી જશે

જિંદગીની આ હકીકત જાણ્યા પછી  મનમાં ક્યારેય નિરાશા અને નકારાત્મકતા નહિ જન્મે, સુખની ચાવી મળી જશે

વફા  :    મનુષ્યનું જીવન એ અંગ્રેજીનાં આલ્ફાબેટ ABCD જેવું છે.જિંદગી એટલે જન્મ (B-birth) અને મૃત્યુ (D-Death) વચ્ચેનો સમય ગાળો છે. જેમાં પસંદગી  (C-choice) આપણા હાથમાં છે કે જિંદગી કેવી રીતે જીવવી? જન્મ(B) અને મૃત્યુ (D) એ સનાતન સત્ય છે. એની વચ્ચે રહેલી જિંદગીની પસંદગી(C) આપણા હાથમાં છે. ઘણીવાર એવું બને છે કે જે પસંદ કરીએ છીએ એ મળતું નથી, અને જે મળે છે એ પસંદ પડતું નથી. છતાં પણ B અને D વચ્ચે રહેલ C ની કુરબાની આપીને પણ જિંદગીને ગમતી  (A-adorable) બનાવવાની મથામણમાં જીવનરૂપી સૂર્યનો અસ્ત ક્યારે થઈ જાય તે જ ખબર નથી પડતી.

“જિંદગીમાં હસો, હસાવી લ્યો,

બે ઘડી સ્નેહમાં વિતાવી લ્યો;

શી ખબર કાલ મળ્યા કે ન મળ્યા,

આજ ને પ્રેમથી વધાવી લ્યો.”

જો કે કેટલું જીવ્યા એ મહત્વનું નથી કેવું જીવ્યા એ મહત્વનું છે. જિંદગી સામે ફરિયાદો ગમે એટલી હોય પણ તમારા ગયા પછી પણ જો લોકો તમને " ફરી 'યાદ " કરે તો જીવ્યું સાર્થક છે. એક પ્રખ્યાત લેખકે કહ્યું છે કે જો જિંદગી ને હસીન, રંગીન બનાવવી હોય તો પોતાને પ્રેમ કરો. જે પોતાની જાતને પ્રેમ નથી કરી શકતો એ બીજાને કેવી રીતે પ્રેમ કરી શકે છે ? યાદ રાખજો કે આ શરીર કાયમી નથી.  Man is Mortal અર્થાત જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત છે, પછી એ માનવ અવતારમાં ભગવાન જ કેમ ના હોય. જિંદગી ની રંગીન પળો એ તમને દુઃખ માંથી બહાર લાવવાની મહત્વની ચાવી છે. જ્યારે પણ જીવનમાં કોઈ પ્રસંગે નિરાશા, હતાશા સાંપડે ત્યારે જીવનની એ સુંદર ક્ષણો ને યાદ કરો, કે જેના લીધે તમે ખુશ ખુશાલ રહેતા હતા.

કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો

કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો

થૈ આંખ બન્ધ, ઓઢ્યું કફન એટલે થયું

નાટક હતું મઝાનું ને પડદો પડી ગય

જીવનભર ક્યારેય કોઈ સુખી રહી શકતું નથી.દુઃખ અને સુખ એ બંને જીવનના પડાવ છે. એકલો અટૂલો માણસ ક્યારેય સુખી રહી શકતો નથી.કારણ કે સુખ ની ક્ષણો વ્યક્ત કરવા માટે કોઈક તો તમારી સાથે હોવું જોઈએ ને કે જેની સામે તમે તમારું સુખ છલકાવી શકો. હા પણ સુખમાં જે તમારી સાથે છે એ દુઃખમાં તમારી સાથે હશે કે કેમ એની કોઈ ગેરેન્ટી નથી હોતી. સુખમાં એ લોકો તમારી સાથે રહે છે કે જેને તમે પ્રેમ કરો છો અને દુઃખમાં તમારી સાથે માત્ર એ જ લોકો રહેશે જે તમને પ્રેમ કરે છે. અર્થાત સાચા અર્થમાં તમારા કોણ છે એની પરીક્ષા સુખમાં નહિ પણ દુઃખમાં થાય છે.

જીવનમાં એક તો રાધા કે શ્યામ હોવા જ જોઈએ અર્થાત એક વ્યક્તિ તો એવી હોવી જ જોઈએ કે જેની સાથે તમે તમારું દુઃખ વહેંચી શકો, માત્ર એટલું જ નહીં એની સાથે તમારું દુઃખ વ્હેચ્યા પછી તમને આનંદની અનુભૂતિ થાય. કૃષ્ણ કહે છે જીવનમાં પ્રેમ જ સર્વ સુખોમાં શ્રેષ્ઠ છે. જો તમને ખુદને તમારા જીવન પ્રત્યે પ્રેમ હશે તો જ તમે અન્યને પ્રેમ આપી શકશો.


કોઈ પ્રખ્યાત લેખકે લખ્યું છે કે, " Everything in life is temporary " અર્થાત જીવનમાં કોઈ વસ્તુ કાયમી રહેતી નથી.પરિસ્થિતિ હંમેશા બદલાયા જ કરે છે. કૃષ્ણ એ ગીતા માં પણ લખ્યું છે કે ' પરિવર્તન એ સંસારનો નિયમ છે.' જીવનમાં દરેક પરિસ્થિતિમાં આનંદ ઉઠાવતા શીખો.જ્યારે અનુકૂળ પરિસ્થિતિ હોય તો આનંદમાં રહીએ એ સ્વાભાવિક છે પણ જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે એ વાત કદી ભૂલી ના જવી કે આ સમય પણ ચાલ્યો જશે.જરૂર છે માત્ર ધીરજ ધરવાની. અનુકૂળતા અને પ્રતિકૂળતા વચ્ચે સંતુલન  કેમ રાખવું એ જ જિંદગીની ખરી કસોટી છે.

જીવનમાં હર ક્ષણે તમને તમારી જ પસંગી (C - choice) ને પ્રાધાન્ય મળે એ જરૂરી નથી. શાયદ કૃષ્ણ ની પસંદગી રાધા જ હશે છતાં પણ એમણે રૂકમણી  સાથે જીવન વિતાવવુ પડ્યું. એ જ વાત દર્શાવે છે કે દૈવ ( નસીબ) ની સીમારેખા ઓળંગી આપણે આપણી પસંદગી પ્રાપ્ત કરી શકતા નથી. સમય ના બીબા માં જીવનની સુંદર યાદોને ઢાળી તૈયાર થયેલી મૂર્તિ ની જ ઉપાસના, આરાધના કરવી એ જ જિંદગી ની ખરી કસોટી છે.

ભૂમિ ના ત્રણ સ્તર છે.જેમાં સૌથી ઉપરનું સ્તર ખૂબજ ફળદ્રુપ છે.આ સ્તર નું ધોવાણ ન થાય તે માટે નીચેના બે સ્તર પણ જરૂરું છે. ત્રીજા એવા સૌથી ઉપરના સ્તર ની ફળદ્રુપતા નીચેના બે સ્તર ને કારણે છે. એકમેક થી જોડાયેલ ભૂમિના ત્રણ સ્તર માં ઉપરનું ત્રીજું સ્તર એ બાકીના બે સ્તરો સાથે આત્મીયતા થી જોડાયેલ છે.જીવનમાં પણ કોઈ એવા સંબંધ હોવા જોઈએ કે જેનાથી જિંદગી હરીભરી,ફળદ્રુપ હોવાનો અહેસાસ થાય.પણ યાદ રાખજો કે શુષ્કતા ને પીગળી દેનારા આવા સંબંધો સહજતા થી પ્રાપ્ત નથી થતા. માટે સંબંધોના સ્તર ને સાચવશો તો જ જીવન ફળદ્રુપ બનશે અને જિંદગી જટીલ નહિ પણ સહજ લાગશે.

" ABCD ના આલ્ફાબેટમાં સમાઈ છે જિંદગી,
હર વક્ત કરજે એની બંદગી,
ભલે મળે ના મળે તારી પસંદગી."