વિશેષ અહેવાલ : સરકાર અને નેતાઓને રાજકીય કાર્યક્રમો માટે બધી છૂટ ? હોળી-ધૂળેટીની ઉજવણી બંધ, મંદિરો બંધ : સ્ટેચ્યુ ઓફ યુનિટી શરૂ ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : સમગ્ર રાજ્યમાં હાલમાં કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું હોવાના મીડિયા અહેવાલો સતત માનસપટલ પર અથડાઇ રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા હોળી ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે કારણ કે સરકારનો એવો મત છે કે તહેવારોની ઉજવણીમાં વધારે લોકો જો ભેગા થાય તો તેમાં કોરોના નું સંક્રમણ ફેલાવવાના ઘણા બધા ચાન્સ છે. પરંતુ સરકારના આ નિર્ણય અને નિતીઓ ક્યાંકને ક્યાંક માત્ર સામાન્ય જનતા માટે જ સીમિત રહેતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે કારણકે બીજી બાજુ સરકાર દ્વારા રાજકીય તાયફાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે શું ત્યાં કોરોના નું ગ્રહણ નહિ નડતું હોય ?
હોળી-ધૂળેટીના પર્વ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યભરમાં ઘણા ખરાં મંદિરો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજના 8 થી 10 હજાર પ્રવાસીઓ આવતા હોવા છતાં તેને બંધ કરવામાં નથી આવ્યું. જ્યારે અમદાવાદમાં તો પોળો સહિત ઘણા ખરા પ્રવાસન સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે. હવે અભણ માણસ પણ એટલી વાત તો સમજી શકે છે કે જો તહેવારોની ઉજવણીમાં લોકો ભેગા થવાથી કોરોના ફેલાતો હોય તો પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે જે પ્રવાસીઓ આવશે તેનાથી શું કોરોના નહીં ફેલાય ? નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ ક્યાં સુધી?
વળી રાજકીય પ્રસંગો ઉપર પણ કોઇ અંકુશ મુકાતો નથી. ત્યાં પોલીસ પણ કોઈ નક્કર કાયદાકીય કામગીરી કરવાને બદલે નેતાઓની સામે નતમસ્તક થઈ જતી હોય છે. જોકે હાલમાં ગાંધીનગર માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે સ્વાભાવિક છે કે આગામી સમયમાં ત્યાં પણ રાજકીય તાયફાઓ શરૂ થવાના. જોકે આ બધા વચ્ચે હાસ્યાસ્પદ બાબત તો એ છે કે ખુદ મુખ્યમંત્રી એવું કહેતા નજરે પડે છે કે હજુ કોરોના થોડોક સમય માટે રહેવાનો. મુખ્યમંત્રી જાણે ભવિષ્યવેતા હોય અને તેઓ જાણતા જ હોય કે ક્યાં સુધી કોરોના રહેશે અને ક્યારે જતો રહેશે ? મુખ્યમંત્રી નું સ્ટેટમેન્ટ પણ સોશિયલ મીડિયામાં હાસ્યાસ્પદ બન્યું છે. જોકે ગુજરાતની જનતા એ વાત ખૂબ જ સારી રીતે સમજી ગઈ છે કે રાજકીય કાર્યક્રમો હોય કે પછી ચૂંટણીઓ આવે ત્યારે કોરોના જતો રહેતો હોય છે અને ત્યારબાદ એનો ભોગ પ્રજાએ બનવાનું હોય છે.