ગોપાલ ઇટાલિયા પર ભાજપના કયા નેતાના ઈશારે થયો હુમલો ? પોલીસે ગોપાલ ઇટાલિયા સામે ફરિયાદ નોંધવા કહેતા શુ બન્યું ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : સોમનાથ થી જેનો આરંભ થવાનો હતો એ આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા પૂર્વે સોમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા પર કેટલાક લોકોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઇને ગોપાલ ઇટાલીયાએ આ હુમલો ભાજપના નેતાઓના ઇશારે થયો હોવાનો આરોપ મૂક્યો છે.
ગોપાલ ઇટાલીયા એ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે મારી પર થયેલા હુમલાને લઈને જ્યારે અમે પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા ત્યારે આ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા 'ચોર કોટવાળને દંડે' કહેવતને સાર્થક કરવામાં આવી હતી. અર્થાત્ પોલીસ ઈન્સપેક્ટરે એવું કહ્યું હતું કે ગોપાલ ઇટાલીયા અને તેમની ટીમે હુમલો કર્યો છે અને તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવાની છે.
જોકે પોલીસના આ જવાબથી ડઘાઈ ગયેલા ગોપાલ ઇટાલીયાએ મીડિયા સામે જણાવ્યું હતું કે, " અમે જ્યારે સોમનાથ મહાદેવના મંદિરમાં દર્શન કરીને બહાર નીકળ્યા ત્યારે મારી ઉપર અને ઈશુદાન ભાઈ તરફ 100 થી વધારે લોકોનું ટોળું ધસી આવ્યું હતું. પરંતુ અમારા કાર્યકર્તાએ કોર્ડન કરીને અમને સીધા ગાડીમાં બેસાડી દીધા હતા. જોકે અમને કોઈ નુકસાન નહોતું થયું. પણ ગાડી ઉપર પથ્થર ફેંકવાની ઘટના બની હતી." ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું હતું કે, "અમારી આ યાત્રા ના બે દિવસ પૂર્વે અમારી સાથે આવું અભદ્ર વર્તન થશે એના અમને સમાચાર મળી ગયા હતા."
ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે, " અમે જ્યારે પ્રભાસ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા આવ્યા ત્યારે પીઆઇ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે તમે મારા મારી કરી છે અને તમારી ઉપર ગુનો નોંધવાનો છે." ગોપાલ ઇટાલીયા જણાવ્યું કે, "સોમનાથ મહાદેવનું મંદિર સીસીટીવી કેમેરાથી સજ્જ છે જેમાં જોઇ શકાય છે કે કોણે કોના ઉપર હુમલો કર્યો."
વેરાવળ નગરપાલિકાના મહિલા નગરસેવક ના પતિ એ આ સમગ્ર ટોળાની આગેવાની કરી છે અને સમગ્ર ટોળાને ઉશ્કેરી મારામારી કરવાની આગેવાની ભાજપના કોર્પોરેટરના પતિ દ્વારા લેવામાં આવી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.આ ઉપરાંત ભાજપના વધુ ચાર પાંચ નેતાઓના નામ ગોપાલ ઇટાલીયાને જાણવા મળ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.