Breaking: ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ ઊંઝા નગર પાલિકાએ કરી પહેલ : જાણીને કરશો પ્રસંશા
મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : અગ્ર મુખ્ય વન સંરક્ષણ અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પરિપત્ર બાદ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઊંઝા નગરપાલિકા દ્વારા સૌપ્રથમ વિદેશી પ્રજાતિના કોનોકાર્પાસ છોડને શહેર ની જાહેર સંસ્થાઓ તેમજ શહેરી વિસ્તારમાંથી આ છોડને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલ દ્વારા શહેરીજનોને પણ પોતાના આસપાસ માલિકીના વિસ્તારમાંથી આ છોડને દૂર કરવા માટે અપીલ કરાઇ છે.
પાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઊંઝા નગરપાલિકાની જાહેર જનતા ને જણાવવાનું કે અગ્ર મુખ્ય વન સંરક્ષણ અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પરિપત્ર મુજબ રાજ્યમાં વિદેશી પ્રજાતિનું વૃક્ષ “કોનોકાર્પસ” નો વ્યાપ વધી રહેલ છે.
સંશોધનના અહેવાલ મુજબ આ પ્રજાતિના વૃક્ષ થી પર્યાવરણ અને માનવ જીવન ઉપર નકારાત્મક અસરો/ગેરફાયદાઓ ધ્યાનમાં આવેલ છે. કોનોકાર્પસ ના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ ખુબ જ વિકાસ પામે છે જેથી સંદેશા વ્યવહાર કેબલ, ડ્રેનેજ (ગટર) લાઈન અને તાજા પાણીની વ્યવસ્થાને નુકશાન પહોંચાડે છે. કોનોકાર્પસ વૃક્ષ શિયાળાની ઋતુમાં ફુલો આપે છે જેના પરાગરજ આજુબાજુના વિસ્તારમાં હવા દ્વારા ફેલાય છે કોનોકાર્પસના કારણે નાગરિકોમાં શરદી, ઉધરસ, એલર્જી, અસ્થમા વિગેરે જેવા રોગો થવાની શક્યતા રહેલ છે.
જેને લઇ ઊંઝા નગરપાલિકા વિસ્તારમાં જાહેર જગ્યાઓ, રોડ-રસ્તા ઉપર ઉછેર થયેલ કોનોકાર્પસ વૃક્ષનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ઉપરાંત જાહેર જનતા ને વિનંતી કે ઘરની બહાર, કોમન પ્લોટ, માલીકીની ખાનગી જગ્યાઓ વિગેરે ઉપરથી કોનોકાર્પસ વૃક્ષ નો દિન-૩૦ માં નિકાલ કરવાની આથી સૂચના આપવામાં આવે છે. અન્યથા નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કોનો કાર્પસ વિશે વધુ જાણો
નિષ્ણાતો ના મત મુજબ, કોનોકાર્પસ વૃક્ષ છે. તે અમેરિકા, નોર્થ અમેરિકા અને આફ્રિકના દેશનું મુખ્ય વૃક્ષ છે. આ વૃક્ષને અરેબિયન દેશમાં સેન્ડઈન્સ પર વાવવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ હતો કે, ત્યાં પ્રદૂષણ નિયંત્રણમાં આવશે. જોકે, આ વિસ્તારમાં રેતાળ બહુ છે અને તેના મૂળ ઊંડે સુધી પ્રસરે છે. આ ઝાડની ઊંચાઈ અંદાજિત 12થી 20 ફૂટ સુધી વધી શકે છે.
બીજી તરફ ઑક્સિજનનું પ્રમાણ પણ ઓછું આપે છે. સાથે આ પ્રજાતિમાં મૂળ ખૂબ ઊંડે સુધી જતા હોવાથી ભૂગર્ભ જળ વધુ શોષણ કરે છે. કોનોકાર્પસ વૃક્ષ જમીનમાંથી પાણીનું શોષણ વધુ કરી રહ્યું છે. આ વૃક્ષના પરાગકર્ણના કારણે હેલ્થની સમસ્યા ઊભી થાય છે. જે યીગ્ય રીતે ટ્રીમિંગ થાય તો ફ્લાવરિંગ અટકાવી શકાય, પરંતુ તે મોટું થયા પછી તેના ફ્લાવરિંગના કારણે બિમારી નોતરી શકે છે.