Exclusive : સુરત : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી તોફાની બનવા પાછળ જવાબદાર કોણ ? 20 વર્ષ બાદ કેમ યોજવી પડી ચૂંટણી ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના & દિખા સો લિખા ) : સુરત મહાનગર પાલિકાની શિક્ષણ સમિતિની ચૂંટણી શુક્રવારે મનપાની મુખ્ય કચેરીના સરદાર ખંડમાં યોજાઈ હતી. બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન શાંતિપુર્વક મતદાનની પ્રક્રિયા ચાલી હતી. પરંતુ સાંજે 5:30 વાગ્યે ચૂંટણી પ્રક્રિયાના રિટર્નિંગ ઓફિસર મેયર દ્વારા જ્યારે બેલેટ પેપર ખોલી પરિણામો જાહેર કરવાની શરૂઆત કરવામાં આવી ત્યારે મેયરે બે જેટલા બેલેટ રદ કરેલ જેને લઈ વિપક્ષ દ્વારા બેલેટ પેપર જોવાની માગણી કરાઈ અને રી કાઉંટિંગની માગણી કરવામાં આવેલ. પણ મેયરે ઇન્કાર કરતા વિપક્ષે હોબાળો મચાવ્યો હતો.જે થયું તેના માટે ખરેખર જવાબદાર કોણ એ સત્ય નજીક મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા પહોંચવાનો પૂરો પ્રયત્ન થયો.આવો તમને જણાવી દઈએ કે સાચી હકીકત શુ છે.
20 વર્ષ બાદ ચૂંટણી યોજવાનું શુ છે કારણ ?
સામાન્ય રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માં કુલ ૧૫ સભ્યો હોય છે. જેમાં ચાર સભ્યો ભાજપના બિનહરીફ થયા હતા. ઉપરાંત ત્રણ સભ્યો રાજ્ય સરકાર વતી હોય છે. આમ સાત સભ્યો નક્કી થઈ ગયા હતા. ત્યારે બાકીના આઠ સભ્યો માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ ચૂંટણી 20 વર્ષ બાદ પહેલીવાર યોજાઇ હતી. આપને જણાવી દઇએ કે 2001માં છેલ્લે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી યોજાઇ હતી. ત્યાર બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઇલું ઇલું ચાલતું હોવાને પરિણામે ભાજપ-કોંગ્રેસ એકબીજા સાથે સેટીંગ કરીને ક્યારેય ચૂંટણી યોજાતા ન હતા.
સંખ્યાબળ મુજબ AAP ના બે ઉમેદવાર જીતી શકતા હતા પણ....
પરંતુ આ વખતે સુરત મહાનગરપાલિકામાં સાચા અર્થમાં જેને વિપક્ષ કહી શકાય એવા આમ આદમી પાર્ટીના 27 નગરસેવકોની જીત થતા ભાજપનો સેટિંગ કરવા નો ખેલ પાર પડયો ન હતો. એટલે છેવટે ચૂંટણી યોજવાની નોબત આવી હતી. જોકે આ ચૂંટણીમાં પણ વિપક્ષ મેદાન ન મારી જાય તે માટે ભાજપ દ્વારા કૂટનીતિ અપનાવવામાં આવી હતી. ક્યાંકને ક્યાંક ભાજપની ખારી દાનતને પરિણામે વિપક્ષે ચૂંટણી ના પરિણામ વખતે હોબાળો મચાવવાની નોબત આવી હતી. જેના પાછળ નું સ્પષ્ટ કારણ એવું છે કે આઠમાંથી બે ઉમેદવાર આપના જીતે એ સ્પષ્ટ હતું છતાં પણ ભાજપના મેયર કે જેવો રીટર્નિંગ ઓફિસરની ભૂમિકામાં હતા તેમણે ફરી કાઉન્ટિંગ અને વિપક્ષની માંગ મુજબ બધા બેલેટ પેપર બતાવવાનો ઇનકાર કેમ કર્યો એ પ્રશ્ન નો જવાબ આપવામાં મેયર પણ ખુદ અસમર્થ હોવાનું બહાર આવ્યું છે.
શુ ભાજપના ઉમેદવારોને મળેલ બેલેટમાં ક્યાંય ભૂલ હતી જ નહીં ?
મત ગણતરી દરમ્યાન રીટર્નિંગ ઓફિસરની ભૂમિકામાં રહેલા મૅયર દ્વારા બે બેલેટ રદ કરવામાં આવ્યા હતા. જેને વિપક્ષ દ્વારા સ્વીકાર કરી લેવામાં આવ્યાં હતાં. પરંતુ ત્યારબાદ વિપક્ષ દ્વારા તમામ નગર સેવકો દ્વારા થયેલા મતદાનના બેલેટ પેપર જોવાની માગણી કરવામાં આવી હતી. એટલા માટે કે શું આમ આદમી પાર્ટીના ઉમેદવારને મળેલ બેલેટ પેપરમાં જ ખોટું મતદાન થયું હતું કે ભાજપના ઉમેદવારને મળેેલ મતદાનમાં પણ ક્યાંક ને ક્યાંક ભૂલ હતી એ જાણવા માટે વિપક્ષ દ્વારા તમામ બેલેટ પેપરમાં થયેલું મતદાન જોવાની માગણી કરવામાં આવી હતી. પરંતુ મેયરે બેલેટ પેપર બતાવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. અને બેલેટ પેપરને ઠેકાણે પાડી દેેેવાયા હતા.
મેયર ને પૂછેલ સવાલોનો જવાબ ગોળ ગોળ મળ્યો
જોકે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા સુરત ના મેયર કે જેઓ મતદાનની પ્રક્રિયામાં રીટર્નિંગ ઓફિસર ની ભૂમિકા બજાવી રહ્યા હતા તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે વિપક્ષ દ્વારા પુનઃ મત મતગણતરીની માગણી કરવામાં આવી અને તમામ બેલેટ પેપરો માં થયેલું મતદાન શું ખરેખર સાચું જ છે ? શું ભાજપના નગરસેવકોએ મતદાન કરવા માં કોઈ ભૂલ નથી કરી ? શું ભાજપના ઉમેદવારોને મળેલ મતમાં કોઈ ભૂલ નથી થઈ ? એ જોવા માટે માગણી કરવામાં આવી ત્યારે મેયર દ્વારા શા માટે વિપક્ષની આ માંગણીને નકારી કાઢવામાં આવી હતી એવો સવાલ મેયર ને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ગોળગોળ જવાબો આપીને છેવટે એવું કહ્યું હતું કે એ હું ન બતાવી શકુ અને વધુ કહેવાનું ટાળ્યું હતું. જે સ્પષ્ટ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક રીટર્નિંગ ઓફિસરની ભૂમિકામાં રહેલા મેયરે પક્ષપાત કર્યો હતો અને મતદાનની તટસ્થતા જાળવવામાં નિષ્ફળ રહ્યાં હતાં.
રિટર્નિંગ ઓફિસરની ભૂમિકા અદા કરનાર મેયર મતદાનની તટસ્થતા જાળવવામાં અસમર્થ ?
જો કે બીજી એક આંખે ઊડીને વળગે એવી બાબત એ હતી કે કુલ આઠ ઉમેદવારોની ચૂંટણી કરવાની હતી ત્યારે ભાજપ શાસક પક્ષ દ્વારા નવમા ઉમેદવારને અપક્ષ તરીકે શા માટે ફોર્મ ભરવામાં આવ્યું ? જોકે સંખ્યા બળને ધ્યાનમાં લેતા ભાજપના ઉમેદવાર સંજય પાટીલને 106 મત મળે તો પછી 122 મત કેવી રીતે મળ્યા ? શું ભાજપના ઉમેદવારોને મળેલા તમામ બેલેટ પેપરના મત માં ક્યાંય ભૂલ હતી જ નહીં ? જો ભાજપના ઉમેદવારોને મળેલ બેલેટ પેપરમાં ક્યાંય ભૂલ ન હતી તો પછી મેયરે શા માટે વિપક્ષ ની માગણી મુજબ પુનઃ મત ગણતરી કરી બેલેટ પેપર બતાવવાનો ઇનકાર કર્યો ? વિધાનસભા લોકસભા સહિતની તમામ ચૂંટણીઓમાં પુનઃ મતગણતરી થાય છે તો પછી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં પુનઃ મતગણતરી નો ઇનકાર કેમ ? જોકે સવાલો અનેક છે પણ આ સવાલોના જવાબ રીટર્નિંગ ની ભૂમિકા અદા કરી રહેલ મેયર પાસે કોઈ જ નથી. જે દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક મતદાનની તટસ્થતા જળવાઈ નથી અને કોઈ એક પક્ષને ફાયદો કરાવવાની લાલસા રહી છે.
સભાગૃહમાં હોબાળો : વિપક્ષ સામે પોલીસ ફરિયાદ
જોકે વિપક્ષની માગણીનો મેયર દ્વારા ઈનકાર કરવામાં આવતા છેવટે રોષે ભરાયેલા વિપક્ષના સભ્યો ઉશ્કેરાઈ ગયા હતા અને ભારે ધમાચકડી મચાવી દીધી હતી. જોકે ક્યાંકને ક્યાંક વિપક્ષને ઉશ્કેરવાનો પ્રિ પ્લાનિંગ હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું હતું. ત્યારે મનપાના સીક્યુરીટી વિભાગના સુપર વાઈઝર શૈલેષ પટેલ દ્વારા આપના તમામ 27 નગરસેવકો અને 2 શિક્ષણ સમિતિના ઉમેદવાર રમેશ પરમાર અને રાકેશ હિરપરા વિરૂધ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેનેે લઈ વિપક્ષ દ્વારા લોકશાહી ના અવાજને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.