મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : ઊંઝા DY. SP. એ.બી.વાળંદ અને સ્થાનિક પોલીસે બાતમીના આધારે મામલતદાર કચેરી પાછળ આવેલી એક ક્લિનિંગ ફેકટરી માંથી વરિયાળી માંથી નકલી જીરું બનાવવાનો કાળો કારોબાર ઝડપી પાડ્યો હતો.જેની એફ.એસ.એલ.વિભાગને જાણ કરી તેના નમૂના લેવાયા હતા.ત્યારબાદ ફૂડ એન્ડ ડ્રગસ વિભાગને જાણ કરવા છતાં મોડે સુધી અહીં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ફરક્યું ન હતું.
છેવટે મોડે મોડે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરવાની ફરજ પડતાં સાંઈબાબા એસ્ટેટ પાસે આવેલ ભરત દાનાજી પટેલની પેઢી માંથી 1600 કિલો વરિયાળી કિંમત રૂપિયા 90 હજાર અને 60 કિલો લીલો કલર કિંમત રૂપિયા 3 હજાર નો જથ્થો જપ્ત કરી તેના નમૂના લઈ તપાસ અર્થે મોકલી આપ્યા હતા.જો કે આ ઘટના અંગે પોલીસ અને ફૂડ વિભાગ ફરિયાદ નોંધવામાં એકબીજાને ખો આપતું હોય એવો ઘાટ ઘડાયો હતો.
ઊંઝા શહેર અને આજુબાજુના હાઇવે પરના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ગોડાઉનો અને ક્લિનિંગ ફેક્ટરીઓમાં કેટલાક સ્થળો ઉપર વરિયાળીને કલર કરી જીરું બનાવવાનો ધીકતો ધંધો ચાલી રહ્યો હોવાનું પણ ઘણા સમયથી ચર્ચાઈ રહ્યું છે. પરંતુ પોલીસ અને ફૂડ વિભાગ આ બાબતે તપાસ કરવાને લઈને ઉદાસીનતા સેવી રહ્યું છે જેથી આવો કાળો કારોબાર કરનારા લોકોને છૂટો દોર મળી ગયો છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહયાં છે