મધર્સ ડે સ્પેશ્યલ : આ સફળ મહિલાઓ જણાવે છે તેમના જીવનમાં માતાનું યોગદાન, જાણીને તમેં પણ કહેશો ' મા એટલે મા '

મધર્સ ડે સ્પેશ્યલ : આ સફળ મહિલાઓ જણાવે છે તેમના જીવનમાં માતાનું યોગદાન, જાણીને તમેં પણ કહેશો ' મા એટલે મા '

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ ) :  ' જનની જન્મભૂમિ ચ સ્વર્ગાદપિ ગરીયસી'  અર્થાત જન્મ ભૂમિ અને જન્મદાતા એટલે કે મા સ્વર્ગ કરતાં પણ મહાન છે. મા નુ મહત્વ અમૂલ્ય છે. ભગવાને માતાનું સર્જન કર્યું ત્યારે તેમણે પોતાની તમામ શક્તિઓ માતાને પ્રદાન કરી હતી. કહેવાય છે કે ભગવાને પણ જો આ પૃથ્વી પર આવવું હોય તો માતાના કૂખે જન્મ લેવો પડે છે. આ દુનિયામાં મા ની મમતા સામે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ જ્યારે નતમસ્તક બની જાય છે ત્યારે સૃષ્ટિ ઉપર જન્મ લેનાર દરેક સજીવ ના જીવનમાં મા નુ મહત્વ અનેક ગણું છે. અનેક મહાપુરુષો ની સફળતા પાછળ પણ માતાનું યોગદાન રહ્યું છે. ત્યારે આજે 'મધર્સ ડે' નિમિત્તે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરનાર મહિલાઓના જીવનમાં તેમની માતા નું કેટલું યોગદાન રહ્યું છે તે જાણવાનો પ્રયાસ કરાયો હતો જેને અમે આપ વાચકો સમક્ષ મૂકી રહ્યા છીએ.

સફળ પ્રિસિપાલ બનવામાં મારી માતાનું મોટું યોગદાન : દીપિકાબેન શુક્લ

પ્રેસિડેન્સી સ્કુલ સુરત ના એક સફળ પ્રિન્સીપાલ તરીકે ફરજ અદા કરી રહેલ દીપિકાબેન શુક્લ જણાવે છે કે, મારી સફળતા પાછળ મારી માતા નો સિંહ ફાળો રહ્યો છે. મારી માતા એક શિક્ષિકા હતાં અને તેમણે મને જીવનમાં શિસ્તનું મહત્વ સમજાવ્યું. એક સફળ શિક્ષિકા થી લઈને સફળ પ્રિન્સિપાલ બનવા માં મારી માતાના સંસ્કારો નું મોટું યોગદાન રહ્યું છે.

મારી માતા મારી સાચી મિત્ર : ઝંખનાબેન પટેલ, ધારાસભ્ય ચોર્યાસી,સુરત

સુરત ચોર્યાસી ના ધારાસભ્ય ઝંખનાબેન પટેલ જણાવે છે કે મારી રાજકીય કારકિર્દીમાં મારી માતા નો સિંહ ફાળો રહ્યો છે. જ્યારથી મેં મારી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી ત્યારથી જ મારી માતાએ મને ખૂબ જ સપોર્ટ કરેલ છે. એટલું જ નહીં પરંતુ મારી માતા એ મારી મિત્ર સમાન છે.મારી સાસુ ( મધર ઇન લો )  નું પણ મારી રાજકીય કારકિર્દીમાં મોટું યોગદાન રહ્યું છે.

મારી માતા મારી ગુરુ, માર્ગદર્શક અને મિત્ર : ડો.આશાબેન પટેલ, ધારાસભ્ય ઊંઝા

ગુજરાતનાં સૌથી સક્રિય અને શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ વિજેતા ડો.આશાબેન પટેલ પોતાની માતાને જ પોતાની ગુરૂ માને છે. તેઓ જણાવે છે કે મારી શૈક્ષણિક અને રાજકીય કારકિર્દીની સફળતા પાછળ મારી માતા ની ભૂમિકા જ મહત્વની છે. મારા માટે મારી માતા એ જ મારી સાચી ગુરુ માર્ગદર્શક અને મિત્ર છે. માતાની મમતાનું મૂલ્ય અજોડ છે.

મધર અને મધર ઇન લો બંને મારી કારકિર્દીના સફળ સ્તંભ : હેમાલિબેન બોઘાવાલા, મેયર સુરત

સૂરતના પ્રથમ નાગરિક એવા મેયર હેમાલી બેન બોઘાવાલા જણાવે છે કે, મારી સફળતામાં મારી માતા અને મારા સાસુ કે જે મારી માતા સમાન છે આ બંનેનું ખૂબ જ યોગદાન રહ્યું છે. મારા લગ્ન થયા પછી સાસરે આવ્યા બાદ અમારી માતા સમાન સાસુ એ મને રાજકીય ક્ષેત્રમાં આગળ વધવામાં ખૂબ જ મદદ કરી છે.

મારી માતા મારી સફળતાનો પર્યાય : પાયલબેન સાકરીયા, નગરસેવક સુરત

ગુજરાતમાં સૌથી નાની ઉંમરમાં આમ આદમી પાર્ટીમાંથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નગરસેવક તરીકે વિજેતા થયેલ પાયલબેન સાકરીયા (ઉં.વ.23)  માતૃ દિવસ તરીકે ની શુભકામનાઓ પાઠવતા જણાવે છે કે, મારી અભિનેત્રી થી લઈને રાજકીય કારકીર્દિ સુધીના સમયગાળામાં મારી માતા એ જ મારી સફળતાનું એક માત્ર કારણ છે. કારણ કે આટલી નાની ઉંમરમાં જ્યારે મેં ફિલ્મ આલ્બમ બનાવવાનું શરૂ કર્યું ત્યારે પણ સામાજિક દ્રષ્ટિએ મારી ટીકા થતી. ત્યાર બાદ રાજકારણમાં ઝંપલાવ્યું ત્યારે પણ સતત સામાજિક દ્રષ્ટિએ મારી ટીકા થતી હતી. પરંતુ મારી માતાએ મને આ ટીકાઓ તરફ ધ્યાન ન આપવા અને માત્ર કારકિર્દીમાં આગળ વધવા માટે પૂરતો સપોર્ટ આપ્યો જેના લીધે આજે હું નાની વયમાં આટલી સફળ કારકિર્દી સુધી પહોંચી છું અને આજે મારી ટીકા કરનારા લોકો પણ હવે મારી સફળતાની પ્રશંસા કરવા લાગ્યા છે. અર્થાત્ એક માતા જ સંતાન ની સાચી ઘડનાર છે.