પ્રેમમાં બંધાયેલ શારીરિક સંબંધ રેપ ન કહી શકાય : અલ્હાબાદ હાઈકોર્ટ
મો.ન્યુ.ફો.નેટવર્ક : અલાહાબાદ હાઈકોર્ટે પ્રેમ પ્રકરણ દરમિયાન શારીરિક સંબંધોને લઈને મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. વાત જાણે એમ છે કે, હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, આ બળાત્કાર નથી. એક યુવતીની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે આ નિર્ણય આપ્યો છે. જેમાં યુવતીએ આરોપ લગાવ્યો છે કે, તે એક યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. આ દરમિયાન આરોપીએ તેની સાથે બળાત્કાર કર્યો અને બાદમાં તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી.
સંત કબીર નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આ કેસ સુનાવણી અને અપીલ દરમિયાન હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. બંને પક્ષોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપતાં સ્વીકાર્યું છે કે, બળાત્કાર સમયે પીડિત યુવતી પુખ્ત હતી અને તેણે પોતાની મરજીથી આરોપી યુવક સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આવી સ્થિતિમાં આવા સંબંધને કોઈ પણ દૃષ્ટિકોણથી બળાત્કાર ન કહી શકાય. આ સાથે હાઈકોર્ટે યુવતીની અરજી રદ કરી દીધી છે. આ કેસની સુનાવણી જસ્ટિસ અનીશ કુમાર ગુપ્તાની કોર્ટમાં થઈ હતી.