સુરત : VNSGU ના ગુજરાતી વિભાગના પ્રો. ડો.પન્ના ત્રિવેદી ને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર ખાતે CM ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે પારિતોષિક એનાયત
નર્મદ યુનિ.ના ગુજરાતી વિભાગના પ્રોફેસર ડૉ.પન્ના ત્રિવેદીને વાર્તાસંગ્રહ 'બરફના માણસો' માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પારિતોષિક એનાયત
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે પારિતોષિક મેળવતા ડૉ.પન્ના ત્રિવેદી
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૧ માં ગુજરાતી ભાષા-સાહિત્યના વિવિધ સાહિત્ય સ્વરૂપના શ્રેષ્ઠ પુસ્તકોના પારિતોષિક જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરતના ગુજરાતી વિભાગનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.પન્ના ત્રિવેદીને પ્રૌઢ વિભાગના ટૂંકી વાર્તા સ્વરૂપમાં તેમના વાર્તાસંગ્રહ ‘બરફના માણસો’ને પ્રથમ પારિતોષિક રૂ. ૧૧,૦૦૦/- એનાયત કરવામાં આવ્યું હતું. જે યુનિવર્સિટી માટે ગૌરવપૂર્ણ બાબત છે. આ પારિતોષિક તેમને તા:૨૦મી ફેબ્રુ.નારોજ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એનાયત કરાયું હતું.
ડૉ. પન્ના ત્રિવેદી અનુઆધુનિકયુગનાં સુપ્રસિદ્ધ વાર્તાકાર હોવાની સમાંતરે કવયિત્રી, વિવેચક, સંશોધક, અનુવાદક તથા સંપાદક છે. તેમની સર્જનયાત્રાના પ્રવાસી બનવા ગુજરાતી ભાવકો હરહંમેશા ઉત્સુક રહ્યા છે. નાની વયે લેખનકાર્ય કરનારાં ડૉ.પન્ના ત્રિવેદી પાસેથી સાહિત્ય જગતને ત્રીસેક પુસ્તકો સાંપડ્યાં છે. પ્રતિભાશાળી અધ્યાપિકા ડૉ.પન્ના ત્રિવેદી વિદ્યાર્થીઓને સાહિત્ય પ્રત્યે અભિમુખ કરવા નિરંતર પ્રયાસ કરતા રહે છે. એક સર્જકરૂપે વિષયવૈવિધ્ય અને સંવેદન અભિવ્યક્ત કરવાની અનેરી શૈલી તેમના સમકાલીન સર્જકોમાં તેમને અલાયદું સ્થાન અપાવે છે. તેમનાં પુસ્તકો પ્રત્યેક વર્ગના અને વયના વાચકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યાં છે. આકાશવાણી કેન્દ્ર વડોદરા, સુરત તેમજ દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ પરથી અવારનવાર તેમની રચનાઓ પ્રસારિત થતી રહે છે.
સાહિત્ય અકાદમી, દિલ્લી દ્વારા આયોજિત ભારતીય ભાષાના પરિસંવાદોમાં ગુજરાતી સર્જક તરીકે અનેક વાર તેમણે પ્રતિનિધિત્વ કર્યું છે. ડૉ.પન્ના ત્રિવેદીનું સર્જનાત્મક લેખન કલાકીય પરિપક્વતાનું દર્પણ બની રહે છે, તો કૃતિના મૂળ સુધી પહોંચીને થયેલા તલસ્પર્શી અભ્યાસને કારણે તેમના લેખો વિદ્વાનો તથા સમીક્ષકો દ્વારા પોંખાયા છે. ગુજરાતી તેમજ અન્ય ભારતીય સાહિત્ય ઉત્સવમાં વિવિધ વિષય પર સંવાદ કરનાર ડૉ.પન્ના ત્રિવેદીએ એક વાર્તાકારરૂપે જનસમુદાયમાં અપાર ચાહના મેળવી છે. તેમની અનેક વાર્તાઓ તથા કવિતાઓ મૈથિલી, પંજાબી, અંગ્રેજી, હિન્દી, ઉડિયા તથા આસામી ભાષામાં અનુવાદિત થઈ અનેક ભારતીય ભાવકો સુધી પહોંચી છે. આ ઉપરાંત તેમની કેટલીક વાર્તાઓ આસામમાં SCERT શિક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત અભ્યાસક્રમમાં સ્થાન પામી છે.