સત્ય અને જ્ઞાનની નદી તો વહેતી જ રહે છે

સત્ય અને જ્ઞાનની નદી તો વહેતી જ રહે છે

Mnf network: વૃક્ષ જે રીતે જૂનાં પાન ખેરવીને નવું અને તાજું રહે છે. એ જ રીતે માણસે પણ તાજા રહેવું જોઈએ

જિંદગીના લાંબા પટમાં ક્યારેક એવું લાગે છે કે અમુક બાબતોમાં આપણે જાણે કે, આગળ વધવાને બદલે પાછળ જઈ રહ્યા છીએ.

માનવજાતે જે કાંઈ પ્રગતિ કરી છે એ વિજ્ઞાન અને સત્યને આભારી છે. વિજ્ઞાન અને સત્યનો સ્વીકાર કરનારને હંમેશા ફાયદો થાય છે. એને આવકારવા માટે હંમેશા મનના કમાડ ખુલ્લા રાખજો. 

જે સંસ્કારોમાં આપણે જન્મ્યા હોઈએ અને ઉછર્યા હોઈએ તે નકામાં છે એવું જાણતા હોવા છતાં આપણે તેને તજી શક્તા નથી. સદીઓ પહેલાં આપણા પૂર્વજો જે કાંઈ કરતા હતા એ એમના માટે જરૂરી હશે, પરંતુ આજે પણ આપણે એ જ રીતે જીવવું જરૂરી નથી. 

વૃક્ષ જે રીતે જૂનાં પાન ખેરવીને નવું અને તાજું રહે છે. એ જ રીતે માણસે પણ તાજા રહેવું જોઈએ. પ્રકૃતિના નિયમ મુજબ તાજી વસ્તુ જીવંત છે અને વાસી વસ્તુ મૃત થઈ જાય છે. 

દુનિયા બહુ ઝડપથી આગળ ઘસી રહી છે. વિજ્ઞાન-ટેકનોલોજીમાં જે ઝડપથી સંશોધનો થઈ રહ્યા છે એ અકલ્પનીય છે. ખાસ કરીને આજના યુવાનો એનાથી વંચિત ન રહી જાય એ માટે એમને વૈજ્ઞાનિક અભિગમ કેળવતાં શીખવવું જોઈએ. 

વિજ્ઞાન સત્યને જાણવા માટે છે. આપણે નક્કી કરી નાખેલાં કાલ્પનિક આધાર વિનાનાં મનઘડત સત્યોને સાબિત કરવા મટો નથી. મોટા ભાગના માણસો વિજ્ઞાન દ્વારા કશું નવું શીખવાના બદલે પોતે જ કાંઈ માનતા હોય અથવા તો જૂની રૂઢીઓ એમનામાં જડ ઘાલીને બેઠી હોય, એને પુષ્ટિ આપવા જ એનો ઉપયોગ કરતા હોય છે. 

નવી વાતને આપણે જલદી સ્વીકારી કે પચાવી શક્તા નથી. બાળક જ્યારે પહેલીવાર જાણે છે કે માથા ઉપરનો આસમાની ધુમ્મટ માત્ર ખાલી જગ્યા છે ત્યારે તે આઘાત અનુભવે છે. આકાશ-જેને એ પોતાની નજરે જુએ છે, તે માત્ર ખાલી જગ્યા કઈ રીતે હોઈ શકે? અને ખાલી જગ્યા હોય તો કેટલી હશે? પછી શું હશે? એની સમજમાં કોઈ રીતે એ વાત ઊતરતી નથી. 

એવું જ જ્ઞાન-વિજ્ઞાનની દરેક બાબતનું છે. દરેક નવી વાતથી માણસ આઘાત અનુભવે છે. પરંતુ સાચી વાત એના શુદ્ધ સ્વરૂપે સ્વીકારવાથી જ માનવજાતનું ભલું થયું છે. સત્યનો જ્યારે આપણે સ્વીકાર કરતા નથી ત્યારે આપણને નુકસાન જ જાય છે. સત્યનો ઈન્કાર કરવાથી એનું અસ્તિત્વ મટી જતું નથી. 

ગેલિલિયોએ પોતાની કીંમતી જિંદગી ખરચી નાખીને, અનેક સંશોધનો કરીને અનેકવાર ખાતરીઓ કર્યા પછી જ્યારે જાહેર કર્યું કે, સૂર્યમાં ડાઘ છે ત્યારે લોકો એના ઉપર ઉકળી ઊઠ્યા. સૂર્યને તો લોકો દેવ માનતા હતા. એમાં ડાઘ કઈ રીતે હોઈ શકે? 

ગેલિલિયોએ ઘણા માણસોને એ ડાઘ બતાવ્યા. છતાં, લોકો એ વાત સ્વીકારવા તૈયાર ન હોતા. સૂર્યદેવમાં ડાઘ હોઈ શકે જ નહીં, દૂરબીન ખોટું. ગેલિલિયોને એમણે ધાર્મિક માન્યતાઓની વિરુદ્ધની વાત કરવા બદ જેલમાં પૂરી દીધો. લોકોને ગેર રસ્તે દોરવા બદલ અને જૂઠી વાતો કરવા બદલ ધર્મગુરુઓએ તેને માફી માગવા કહ્યું. ગેલિલિયો શરૂઆતમાં તો પોતાની વાત ઉપર અડગ રહ્યો, પરંતુ એને એટલો ત્રાસ અપાયો કે આખરે એ ભાંગી પડ્યો અને છેવટે એણે કબૂલ કરી લીધું કે, સૂર્યમાં ડાઘ હોવાની વાત ખોટી છે. પોતે પાપ કરેલ છે અને એ બદલ પોતે માફી માગે છે. 

જગતના અનેક સંશોધકોની બાબતમાં આવું બન્યું છે. કેટલાકને મારવામાં આવ્યા હતા તે કેટલાકની કતલ કરી નાખવામાં આવી હતી. સાચી વાત કહેવા બદલ જગતના મહાન સંશોધકોએ આજે તો કલ્પી પણ ન શકાય એવાં જુલમ અને યાતનાઓ સહન કર્યા હતાં. 

અને, આવી યાતનાઓ આપનારા સામાન્ય માણસો નહોતાં. પણ એ સમયના મોટા પંડિતો અને વિદ્વાનો હતાં. એવાં પંડિતો કે જેમના મગજ જૂની વાતોથી ભરાયેલાં હતાં. નવા જ્ઞાન માટે એ મગજમાં કોઈ જગ્યા જ નહોતી.

એકવાર ઝેન ગુ નાન-ઈન પાસે એક વિદ્વાન પ્રોફેસર આવ્યા. ગુરુને કહ્યું, `મને ઝેન વિષે જ્ઞાન આપો.' 

નાન-ઈને કહ્યું, `ચાલો પહેલાં આપણે થોડી ચા પીએ.' 

બંને બેઠા. ઝેન ગુરુએ ચાની કીટલી લઈને કપમાં આ રેડવાનું શરૂ કર્યું. કપ ભરાઈ ગયો છતાં તેમણે તો ચા રેડવાનું ચાલુ જ રાખ્યું. 

એ જોઈને પ્રોફેસરથી ઉતાવળે બોલી જવાયું, `અરે, કપ તો ભરાઈ ગયેલો છે. ચા તો ઊભરાઈને બહાર ઢોળાય છે.' 

`હું પણ એ જ કહું છું' ઝેન સાધુએ કહ્યું, `જે (મગજ) ભરાઈ ગયેલું હોય, એમાં કઈ રીતે નવું કશું સમાઈ શકે?' 

જે પોતાને વિદ્વાન માને છે એનું મગજરૂપી પાત્ર હંમેશા છલોછલ ભરેલું જ રહે છે એટલે એમાં નવું કશું ઉમેરી શકાતું નથી. જે જૂનું હોય છે એ તો વાસી થઈ ગયેલું હોય છે. હંમેશા વાસી વસ્તુઓ દૂર કરતા રહીને તાજી વસ્તુઓ માટે જગા કરતા રહેવું જોઈએ. 

એક વખત પ્રતિષ્ઠા આપનારી વસ્તુ સમય જતાં હાસ્યાસ્પદ પણ બની શકે છે. એટલે જૂની માન્યતાઓ, રૂઢીઓ અને અજ્ઞાનને સંગ્રહી રાખવાના બદલે એને તજી દેતાં શીખવું જોઈએ. 

અહીં એક વાત એ પણ યાદ રાખવી જોઈએ કે વિજ્ઞાનની કેટલીક વાતો પણ, માન્યતાઓ પણ બદલાયા કરે છે. એક માન્યતા આજે જે રૂઢ થઈ ગઈ હોય તે સમય જતાં ખોટી પણ સાબિત થઈ શકે છે. આખરી સત્ય જે હોય એને સ્વીકારતા શીખવું જોઈએ. સત્યના પાવર હાઉસમાં વીજળી ઉત્પન્ન થયા જ કરે છે એનો ઉપયોગ કરવાથી દીવો થઈ શકે છે. ઉપયોગ નથી થઈ શક્તો તો અંધારામાં અથડાતાં રહેવું પડે છે. 

સત્ય અને જ્ઞાનની નદી વહેતી જ રહે છે, એ માટે નદી આપણી ઓશિયાળી નથી, એમાં ડૂબકી મારે છે એ સ્વચ્છ થાય છે કે એમાંથી પાણી પીએ છે એની તરસ છીપે છે.