દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ, પીએમ મોદી આજે કરવાના છે જેનુ ઉદઘાટન.
Surat Diamond Bourse Photos: સુરત ડાયમંડ બૂર્સની તસવીરો સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતમાં સુરત ડાયમંડ બૂર્સનું ઉદઘાટન કરવા જઈ રહ્યાં છે, જે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ હોવાનું કહેવાય છે.
સૌથી ઉંચી પ્રતિમા બાદ હવે વિશ્વની સૌથી મોટી ઓફિસનો રેકોર્ડ ભારતના નામે થવા જઈ રહ્યો છે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.
આ રેકોર્ડ સુરત ડાયમંડ બૂર્સના નામે નોંધાશે, જે સુરતના હીરા ઉદ્યોગમાં મૂલ્ય વધારશે. હીરા અને જ્વેલરીના આંતરરાષ્ટ્રીય વેપાર માટે આ વિશ્વનું સૌથી મોટું અને સૌથી આધુનિક કેન્દ્ર હશે.
સુરત ડાયમંડ બૂર્સમાં રફ અને પૉલિશ્ડ બંને હીરાનો વેપાર થશે. આ અત્યાધુનિક બૂર્સમાં આવી ઘણી સુવિધાઓ હશે, જે હીરા અને ઝવેરાતના વ્યવસાયને સરળ બનાવવા અને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ સાબિત થશે.
સુરત ડાયમંડ બૂર્સમાં આયાત-નિકાસ માટે આધુનિક કસ્ટમ ક્લિયરન્સ હાઉસ, રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મૉલ, ઇન્ટરનેશનલ બેન્કિંગ ફેસિલિટી અને સેફ વૉલ્ટ વગેરે બનાવવામાં આવ્યા છે.
સુરત ડાયમંડ બૂર્સનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. તે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ હોવાનું ગૌરવ ધરાવે છે.
વડાપ્રધાન કાર્યાલયે માહિતી આપી છે કે સુરત ડાયમંડ બૂર્સના ઉદઘાટન સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત જિલ્લામાં હશે. આ ઉપરાંત તેઓ સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ ગિફ્ટ કરશે.
આ ઈમારત 67 લાખ ચોરસ ફૂટમાં બનેલી છે અને તેના નિર્માણમાં લગભગ 3,500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ બિલ્ડિંગમાં લગભગ 4,500 ડાયમંડ ટ્રેડિંગ ઓફિસ એક સાથે કામ કરી શકે છે.
આ સમગ્ર બિલ્ડિંગમાં 15 માળના 9 ટાવર છે. જેમાં 300 ચોરસ ફૂટથી લઈને 1 લાખ ચોરસ ફૂટ સુધીની ઓફિસો બનાવવામાં આવી છે. આ ઈમારતને ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ તરફથી પ્લેટિનમ રેટિંગ પણ મળ્યું છે.