ઊંઝા વિધાસનસભા ના છે ત્રણ મહત્વના રેકર્ડ : 1962 થી 2019 સુધીનો જાણો ઇતિહાસ

ઊંઝા વિધાસનસભા ના છે ત્રણ મહત્વના રેકર્ડ : 1962 થી 2019 સુધીનો જાણો ઇતિહાસ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે હવે તમામ રાજકીય પક્ષો પણ સજ્જ ધજજ કે તૈયાર થઈ ગયા છે. ગુજરાતમાં આ વખતે માત્ર ભાજપ અને કોંગ્રેસ જ નહીં પરંતુ ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. ત્યારે ગુજરાતમાં ત્રિપાંખીયોઓ જંગ જામશે. આ વખતે ગુજરાતમાં ભાજપ માટે કપરા ચઢાણ હોવાનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે કોંગ્રેસે આમ આદમી પાર્ટી નો ટેકો લેવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભાજપ માટે જીત દિવસે દિવસે મુશ્કેલ બની રહી છે. જોકે કેટલીક વિધાનસભા બેઠકો પર ભાજપનું વર્ચસ્વ વર્ષોથી રહ્યું છે. ત્યારે આવી જ એક વિધાનસભા એટલે ઉત્તર ગુજરાતની રાજનીતિનું મહત્વનું કેન્દ્ર ગણાતી ઊંઝા વિધાનસભા જે ભાજપનો ગઢ માનવામાં આવે છે.

ઊંઝા વિધાનસભામાં ઊંઝા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત વડનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે વડનગર એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મૂળ વતન છે.ત્યારે આવો જોઈએ ઊંઝા વિધાનસભાની બેઠકનું શું છે ગણિત. ઊંઝા વિધાનસભા ના કયા મતદારોનું આ બેઠક પર વર્ષોથી રહ્યું છે પ્રભુત્વ.

આધારભૂત સ્ત્રોત પરથી મળતી માહિતી મુજબ વડનગરમાં કુલ આશરે 1,17,655 અને ઊંઝામાં શહેરમાં આશરે 57108 અને ગ્રામ્ય વિસ્તારના 122,433 મળી કુલ ઊંઝા વિધાનસભાના  2,97,196 અર્થાત ત્રણ લાખ જેટલા મતદારો છે. વડનગરમાં 60340 પુરુષ મતદારો અને 57,315 સ્ત્રી મતદારો નો સમાવેશ થાય છે.

જો કે આ વિધાનસભા સીટ પર પાટીદાર મતદારોનું ભારે વરસાદ રહ્યું છે કારણ કે 35.4% પાટીદાર મતદારો છે.આ ઉપરાંત આ વિધાનસભા સીટ પર વડનગર અને ઊંઝાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં લઘુમતી મતદારો પણ ખૂબ જ અસરકારક ભૂમિકા માં રહેતા હોય છે.

જો વાત કરીએ વોટ શેરની તો 2012 માં ભાજપનો વોટ શેર 55.78 અને કોંગ્રેસનો વોટ શેર 37.95 ટકા હતો. 2012માં આ બેઠક પરથી ભાજપના નારાયણભાઈ લલ્લુદાસ પટેલ જીત્યા હતા. જ્યારે 2017 માં ભાજપ નો વોટ શેર 40.71 અને કોંગ્રેસનો વોટ શેર 53.47 ટકા હતો. જેમાં 2017માં કોંગ્રેસમાંથી ડો. આશાબેન પટેલ ની જીત થઈ હતી પરંતુ તેમણે કોંગ્રેસ છોડી કેસરિયો ધારણ કરતા 2019 માં યોજાયેલી પેટા ચૂંટણીમાં ફરીથી ડો. આશાબેન પટેલ ભાજપ માંથી જીત્યા હતા.અત્રે નોંધનીય છે કે 2017 ની ચૂંટણીમાં 2912 મત નોટા માં પડ્યા હતા.

અત્રે નોંધનીય છે કે 2022 માં યોજવા જઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં વડનગર અને ઊંઝા એમ બંને જગ્યાએ મતદારોમાં વધારો થયો હોઈ શકે છે. જેમાં યુવા મતદારો મહત્વની ભૂમિકામાં રહેશે. જોકે ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષમાંથી જીત પ્રાપ્ત કરનાર એકમાત્ર ધારાસભ્ય ડો. આશાબેન પટેલ નો રેકોર્ડ રહ્યો છે. જોકે 2022 માં યોજવામાં જઈ રહેલી ચૂંટણીમાં આ વખતે ભાજપ કોંગ્રેસ ઉપરાંત ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે ત્યારે ઊંઝા બેઠક પર રસાકસીનો ભારે જંગ જામશે એ વાત સુનિશ્ચિત છે.

ઊંઝા વિધાનસભાનો ઇતિહાસ

ઊંઝા વિધાનસભામાં 1962 થી 2019 સુધી કોણ બન્યું વિજેતા તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

1962 માં INC ના અંબાલાલ મોહનલાલ પટેલ વિજેતા બનેલ.

1967 માં પી.એસ.મોહનલાલ વિજેતા બનેલ.

1972 માં શંકરલાલ મોહનલાલ ગુરુ INC માંથી વિજેતા બનેલ.

1975 માં કાંતિલાલ મણિલાલ પટેલ વિજેતા બનેલ.

1980 કાનજી લલ્લુદાસ પટેલ જનતા પાર્ટી માંથી વિજેતા બનેલ.

1985 અને 1990 માં ચીમનભાઈ પટેલ જનતા પાર્ટી અને જનતા દળ માંથી વિજેતા બની મુખ્યમંત્રી બનેલ.

1995 થી લઈ 2012 સુધી ભાજપ માંથી નારાયણભાઈ લલ્લુદાસ પટેલ વિજેતા બનેલ અને સતત 17 વર્ષ સુધી ઊંઝા સીટ પર શાસન કરવાનો રેકર્ડ બનાવેલ છે. 

2017 માં પટેલ નારાયણ લલ્લુદાસ ના શાસનનો અંત આવ્યો અને કોંગ્રેસ માંથી ડો.આશાબેન પટેલ વિજેતા બન્યાં.

ડો.આશાબેન પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપ નો ખેસ ધારણ કરતાં 2019 માં યોજાયેલ  પેટા ચૂંટણીમાં ફરીથી ડો.આશાબેન પટેલ ભાજપ માંથી પણ વિજેતા બન્યાં.

ઊંઝા વિધાનસભા સીટના ત્રણ મહત્વના રેકર્ડ

ઊંઝા સીટ પરથી વિધાનસભાની ચૂંટણી જીતી મુખ્યમંત્રી બનનાર એકમાત્ર નેતા ચીમનભાઈ પટેલ હતા. તો વળી ઊંઝા વિધાનસભા સીટ પર 17 વર્ષ સુધી એક ધારું શાસન કરનાર એકમાત્ર નેતા નારાયણભાઈ લલ્લુદાસ પટેલ રહ્યા છે. જ્યારે કોંગ્રેસ અને ભાજપ એમ બંને પક્ષમાંથી નોંધપાત્ર જીત મેળવનાર શ્રેષ્ઠ અને સક્રિય એવા ધારાસભ્ય ડો. આશાબેન પટેલ નો રેકોર્ડ અનબ્રેક રહ્યો છે