ઊંઝા નગર પાલિકાના સૌથી નાની વયના કોર્પોરેટરે મૂક્યો એવો પ્રસ્તાવ કે જાણીને નગરજનો થશે રાજીના રેડ
ભાવેશ પટેલ ઊંઝા નગર પાલિકાના સૌથી નાની વયના છે કોર્પોરેટર
સૌથી ઓછો ચૂંટણી ખર્ચ કરી ચૂંટણી જીત્યા
શરૂઆતથી જ સેવા કાર્યોમાં છે અગ્રેસર.ઊંઝાના સૌથી નામાંકિત ફાયરબ્રાન્ડ નેતા ગણાય છે.
મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઊંઝા નગરપાલિકામાં ભાજપના 19 કોર્પોરેટરો તેમજ કામદાર પેનલના 15 કોર્પોરેટરો અને બે અપક્ષ કોર્પોરેટરો ની જીત થઈ છે. જેમાં વોર્ડ નંબર બે માંથી અપક્ષ કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા ભાવેશ પટેલે ચૂંટણી જીતતા ની સાથે જ પોતાના પ્રજાકીય સેવા કાર્યો આરંભી દીધા છે. જોકે ભાવેશ પટેલ શરુઆતથી જ સેવા કાર્યો માં અગ્રેસર રહ્યા છે. ત્યારે હવે સૌથી નાની વયના ઊંઝા નગરપાલિકાના કોર્પોરેટરે ઊંઝા નગરપાલિકા ને ડિઝીટલાઈઝ કરવાની માંગ કરી છે.
ભાવેશ પટેલે નગરપાલિકાના ચીફ ઓફિસરને આ અંગે એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે સરકારના ડિજિટલ ભારતના અભિયાન અંતર્ગત ઊંઝા નગરપાલિકા ને પણ ડિજિટલાઈઝ કરવામાં આવે જેથી લોકો સરળતાથી નગરપાલિકાની સેવાઓનો લાભ લઇ શકે અને ઘરે બેઠા બેઠા જ તેઓ પોતાના ટેકસ સહિત નાણાં ચૂકવી શકે તો વળી જરૂરી દસ્તાવેજો માટે તેઓ ઘરે બેઠા બેઠા અરજી કરી શકે જેથી તેમના સમય અને નાણાંનો વ્યય થતો અટકે.