ઉકાઈ ડેમ હાઈ એલર્ટ પર : સપાટી 341.89 ફૂટ પહોંચી : તાપી કાંઠાના ગામ સંપર્ક વિહોણા
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ચોમાસુ શરૂ થતાની સાથે જ ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધતી રહી છે. આ વખતે પણ વરસાદી મોસમ યથાવત સ્થિતિમાં રહેતા ગત વર્ષની જેમ આ વખતે પણ પાણીની કોઈ તકલીફો ઊભી થાય તેવી સ્થિતિ દેખાતી નથી. જોકે, હાલ વહીવટી તંત્ર માટે ચિંતાજનક સ્થિતિ એટલા માટે છે કે પાણીની આવક સતત વધી રહી છે. સતત પાણીની આવકથી સપાટી 341.89 ફૂટ પર પહોંચી છે. હાલ પાણીની આવકમાં 4.60 લાખ ક્યુસેક અને જાવક 2.50 લાખ કયુસેક છે. ઉપરાંત ડેમ 90 ટકા કરતાં વધુ ભરાય ગયો છે.
ઉકાઈ ડેમની સપાટી 341.89 ફૂટ
તાપી નદી પરના ઉકાઈ ડેમમાંથી આજરોજ બપોરના 4 વાગ્યા સુધીમાં ઉપરવાસની પરિસ્થિતી ધ્યાન લઇ 2,50,000 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલમાં ઉકાઇ ડેમની સપાટી 341.89 ફૂટ છે. જોકે, ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલ પાણીની આવકમાં અધધધ વધારો થઈ રહ્યો છે. જેના કારણે પાણી છોડાતા જિલ્લાના લો લેવલ પુલિય પાણીમાં ડૂબ્યા છે. જેના કારણે કેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તેમજ રાઉન્ડ ધ ક્લોક ઉકાઈ ડેમનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
તાપી નદી કિનારા અસરગ્રસ્ત ગામો
(1) બલાલતીર્થ, કાકરાપાર (2) વરેઠ (3) નાનીચેર (4) મોટીચેર, રતનીયા (6) તરસાડાબાર (7) માંડવી (8) વાધનેરા (9) ઉશ્કેરખુર્દ (10) પુના (11) કાકડવા (12) ખેડપુર (13) વરજાખણ (14) જાખલા (15) કોસાડી (16) ઉન (17) ઉમરસાડી (18) કમલાપોર (19) પાટણા (20) વરેલી (21) બૌધાન ગામોને માંડવી મામલતદાર દ્રારા સાવચેતીના પગલાઓ લેવા માટે તલાટી સરપંચોને એલર્ટ કરવામાં આવ્યા છે.