ઊંઝા પાલિકામાં જીત મેળવનાર ભાજપ શાનમાં સમજી લેજો : પૂર્વ કોર્પોરેટર ની સોશ્યલ મીડિયા પોસ્ટ થી રાજકીય હડકંપ !
મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચૂના ) : ઊંઝા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ બહુમતી મેળવીને સત્તા સાથે પ્રમુખ પદની રેસમાં સફળ રહ્યું છે ત્યારે જોકે 22 બેઠકો બિનહરીફ કરી શકનાર ભાજપ ચાર થી પાંચ સીટો ઉપર જનતાનો વિશ્વાસ જીતી શક્યું નથી. પરિણામે આ બેઠકો ઉપર અપક્ષોની જીત થઈ છે જે ક્યાંક ને ક્યાંક દર્શાવે છે કે આ વિસ્તારના મતદારો ભાજપથી નારાજ હોઈ શકે છે. ચૂંટણીના આ પરિણામો વચ્ચે પૂર્વ કોર્પોરેટરે સોશિયલ મીડિયામાં ઊંઝા ન.પા. ના સોશ્યલ મીડિયા પેજ ને ટેગ કરી મૂકેલી પોસ્ટે એક નવો વિવાદ સર્જ્યો છે.
સમગ્ર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 ની ચૂંટણી ખૂબ જ રસાકસી ભરી હતી એટલું જ નહીં આ સીટ ઉપર જીત મેળવવા માટે ભાજપે એડીચોટી નું જોર લગાવ્યું હતું. અપક્ષ માંથી ચૂંટણી લડી રહેલા ભાવેશ પટેલને હરાવવા માટે વોર્ડ નંબર 2 માં ભાજપની આખી ફૌજ ઉતારવી પડી હતી જે ખરેખર આવડી મોટી પાર્ટી માટે ખૂબ જ શરમજનક બાબત ગણી શકાય કારણ કે આ મતદારોનો વિશ્વાસ સંપૂર્ણપણે જીતવામાં ભાજપ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યું છે. જોકે પરિણામોમાં વોર્ડ નંબર 2 માં ભાજપ જીત્યું તો ખરું પરંતુ માંડ માંડ જીત્યું છે ત્યારે આ જીત પાછળ ભાજપે સામ, દામ, દંડ અને ભેદની નીતિ પડદા પાછળ અખત્યાર કરી હોય તો પણ નવાઈ નહીં !

વોર્ડ નંબર 2 માં ચૂંટણી જીતવામાં ક્યાંક ને ક્યાંક પાછળ રહેલા અપક્ષ ઉમેદવાર ભાવેશ પટેલ હંમેશ માટે ઊંઝા ની જનતાનો અવાજ ઉઠાવતા રહ્યા છે એટલું જ નહીં તેમણે અવારનવાર ઊંઝા ની સમસ્યાઓને લઈને મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન કાર્યાલય સુધીના દ્વાર પણ ખખડાવ્યા છે અને લોકોની સુખાકારીઓ માટે નિસ્વાર્થ ભાવે તેઓ લડત લડતા રહ્યા છે ત્યારે ચૂંટણીના પરિણામો બાદ ભાવેશ પટેલે સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટ ને લઈને ભારે હડકંપ મચ્યો છે કારણ કે આ પોસ્ટ દ્વારા તેમણે કોની તરફ ઈશારો કર્યો છે તેને લઈને તરેહ તરેહની એની ચર્ચાઓ શરૂ થઈ છે.
ભાવેશ પટેલની સોશિયલ મીડિયા પોસ્ટ....
મેદાન નથી છોડ્યું... મેદાનમાં જ છું...
ભ્રષ્ટાચારીઓ ભૂતકાળ યાદ રાખજો...
ઊંઝા નગરપાલિકા એ મારા માટે કર્તવ્ય પથ छे...
સરદાર પટેલ સેવા સદન એ સમગ્ર ઊંઝા નગરવાસીઓનું સ્વાભિમાન છે...
અત્રે નોંધનીય છે કે ભાવેશ પટેલની હારને લઈને ઊંઝા ના જાગૃત નાગરિકોમાં ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળી રહી છે, કારણ કે ભાવેશ પટેલ એકમાત્ર ઊંઝાના એવા ફાયર બ્રાન્ડ નેતા છે જેઓ હંમેશા કોઈપણ પ્રકારની રાજકીય ફાયદાઓની ચિંતા કર્યા સિવાય સતત નગર માટે અને નગરના વિકાસ માટે સત્તા સામે અવાજ ઉઠાવતા રહ્યા છે. ભૂતકાળમાં તેમણે નગરપાલિકામાં ચાલતા અનેક કૌભાંડોનો પર્દાફાશ પણ કર્યો હતો. જેને લઈને તત્કાલીન ભાજપ શાસકોએ સત્તાના જોરે ભાવેશ પટેલને પોતાના પદ પરથી સસ્પેન્ડ કરાવ્યા હતા અને લોકશાહીનું પરોક્ષ રીતે ગળું દબાવવાની કોશિશ કરી હતી. પરંતુ આ તત્કાલીન શાસકો સામે ઝુક્યા વિના ભાવેશ પટેલે છેવટે પોતાની લડત ચાલુ રાખી હતી અને ભ્રષ્ટાચારીઓને ઉઘાડા પાડ્યા હતા. ત્યારે તાજેતરમાં ભાવેશ પટેલે કરેલી આ પોસ્ટ કોની તરફ ઈશારો કરે છે એ તો હવે નગરજનો એ નક્કી કરવું રહ્યું !