બુદ્ધિશાળી સ્ત્રી મિત્ર કે પ્રેમિકા તરીકે ચાલશે પરંતુ પત્ની તરીકે નહીં ચાલે!!
સમય અગાઉ લંડનથી પ્રસારિત થતા ‘‘ધી સન્ડે ટાઇમ્સ’’માં નોટીંગહામ યુનિવર્સિટીના સાયકોલોજીના પ્રોફેસર પૌલ બ્રાઉને પોતાના એક અભ્યાસના રસપ્રદ તારણો રજુ કર્યા. એડીનબર્ગ, ગ્લાસગો, બ્રિસ્ટોલ અને અબેરદીન યુનિવર્સીટી દ્વારા કરાયેલા આ અભ્યાસમાં લગભગ નવસો જેટલા સ્ત્રી-પુરૂષનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસના તારણો એમ કહે છે કે પુરૂષો માટે ઉંચો બુદ્ધિઆંક લગ્નના બજારમાં મહામૂડી સમાન છે, જ્યારે સ્ત્રીઓ માટે ઉંચો બુદ્ધિઆંક લગ્ન કરવામાં આડે આવે છે!! સરળ અર્થમાં કહીએ તો બુદ્ધિશાળી પુરૂષોને જીવનસાથી આસાનીથી મળી જાય છે અને બુદ્ધિશાળી સ્ત્રીઓને જીવનસાથી મળવામાં મુશ્કેલી પડે છે. સંશોધને રજૂ કરેલા આંકડાઓને મૂલવીએ તો, પુરૂષોના બુદ્ધિઆંકમાં દર સોળ પોઇન્ટના વધારાએ લગ્નની તકો પાંત્રીસ ટકા જેટલી વધે છે, જ્યારે સ્ત્રીઓના બુદ્ધીઆંકમાં દર સોળ પોઇન્ટના વધારાએ લગ્નની તકો ચાલીસ ટકા ઘટે છે!
વાત તો આ અંગ્રેજ પ્રોફેસરે અદભૂત તારવી છે. વ્યવહારિક જીવનનું એક નગ્ન સત્ય તેણે તેના અભ્યાસના તારણરૂપે રજૂ કરી દીઘું. પુરૂષોની બુદ્ધિ હંમેશા સ્ત્રીઓને આકર્ષે છે. સ્ત્રીઓને વિચક્ષણ વિચારશક્તિ, વાકચાતુર્ય અને તીક્ષ્ણ રમૂજવૃત્તિ ધરાવતાં પુરૂષોનું ઘેલું રહે છે. આમ તો આ ત્રણેય ગુણો ઉચ્ચ બુદ્ધિમતાની આડ પેદાશ છે. ફિલ્મી હીરો- હીરોઇનો પ્રભાવિત છીછરી વૈચારીક ક્ષમતા ધરાવતા ઘણાં યુવકો પોતાના શરીરમાં સ્નાયુઓના ગોટલાં ફુલાવવામાં વ્યસ્ત છે. પરંતુ તેમનો આ અભિગમ મોટાભાગની યુવતીઓને એક જીવનસાથી તરીકે આકર્ષવામાં નિષ્ફળ બને એમ છે.
સારૂ શરીર સૌષ્ઠવ હોવું તે પ્લસ પોઇન્ટ છે પરંતુ પુરૂષોમાં તે બુદ્ધિ કે કારકિર્દીનો વિકલ્પ ન બની શકે. માત્ર ગોટલા ફૂલાવીને ફરતા, નર્યા દેખાડામાં રચ્યાપચ્યા રહેતા કે પોતાની જાતને ‘પાર્ટી એનીમલ’ તરીકે ઓળખાવતા યુવકો પ્રત્યે ખેંચાનારી યુવતીઓનું સ્તર તો એ જ યુવકો કહી શકશે પરંતુ અભ્યાસુઓ કહે છે કે આ ખેંચાણ લાંબુ ટકતું નથી અને કદાચ સામાજિક રીતે ટકાવી રાખવું પડે તો આખો’ય સંબંધ અંદરથી સાવ ખોખલો અને બોદો હોય છે.
ઉચ્ચ બુદ્ધિમત્તા ધરાવતા પુરૂષોના જીવનમાં લગ્નની તકો વધારે છે. પરંતુ સાથે સાથે પ્રોફેસર પૌલ બ્રાઉને આ પુરૂષોના અન્ય વિજાતીય સંબંધો જેવા કે લગ્ન પૂર્વ (Premarital),લગ્નેત્તર (extra marital)વગેરે પણ ચકાસવા જોઇતા હતા. આ પુરૂષોની જો સૌથી મોટી કોઇ નબળાઇ હોય તો તે ‘સમય અને ‘તર્ક શક્તિ’ છે. સમયના અભાવમાં અને વઘુ પડતી તર્કશક્તિને લઇને આ પુરૂષોના જીવનમાં પ્રણય (Romance)નું પ્રમાણ ઘટતું જાય છે. અને તેમની સાથે સંકળાયેલી સ્ત્રીઓને આ વાત ખૂંચતી રહેતી હોય છે.
બીજી બાજુ ઉચ્ચ બુદ્ધિમતા ધરાવતી સ્ત્રીઓની વાત કરીએ તો એટલું તો ચોક્કસ છે કે આ સ્ત્રીઓ તરફ પુરૂષો મધપૂડા પર મધમાખીઓ આકર્ષાય તેમ આકર્ષાય છે પરંતુ તેમની સાથે જીવન વિતાવવાની વાત આવે ત્યારે ધીમે ધીમે પાછા પગલા ભરવા માંડે છે. પુરૂષોને આવી સ્ત્રીઓ ગમે છે પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં મિત્ર તરીકે, પ્રેમિકા તરીકે કે લગ્નેત્તર પાત્ર તરીકે, પત્ની તરીકે નહીં! કુશાગ્ર બુદ્ધિ ધરાવનારી કોઇ સ્ત્રીના જીવનમાં તેના પ્રત્યે આકર્ષાઇને ઘણા પુરૂષો આવે તો પણ સરવાળે તેમના સંબંધો લાંબુ ટકતા નથી. તેમના લગ્નજીવન પણ ઘર્ષણથી ભરેલા હોય એમ બને. આ વાતને સમર્થન આપનારા અનેક ઉદાહરણો આપણા સમાજમાં ઉપલબ્ધ છે. કોઇ સ્વીકારે કે ન સ્વીકારે નગ્ન સત્ય તો એ છે કે જીવનસાથીની પસંદગીમાં પુરૂષ હંમેશા સ્ત્રીના દેખાવ – સૌંદર્યને પ્રાધાન્ય આપે છે. ‘ટયુબલાઇટ’ ચાલશે પણ સુંદર હોવી જોઇએ. ચબરાક સ્ત્રીઓને સાથી બનાવવા તૈયાર પુરૂષો તેને જીવનસાથી બનાવતા અચકાય છે. આ ઉપરાંત ઉચ્ચ બુદ્ધિમતા ધરાવતી સ્ત્રીઓની અપેક્ષાઓ પણ તેમના લગ્નની તકોમાં આડી આવે છે.
આ સ્ત્રીઓ બહારથી સરળ હોવાનું જણાવે તો પણ અંદરખાને તેમની જીવન અને જીવનસાથી પાસેથી સામાન્ય સ્ત્રીઓ કરતાં ઘણી વઘુ અપેક્ષાઓ હોય છે, પરિણામે તેની પસંદગીના ધોરણો ઉંચા હોય છે જે સરવાળે તેમના લગ્નમાં બાધારૂપ બને છે. બીજુ કે પોતાનાથી ઉતરતી બુદ્ધિક્ષમતાવાળી સ્ત્રીઓને જલદી પાત્ર મળી જતાં કે તેમના લગ્નજીવનો તેમની સરખામણીએ વઘુ સુખી હોવાને લઇને પણ બુદ્ધિશાળી સ્ત્રીઓ નિષ્ફળતાની લાગણીઓ (Frustrations)અનુભવે છે.
શું જટિલ સમસ્યા છે?! તીવ્ર બુદ્ધિ ધરાવતો પુરૂષ જોઇએ છે પરંતુ તે બુદ્ધિનો સર્જનાત્મક ઉપયોગ કરીને સમયના અભાવમાં જીવતો પતિ નથી જોઇતો. કુશાગ્ર બુદ્ધિ ધરાવતી સ્ત્રી જોઇએ છે પરંતુ તે જ બુદ્ધિના આધારે દલીલો કરતી કે પ્રશ્નો પૂછતી પત્ની નથી જોઇતી! કેટલીક પત્નીઓની સ્થિતિ તો વઘુ ગંભીર છે, જો એ બુદ્ધિ લડાવ્યા વગરની વાતો કરે (પોતાના લાગણીઓના પ્રશ્નોની ચર્ચા કે જે પતિને હંમેશા બુદ્ધિહિન કે તર્કહીન લાગતી હોય છે) તો’ય પતિ અકળાય અને જો બુદ્ધિસભર વાતો કરે (પ્રશ્નો પૂછે, દલીલો કરે કે અંગત મંતવ્યો ધરાવે) તો’ય અકળામણ! આ પતિદેવો એમ જ માનતા હશે કે સાચું કે ખોટું પત્નીએ મગજ ચલાવવાનું જ નહીં. બસ, ખાવ-પીઓને જલસા કરો. કોણ જાણે કેટલાકની એવી માનસિકતા કેમ છે કે પત્ની ‘ડોબી’ સારી અને બહેનપણી ‘સ્માર્ટ’ સારી! ફરવા માટે જીન્સવાળી અને ઘરમાટે ચૂડીદારવાળી!! બોલો, શું કહેવું છે તમારૂં?