ઊંઝા નગર પાલિકામાં વોર્ડ નં 7 અને 9 માં ભાજપ ને હારનો ભય : ટીવી કલાકારો પ્રચારમાં ઉતારવાથી શું જીત મળી જશે ? ચર્ચાતો સવાલ
વોર્ડ નં 7 માં મહેશ પટેલ (મામુ ) અને વોર્ડ નંબર 9 માંથી કાજલબેન પરમાર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે
આ બંને અપક્ષ ઉમેદવારો નગરજનોમાં ખૂબ જ લોક ચાહના ધરાવતા હોવાથી તેમની જીત પાકી માનવામાં આવી રહી છે
મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચૂના ) : ઊંઝા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ ભલે 22 ઉમેદવારોને બિનહરીફ કરવાનો જસ ખાટી રહ્યું હોય પરંતુ નગરપાલિકાની કેટલીક સીટો ઉપર ચૂંટણી લડી રહેલા અપક્ષ ઉમેદવારો સામે ભાજપની દાળ ગળે તેમ નહીં હોવાથી હવે હાર ભાળી જતા ભાજપે મરણીયા પ્રયાસો શરૂ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે
પ્રાપ્ત માહિતી અનુસાર નગરપાલિકાની વોર્ડ નંબર 7 અને 9 માં ભાજપને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે જેની પાછળ ક્યાંક ને ક્યાં ટિકિટ વહેચણીમાં શહેર પ્રમુખ ની મનમાની નો ભોગ ભાજપ બની રહ્યું હોય તેવું પણ ચર્ચાઇ રહ્યું છે. કારણ કે આ વોર્ડમાં ક્યાંક ને ક્યાંક ભાજપના કાર્યકરોમાં પણ છૂપો રોષ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. કદાચ ભાજપ જ ભાજપને હરાવે તો નવાઈ નહીં તેવો ઘાટ ઘડાયો છે ત્યારે હાર ભાળી ગયેલી ભાજપ હવે ટીવી કલાકારોના શરણે આવી રહી હોય તેવું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વોર્ડ નંબર સાત અને નવમાં આવતીકાલે એટલે કે 22 એપ્રિલના રોજ ટીવી કલાકાર અને ફિલ્મ જગતના નામાંકિત એક્ટર હિતુ કનોડીયા ચૂંટણી પ્રચારમાં ઉતારવાના હોવાનું એક બેનર પૂર્વ શહેર ભાજપ પ્રમુખના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જોવા મળ્યું છે. જોકે ટીવી કલાકારોને મેદાનમાં ઉતારવાથી શું ભાજપ સામેની નારાજગી ખતમ થઈ જશે ? શું ભાજપ ચૂંટણી જીતી જશે ? પરિણામ શું આવશે એ તો હવે આવનાર સમય અને મતદારોનો મિજાજ નક્કી કરશે !