ઊંઝા નગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાશે ? કઈ સીટો પર ભાજપને ખતરો? નોટા નો થયો ઉપયોગ ?
ઊંઝા નગરપાલિકા નું સરેરાશ 77 ટકાથી વધુ મતદાન થયું.
ઊંઝા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટ માટે સરેરાશ 60 ટકાથી વધારે મતદાન થયું
ઊંઝા તાલુકા પંચાયતની કામલી, કરલી કહોડા અને ઉપેરા સીટ પર ભાજપને ખતરો.
ગેસના વધતા ભાવ, પેટ્રોલ-ડીઝલની સેન્ચ્યુરી, અને માસ્કના દંડથી અકળાયેલા મતદાતાઓએ નોટા નો ઉપયોગ પણ કર્યો હોવાની ચર્ચા
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓનું મતદાન પૂર્ણ થયું. હવે કોણ બાજી મારશે તેને લઇને અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. જોકે આવતીકાલે 2 માર્ચ ના રોજ મતદાન ગણતરી હાથ ધરાશે. કોની કેટલી સીટ મળશે તેને લઈને હવે મતદાન ગણતરીના એક દિવસ પૂર્વે લોકોમાં તર્ક-વિતર્ક શરૂ થયા છે. જોકે મહેસાણા જિલ્લાની ઊંઝા નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપનો ભગવો લહેરાશે કે નહિ તેને લઈને ઊંઝાના મતદારોમાં તર્ક વિતર્કો શરૂ થયા છે.
ઊંઝા નગરપાલિકાનું મતદાન વિક્રમજનક રહ્યું છે. જેમાં ભાજપ અને કામદાર પેનલ વચ્ચે સીધો જંગ જામ્યો હતો. તો બીજી બાજુ ઊંઝા તાલુકા પંચાયતની કેટલીક સીટો પર ભાજપ નો દેખાવ શરૂઆતથી જ નબળો રહ્યો હતો. ઊંઝા તાલુકા પંચાયતની કામલી, કહોડા,ઉપેરા અને કરલી સીટ ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થઈ છે.
જોકે મતદાતાઓ માં ગ્રામ્ય વિસ્તાર સ્તરે ભાજપ પ્રત્યે ક્યાંકને ક્યાં નારાજગી જોવા મળી હતી. પેટ્રોલ-ડિઝલના વધતા જતા ભાવ, રાંધણ ગેસના ભાવમાં થઈ રહેલો વધારો અને માસ્કના નામે લોકો પાસેથી વસુલાતા દંડને લઈને મતદાતાઓ મતદાન બાદ ચર્ચા કરતા જોવા મળ્યા હતા. કેટલાક મતદાતાઓએ નોટાનો પણ ઉપયોગ કર્યો હોવાનું ચર્ચાતું હતું. ત્યારે જોવી રહ્યું કે હવે આવતીકાલના પરિણામોમાં મતદાતાઓનો મિજાજ કોની તરફ રહેશે ?