કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય : આ બે રાજ્યો માંથી દિલ્હીમાં આવવા માટે કરવું પડશે આ ખાસ કામ
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : દિલ્હીમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કેજરીવાલ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી આંધ્ર પ્રદેશ અને તેલંગાણાથી બસ, ટ્રેન, વિમાન, કાર, કે ટ્રક દ્વારા દિલ્હી આવનારાઓએ 14 દિવસ માટે ફરજિયાત ક્વોરેન્ટાઈન થવું પડશે. આ માટે કેજરીવાલ સરકારે સરકારી અને પેઈડ ક્વોરેન્ટાઈન ફેસિલિટી પણ સૂચિત કરેલ છે.આંધ્ર અને તેલંગાણામાં કોરોનાનો નવો વેરિએન્ટ મળી આવ્યો ત્યાર બાદ દિલ્હી સરકારે આ આદેશ જાહેર કર્યો છે.
નોંધનીય છે કે, જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધેલા હશે તેઓ બંને ડોઝનું સર્ટિફિકેટ બતાવશે અથવા છેલ્લા 72 કલાકનો RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવનાર માટે 7 દિવસનું હોમ ક્વોરેન્ટાઈન ફરજિયાત રહેશે.જો કે, આ બંને રાજ્યમાંથી કોઈ સરકારી કે બંધારણીય સંસ્થાના લોકો કોઈ ઔપચારિક કામથી દિલ્હી આવશે તો તેમને છૂટ મળશે.
ઉલ્લેખનીય છે કે, જે વ્યક્તિ આ નિયમનું ઉલ્લંઘન કરશે તેને 7 દિવસ માટે સરકારી ઈન્સ્ટિટ્યુશન ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવશે. આ બંને રાજ્યથી જે લોકો પોતાના રાજ્યોના ભવનમાં જશે ત્યાં આ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી રેજિડેન્ટ કમિશનરની રહેશે. જે લોકો હોટેલ, રિસોર્ટ કે હોસ્ટેલ જેવી જગ્યાઓએ જશે ત્યાં તે જગ્યાના માલિકની જવાબદારી રહેશે. જે લોકો રોડ માર્ગે દિલ્હીમાં પ્રવેશ કરશે તેમની જવાબદારી સંબંધિત ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અથવા દિલ્હી પોલીસના ડીસીપીની રહેશે.