કોરોનાએ મોદી સરકારને ' આત્મ નિર્ભર ' લોકલ ફોર વોકલ ને બદલે વિદેશી મદદ પર નિર્ભર બનવા મજબૂર કરી !
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગત વર્ષે કોરોનાકાળ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'આત્મનિર્ભર' ભારત અને 'લોકલ ફોર વોકલ' પર ભાર મૂકવાનું કહ્યું હતું. પરંતુ એક વર્ષની અંદર જ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. કોરોનાની બીજી લહેરથી ભારતની પરિસ્થિતિ વિકટ બની છે તેવામાં મોદી સરકાર હવે વિદેશી સહાય લેવા માટે મજબૂર બની છે.
નોંધનીય છે કે કોરોનાને પરાજય આપવા તથા પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટથી લઈને વેન્ટિલેટર્સના ઘરેલુ ઉત્પાદનને વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે વોકલ ફોર લોકલનો મંત્ર આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, કોરોનાની કટોકટીએ આપણને સ્થાનિક ઉત્પાદન, સ્થાનિક બજાર અને સ્થાનિક સપ્લાય ચેનનું મહત્વ સમજાવ્યું છે. લોકલ ફક્ત આપણી જરૂરિયાત જ નથી પરંતુ આપણી જવાબદારી પણ છે.
અમેરિકા, યુકે, ફ્રાન્સ અને જર્મનીએ ભારતને મદદ મોકલી છે જેથી તે કોવિડ-19ના કહેરમાંથી બહાર આવી શકે. એટલે સુધી કે ચીને પણ ભારતને મદદ કરવાની વાત કરી છે જેની સાથે દેશના સંબંધો છેલ્લા ઘણા સમયથી બગડેલા છે.ગુરૂવારે અમેરિકાથી ભારત ફ્લાઈટ્સ આવશે જેમાં ઓક્સિજન, 20 મિલિયન ડોઝથી વધારે વેક્સીન બનાવી શકાય તેવા કોમ્પોનન્ટ્સ તથા એન્ટિવાયરલ ડ્રગ રેમડિસિવિર અને રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ્સ પણ સામેલ છે.