Exclusive : સી.આર.પાટીલની એક રજૂઆતને પગલે CM રૂપાણીએ 70 હજાર જેટલા શિક્ષકો માટે લીધો મોટો નિર્ણય
મોર્નિંગ ન્યુઝ ફોકસ, ગાંધીનગર : રાજ્યની ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જે નિર્ણય વર્ષોની રજૂઆત છતાં નહોતો લેવાતો એ નિર્ણય કેમ એકાએક લેવો પડ્યો.
આ નિર્ણય માટે સરકારના કાન કોણે આમળ્યા ? આ નિર્ણય લેવડાવવાનો સાચો શ્રેય શિક્ષણ મંત્રી ને મળવો જોઈએ કે પછી કોને મળવો જોઈએ ? કારણ કે શિક્ષણ મંત્રી પાસે તો આવી અનેક રજૂઆતો ઘણા વર્ષોથી આવતી હોય છે પરંતુ આવો મજબૂત નિર્ણય લેવાની હિંમત શિક્ષણ મંત્રીએ ક્યારેય કરી નથી ત્યારે આ નિર્ણય લેવા પાછળ ખરેખર કોની ધારદાર રજૂઆત જવાબદાર છે એ જાણવું જરૂરી છે.
ત્યારે સૌ વાચકમિત્રોને જણાવી દઈએ કે બે દિવસ અગાઉ ગુજરાતના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક ઘટક સંઘોનાં હોદ્દેદારઓએ “ફાજલનાં રક્ષણ” અંગેની રજૂઆત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને કરી હતી. જેને લઈ સી.આર.પાટીલે શિક્ષકોના હિત માટે નિર્ણય લેવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને જણાવ્યું હતું જેને લઈ બીજા જ દિવસે આ પ્રશ્નનું નિરાકરણ લાવી સરકારે શિક્ષકોને રક્ષણ આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
આ નિર્ણયના પરિણામે ખાલી પડતી જગ્યા પર નવેસરથી નિમણૂક કરવાના બદલે ફાજલ શિક્ષકની નિમણૂક કરવામાં આવે તો જગ્યા ભરવાની લાંબી પ્રક્રિયામાંથી બચી શકાશે અને તૈયાર થયેલ અનુભવી શિક્ષકને કામ આપી શકાશે અને શાળાઓને ઝડપથી અનુભવી શિક્ષકો મળશે. આ નિર્ણયથી રાજયની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અંદાજીત ૭૦,૦૦૦ જેટલા શિક્ષક-કર્મચારીઓને આ લાભ મળશે.