ચૂંટણી ચર્ચા / વિજાપુર સીટ પર આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસનો ખેલ બગાડશે, પુનરાવર્તન કે પરિવર્તન ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે હજુ સુધી માત્ર અને માત્ર આમ આદમી પાર્ટી દ્વારા તેના ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. પરંતુ ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામને લઈને મનોમંથન ચાલી રહ્યું છે. તેવામાં આમ આદમી પાર્ટી દ્વારા વિજાપુરમાંથી ભાજપનો ખેલ પાડી દેવા માટે પાટીદાર ઉમેદવાર ચિરાગભાઈ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
અત્યારે નોંધનીય છે કે વિજાપુર સીટ ઉપર 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ટક્કર હતી. પરંતુ આ વખતે 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં વિજાપુર બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીયો જંગ જમવાનો છે. જોકે 2017માં ભાજપના ઉમેદવાર પાતળી સરસાઈથી ચૂંટણી જીત્યા હતા. જે સ્પષ્ટ દર્શાવે છે કે આ વખતે 2022 માં જામનાર ત્રિકોણીયા જંગમાં હવે ભાજપને મોટું નુકસાન થઈ શકે છે અને આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ અને કોંગ્રેસનો ખેલ બગડે તો કાંઈ નવાઈ નહીં.
આમ આદમી પાર્ટી એ વિજાપુર વિધાનસભા બેઠક પર ચિરાગ પટેલને ટિકિટ આપી છે. ચિરાગભાઈ પટેલ તે વિસ્તારના તમાકુ એસોસિએશનના પ્રમુખ છે. એટલું જ નહીં પરંતુ આ બેઠક પર પણ પાટીદારોનું ખૂબ જ પ્રભુત્વ રહેલું છે. વળી ચિરાગભાઈ પટેલ એક પાટીદાર ચહેરો છે.એટલું જ નહીં પરંતુ વેપારીઓમાં પણ તેઓ સારો સંપર્ક ધરાવે છે. તેથી આ વિસ્તારના મતદારો માટે આ એક પરિચિત સ્થાનિક ચહેરો ગણી શકાય.
બીજી બાજુ વાત કરીએ ભાજપની તો 2017માં ભાજપના ઉમેદવાર રમણભાઈ પટેલ આ બેઠક પરથી પાતળી સરસાઈ થી ચૂંટણી જીત્યા હતા. જોકે ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ એવું કહેવામાં આવે છે કે રમણભાઈ પટેલ દ્વારા લોક સંપર્ક ખૂબ જ ઓછો રહ્યો છે. એટલું જ નહીં પરંતુ તેઓ પોતે વિજાપુર ને બદલે અમદાવાદમાં વસવાટ કરતા હતા. તેથી ક્યાંક ને ક્યાંક મતદારો માટે જે સ્થાનિક ચહેરાની ઈચ્છા હતી તેના પર પાણી ફરી વળ્યું હતું. એટલું જ નહીં હાલમાં ગુજરાતમાં લોકો માં ભારે નારાજગી પ્રવર્તી રહી છે ત્યારે આ વખતે આ વિધાનસભા સીટ પર ત્રિકોણીય જંગ માં ભાજપને મોટો ફટકો પડે તો નવાઈ નહીં !