નીચા ભાવોને જોતાં કોટનમાં મિલો માટે સ્ટોક કરવાની સારી તક
હાલમાં રૂ. 54,000-55,500 પ્રતિ ખાંડીના ત્રણ વર્ષના તળિયાના ભાવો
ભારતીય કોટન વૈશ્વિક બજારની સરખામણીમાં 5 ટકા જેટલું સ્પર્ધાત્મક
કોટનના ભાવ હાલમાં ત્રણ વર્ષના તળિયાના સ્તરે ચાલી રહ્યાં
Mnf network: કોટનના ભાવ હાલમાં ત્રણ વર્ષના તળિયાના સ્તરે ચાલી રહ્યાં છે. જે મિલ્સ માટે સ્ટોક ઊભો કરવા માટેની સારી તક પૂરી પાડી રહ્યો છે એમ બજાર વર્તુળોનું માનવું છે.
કોટનના ભાવ તળિયા પર હોવાનું તેમજ આગામી સમયગાળામાં તેમાં સુધારાની મજબૂત સંભાવના પાછળ કેટલાંક નક્કર કારણો રહેલાં છે. જેમકે, દક્ષિણના રાજ્યોમાં કોટન કોર્પોરેશન ઓફ્ ઈન્ડિયા(સીસીઆઈ) તરફ્થી કોટનની ખરીદીને કારણે સ્થાનિક મિલ્સ માટે માલની અછત ઊભી થઈ શકે છે. જે માગ માટે ચાલક બળ બની શકે છે. ચાલુ સિઝનમાં માલ 3.15 કરોડ ગાંસડી આસપાસ જોવાઈ રહ્યો છે. જે ગઈ સિઝન કરતાં સાધારણ નીચો છે. હાલમાં દક્ષિણના રાજ્યોમાં માલની તમામ આવકો સીસીઆઈ ખરીદી રહી છે. કેમકે, ત્યાં ભાવ એમએસપીની નજીક જતાં રહ્યાં છે.
ગુજરાતમાં ખેડૂતોને કપાસ માટે રૂ. 1,350-1,400 પ્રતિ મણના ભાવ ઊપજી રહ્યાં છે. જોકે, કેટલાંક રાજ્યોમાં માલની ક્વોલિટી ખૂબ ખરાબ જોવા મળી રહી છે. ભેજવાળા તથા ડેમેજ માલોના ભાવ ટેકાની સપાટીથી નીચે જોવા મળી રહ્યાં છે. જોકે, આ એક ટૂંકાગાળાની સ્થિતિ છે. સારી ક્વોલિટી શરૂ થતાં ભાવ ફરીથી મજબૂતી દર્શાવી શકે છે. વૈશ્વિક બજારની સાથે સરખામણી કરીએ તો ભારતીય કોટનના ભાવ નીચા જોવા મળી રહ્યાં છે. ન્યૂયોર્ક ફ્યૂચરની સરખામણીમાં હાલમાં સ્થાનિક ભાવ સ્પર્ધાત્મક છે. આમ તે વૈશ્વિક માગને આકર્ષી શકે છે. જે ભાવને સપોર્ટ પૂરો પાડશે. જોકે, બીજી બાજુ એ પણ કહેવાનું કે ચાલુ સિઝનમાં હજુ સુધી ખાસ નિકાસ નથી જોવાઈ.
ભારતીય કોટનના ભાવ સ્પર્ધાત્મક હોવાના કારણે સ્થાનિક મિલ્સને તેમની પ્રોડક્ટ્સમાં ફયદો મળી રહ્યો છે. તેઓ વૈશ્વિક હરીફે કરતાં નીચા ભાવે માલ વેચી શકે છે. કોટલૂક ઈન્ડેક્સની સરખામણીમાં ભારતીય કોટન 6 ટકા જેટલું સસ્તું છે. આમ મિલ્સ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક્તા ધરાવે છે. જે કોટન ઈન્ડસ્ટ્રી માટે પોઝિટિવ પરિબળ છે. નીચી માગ આમ તો મંદીનું પરિબળ છે. હાલમાં મોટાભાગની મિલ્સ ઈન્વેન્ટરીથી નીચે ચાલી રહી છે અને તેથી ભવિષ્યમાં માગ વધતાં ભાવને સપોર્ટ મળી શકે છે. ચાલુ સિઝનમાં દેશમાં કોટનનો સ્ટોક ટાઈટ જોવા મળે છે. જો સીસીઆઈ બજારમાંથી મોટાપાયે ખરીદી કરશે તો સ્થિતિ વધુ સખત બની શકે છે. જે સ્થિતિમાં મુક્ત બજારમાં સ્ટોક ઘટશે અને ભાવને સપોર્ટ મળશે એમ વર્તુળોનું કહેવું છે. ચીન ખાતે સ્થિતિ સુધરી રહી છે અને અનિવૃતતા ઘટી રહી છે. જેને જોતાં કહી શકાય કે કોટનના ભાવ આગામી સમયમાં મજબૂતીની ચાલ દર્શાવી શકે છે.