કાયદાકથા કરનાર ગોપાલ ઇટાલિયાએ નવા વર્ષે કર્યો મહત્વનો સંકલ્પ : લોકોને બાબુઓની દાદાગીરીથી મળશે છુટકારો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા) : આંદોલનકારી યુવા નેતા ગોપાલ ઇટાલિયા એ નવા વર્ષે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને લોકોને કાયદાકીય મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.આ માટે તેમણે લોકો પાસેથી સૂચનો પણ માગ્યા છે.
ગોપાલ ઇટાલિયા ની ફેસબુક પોસ્ટ....
નમસ્કાર સાથીઓ,
નાની એવી જીંદગીમાં કેટકેટલુંય સારૂ કામ કરવાની ઈચ્છાઓ છે. બધું જ એક સાથે થવાનું નથી કે બધું ઝડપથી થવાનું નથી છતાંય પ્રયત્ન ચાલુ રાખવો છે. સતત એવું કામ કરવું છે કે આ પૃથ્વી ઉપર આપણું આવવું સાર્થક થાય.
જાહેર જીવનમાં હોવાના કારણે રોજ અનેક વ્યક્તિઓ ફોનથી કે મેસેજથી કે ફેસબુકથી સંપર્ક કરીને કાયદાકીય માર્ગદર્શન માંગતા હોય છે. હું પણ શક્ય હોય એટલું મદદરૂપ થવાનો પ્રયત્ન કરૂ છું જેના સાક્ષી મારી પાસેથી માર્ગદર્શન માંગનાર પોતે જ હોઈ શકે.
આપણા રોજબરોજનાં જીવનમાં કરોડો લોકો માત્ર સામાન્ય જાણકારી ન હોવાના કારણે અલગ અલગ સરકારી કચેરીમાં ધક્કા ખાતા હોય છે. ઘણી વખત મેટર સાવ સિમ્પલ હોય છે પણ નાગરીકને કાયદાકીય માહિતી ન હોય એટલે વર્ષો સુધી ધક્કા ખાવા પડે અથવા પૈસા આપવા પડે અથવા કચેરીમાં અપમાનિત થવું પડે છે.
સામાન્ય નાગરીક સૌથી વધુ ગ્રામ પંચાયત, પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, બેંક અને વીજળી વિભાગ જેવી કચેરીઓમાં ખુબ જ હેરાન થાય છે પરંતુ ક્યારેક નાની નાની કાયદાકીય માહિતી હોય તો આપણું કામ કરાવવામાં ઘણી સરળતા થઇ શકે છે.
મારી પાસે ઘણી બધી બાબતો અંગે કાયદાકીય સમજ છે, કાયદાકીય જાણકારી છે તેમજ બીજાને સરળતાથી કાયદાકીય વાત સમજાવી શકું એવી ઈશ્વરકૃપા છે. મારી પાસે પોલીસ તરીકેનો, મહેસુલ વિભાગના ક્લાર્ક તરીકેનો, ખોટા કેસમાં જેલમાં ગયેલા તહોમતદાર તરીકેનો, આંદોલનકારી તરીકેનો અને રાજનીતિનો અનુભવ છે.
મને એવી ઈચ્છા છે કે, આ નવા વર્ષમાં મારે હજારો લોકોને પ્રાથમિક કાયદાકીય જાણકારી આપવી છે. યુવાનોને કાયદો વાંચતા, સમજતા, અર્થઘટન કરતા અને અરજીઓ લખતા શીખવવું છે. અથવા તો સમાજમાં કાયદાકીય જાગૃતિ ફેલાય એવું કામ કરવું છે, પણ શું કરવું અને કેવી રીતે કરવું એ સુઝતું નથી.
હજારો વ્યક્તિઓ સરકારી કચેરીઓ અને સરકારી અધિકારીઓ સામે માત્ર લાચારીભરી નજરે જોયા કરે છે. ગામડાઓમાં અન્યાય અત્યાચાર કે શોષણ થાય ત્યારે માત્ર ભગવાન ભરોસે રહેવું પડે છે. સ્થાનિક માથાભારે માણસો કે સ્થાનિક રાજકારણીયા સામે નાના માણસને ન્યાયની કોઈ અપેક્ષા વધતી નથી. આપણે સૌ જો કોઈ સહિયારો પ્રયત્ન કરીયે તો કશુંક સારૂ થઇ શકે એમ છે.
સમાજમાં કાયદાકીય જાગૃતિ ફેલાવવા માટે કોઈ પુસ્તક લખવું? કે ડીજીટલ માધ્યમનો ઉપયોગ કરવો? કે કોઈ કાયદાકીય જાગૃત સંગઠન બનાવવા તરફ વિચારવું કે અન્ય શું સારૂ કરી શકાય એ માટે મને માર્ગદર્શન આપશો એવી અપેક્ષા.
કેટલાક મિત્રોનો સાથ સહયોગ અને માર્ગદર્શન મળે તો આપણે સશક્ત યુવાનોની મોટી ટીમ ઉભી કરી શકીયે છીએ. આપનું સૂચન કે માર્ગદર્શન આપવા વિનંતી.