Mission2022 : ભાજપ માટે ઊંઝા વિધાનસભા સીટ પર ખતરાની ઘંટી : આમ આદમી પાર્ટીએ સંગઠનને મજબૂત બનાવવા ઘડ્યો માસ્ટર પ્લાન
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : સુરતમાં જ્યારથી મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 27 નગરસેવકોની જીત થઇ છે, ત્યારથી આ 27 નગરસેવકો ની કાર્યપદ્ધતિની સુવાસ સમગ્ર ગુજરાતમાં ફેલાઈ રહી છે. જેને પરિણામે ક્યાંકને ક્યાંક લોકો આમ આદમી પાર્ટી ની કાર્યપદ્ધતિ થી પ્રભાવિત થઈને હવે આમ આદમી પાર્ટી સાથે જોડાઇ રહ્યા છે. ત્યારે આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ આમ આદમી પાર્ટી પૂરી તાકાત સાથે ચૂંટણીમાં ઝંપલાવવા માટેના આયોજનો કરી રહી છે.
આમ આદમી પાર્ટી દ્વારા mission 2022 અંતર્ગત કેટલાક જિલ્લાઓમાં પ્રચાર કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં મહેસાણા જિલ્લામાં ઊંઝા વિધાનસભા સીટ પર આ વખતે આમ આદમી પાર્ટી ચૂંટણીમાં ઝંપલાવવા માટે અત્યારથી જ કટિબદ્ધ બની છે અને ઊંઝા વિધાનસભા વિસ્તારમાં આવતા દરેક ગામડાઓની પાર્ટીના કાર્યકરો દ્વારા મુલાકાતો શરૂ કરાઇ છે.
ઊંઝા વિધાનસભા સીટ માં આવતા ઊંઝા અને વડનગરના ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બને તે માટે મહેસાણા જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ પટેલ દ્વારા એક વ્યૂહરચના ઘડવામાં આવી છે. જેમાં પાર્ટીની કામગીરીથી લોકોને વાકેફ કરીને વધુને વધુ લોકોને આમ આદમી પાર્ટીના સદસ્ય બનાવવાનું અભિયાન શરૂ કરાયું છે. જેને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે નોંધનીય છે કે ઉંઝામાં હાલમાં ભાજપ ના ધારાસભ્ય છે. જે અગાઉ કોંગ્રેસમાં હતા અને પક્ષ પલટો કરીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જોકે ઊંઝા વિધાનસભા વિસ્તારમાં ખાસ કરીને પાટીદારોનું પ્રભુત્વ રહ્યું છે. હાલમાં ઊંઝામાં જે રાજકીય ધમાસણ ચાલી રહ્યું છે, એ જોતાં એવું લાગે છે કે આગામી 2022 વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને મોટો ફટકો પડી શકે છે. જેનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને મળી શકે તેમ છે. આમ આદમી પાર્ટી દ્વારા ઊંઝા વિધાનસભા વિસ્તારમાં વિવિધ સમાજના અગ્રણીઓ સાથે પણ બેઠકો કરવાનું એક આયોજન છે. તો વળી આ વિધાનસભા સીટને જીતવા માટે નું લક્ષ અત્યારથી જ ઘડવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આગામી સમયમાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ ઊંઝા ની મુલાકાતે આવી શકે છે.
હાલમાં ભાજપ સરકાર સામે વિવિધ મુદ્દાઓને લઈને જે નારાજગી જોવા મળી રહી છે તેનો સીધો ફાયદો 2022 ની વિધાનસભાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને મળી શકે તેમ છે. ત્યારે હવે જોવું રહ્યું કે કોણ મેદાન મારશે ? તો બીજી બાજુ એવું પણ જાણવા મળી રહ્યું છે કે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપથી જે નારાજ કાર્યકરો અને નેતાઓ છે તેમની પણ મુલાકાતો કરવામાં આવી શકે છે અને ભાજપમાં પાર્ટી માટે મહેનત કરવા છતાં પણ ઉપેક્ષા પામેલા દિગ્ગજ નેતાઓ અને કાર્યકરોને આમ આદમી પાર્ટીમાં સામેલ કરવામાં આવે આવી શકે છે અને સંગઠનને વધુ મજબૂત બનાવવાની વ્યૂહરચના ઘડાઈ હોવાનું જાણવા મળ્યું છે.