ઊંઝા : એક એવા ઉમેદવાર જેમનું વ્યક્તિત્વ જ એમનો પ્રચાર છે
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ઊંઝા વિધાનસભા સીટ પર ત્રિકોણીયો જંગ જામ્યો છે જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ પોતપોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આ ત્રણેય ઉમેદવારો દ્વારા મતદારોને આકર્ષવા માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થાય ત્યાં સુધી અનેક સભાઓ અને રેલીઓનું આયોજન કર્યું હતું.
જોકે ઊંઝા વિધાનસભા માં ખાસ કરીને પાટીદારોનું પ્રભુત્વ વધારે છે. હવે મતદાનને આડે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે મતદારો કોને ઊંઝા વિધાનસભાની જીતનો તાજ પહેરાવશે એ તો આવનાર સમય જ બતાવશે. પરંતુ ઊંઝા વિધાનસભા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટકુમાર કેશવલાલ પટેલ ઉર્ફે કે કે પટેલ એ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે.
કારણ કે, ઊંઝામાં ભાજપે એક એવા વ્યક્તિને ઉમેદવાર બનાવ્યા છે જેમનું વ્યક્તિત્વ એ જ તેમનો પ્રચાર છે. કિરીટભાઈ પટેલ વર્ષોથી શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલા છે. તેઓ ખૂબ જ શાંત અને વિચારશીલ વ્યક્તિત્વ ધરાવે છે. 2022 ની આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની પહેલી પસંદ બનનાર કિરીટ પટેલ જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સાથે સુરતના એક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા.
ઊંઝાએ શૈક્ષણિક ક્ષેત્રે એક આગવી સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારે હવે 2022 ની ચૂંટણીમાં પણ ભાજપે શિક્ષણ સાથે જોડાયેલા કિરીટ પટેલને ટિકિટ આપતા કિરીટ પટેલના નેતૃત્વમાં ઊંઝાનું સર્વાંગી શૈક્ષણિક વિકાસનું સ્વપ્ન પૂર્ણ થશે. જોકે હાલમાં કિરીટ પટેલ ઊંઝાના એક મોટા શૈક્ષણિક સંકુલના પ્રમુખ હોદ્દા પર પણ છે. કિરીટ પટેલ પણ તમામ સમાજના અને તમામ વર્ગના લોકોને સાથે લઈને ચાલનાર વ્યક્તિ છે.
અત્રે નોંધનીય છે કે મહેસાણા ખાતે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જનસભા યોજવામાં આવી હતી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેજ ઉપર સ્વાગત કાર્યક્રમ દરમિયાન કિરીટ પટેલ સાથે કરેલી મુલાકાત નો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં પ્રધાનમંત્રી મોદી કિરીટ પટેલની મુલાકાત દરમિયાન ગુફતેગુ કરતા પ્રસન્ન મુદ્રામાં દેખાય છે.
તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઊંઝા ની મુલાકાત લીધી તે વખતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની સાદગી જોવા મળી હતી. બંને વ્યક્તિત્વ ની હળવી પળોનો આ ફોટો સોશ્યલ.મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.